બિહારની રાજધાની પટનામાં BPSC પ્રિલિમિનરી પરીક્ષા ફરીથી યોજવાની માગણી સાથે સચિવાલય હોલ્ટ સ્ટેશન પર ટ્રેનને રોકવા બદલ પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવ અને 10થી વધુ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
પ્રદર્શનકારીઓએ હોલ્ટ સ્ટેશન પર રેલ વ્યવહાર ખોરવ્યો હતો
મેજિસ્ટ્રેટ અને પોલીસના નિવેદનના આધારે પટનાના જીઆરપી (રેલ્વે પોલીસ) સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ BPSC પરીક્ષામાં પેપર લીક, અનિયમિતતા અને અન્ય મુદ્દાઓને લઈને પપ્પુ યાદવ અને તેના સમર્થકોએ આ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ સચિવાલય હોલ્ટ સ્ટેશન પર રેલ વ્યવહાર ખોરવ્યો હતો. વિરોધને કારણે ઘણી ટ્રેનો થંભી ગઈ હતી અને રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો. આ કેસ સરકારી કામમાં અડચણ ઉભો કરવા અને ટ્રાફિકને અવરોધવા બદલ નોંધવામાં આવ્યો છે.
BNSની અલગ-અલગ કલમો અને રેલવે એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો
રેલવે પોલીસે જણાવ્યું કે સાંસદ પપ્પુ યાદવ અને તેમના સમર્થકો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની અલગ-અલગ કલમો અને રેલવે એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આમાં ટ્રેનોને રોકવા, ટ્રાફિકમાં વિક્ષેપ, સરકારી કામમાં દખલ અને શાંતિને ખલેલ પહોંચાડવા સંબંધિત વિભાગોનો સમાવેશ થાય છે. જીઆરપી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિરોધ દરમિયાન રેલ ટ્રાફિકમાં વિક્ષેપને કારણે સામાન્ય લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સાંસદ પપ્પુ યાદવે કરી આ સ્પષ્ટતા
મોડી પડેલી ટ્રેનો અને ટ્રાફિક જામના કારણે ઘણા મુસાફરો અટવાયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિને કાબૂમાં લીધી હતી અને દેખાવકારોને હટાવ્યા હતા. આ મામલે પોતાની સ્પષ્ટતા આપતા સાંસદ પપ્પુ યાદવે કહ્યું છે કે આ પ્રદર્શન સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓના હિતમાં હતું. તેમણે આરોપ લગાવ્યો કે BPSC પરીક્ષાઓમાં મોટાપાયે ગોટાળો થઈ રહ્યો છે અને સરકાર વિદ્યાર્થીઓની સમસ્યાઓને નજરઅંદાજ કરી રહી છે.