અગ્ર ગુજરાત, રાજકોટ
21મીએ તમામ આરોપીઓને હાજર રેહવા સેશન્સ કોર્ટની તાકીદ
રાજકોટનાં TRP ગેમ ઝોનમાં સર્જાયેલા આગકાંડમાં 27 લોકોનાં મોત થયા હતા. આ અંગે આજે કોર્ટમાં સુનાવણીની પ્રથમ મુદત હતી. સુનાવણી બાદ કોર્ટ 21મી તારીખે તમામ આરોપીઓને હાજર કરવા તાકીદ કરી હતી. આજે સરકાર તરફે સ્પે.પીપી હાજર રહ્યા હતા. જ્યારે પક્ષકારો તરફના વકીલે ચાર્જશીટનો અભ્યાસ કરવા તેની નકલો માંગી હતી.
ગત તા.25/5/2024ની સાંજે રાજકોટના નાના મવા રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગતા 27 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. અને ત્રણેક લોકોને ઇજા થઇ હતી. જે અંગે પોલીસે ફરિયાદી બની રાજકોટ તાલુકા પોલીસ મથકમાં આઇપીસી 304, 308, 337, 338, 36, 46, 466, 471, 474, 201, 120બી, 114 મુજબ ફરિયાદ નોંધી હતી.
આ બનાવમાં 16 આરોપી સામે ગુનો દાખલ થયો છે. જેમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો (1) ધવલભાઇ ભરતભાઇ ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો (2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, (3) કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, (4) પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરન, (5) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, (6) રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર (7) નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર (8) મનસુખભાઇ ધનજીભાઇ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ (9) ગૌતમ દેવશંકરભાઇ જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ (10) મુકેશભાઇ રામજીભાઇ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર (11) રોહીતભાઇ આસમલભાઇ વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને એટીપીઓ (12) જયદીપ બાલુભાઈ ચૌધરી (13) રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર (14) ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર (15) ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર (16) મહેશ અમૃત રાઠોડનો સમાવેશ થાય છે. અગ્નિકાંડના બનાવમાં પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરનનું મોત થયું હતું.
જેથી બાકીના 15 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલ હવાલે કરાયા છે. ચાર્જશીટ ફાઈલ કરવા માટે 90 દિવસ મળે છે. પણ અગ્નિકાંડમાં આ સમયગાળા કરતા વહેલા 60 દિવસમાં પોલીસે ચાર્જશીટ તૈયાર કરી હતી. કેસની તપાસ લાંબી ચાલી છે. અનેક સાહેદોના નિવેદનો લેવાયા છે. સાક્ષીઓના નિવેદન લેવાયા છે. અનેક કર્મચારીઓ અધિકારીઓની પણ પૂછપરછ થઈ છે.
જેથી તેના કાગળો તૈયાર થયા છે. આ તમામ પુરાવા, નિવેદન પોલીસે ચાર્જશીટના સ્વરૂપમાં કોર્ટને આપ્યા છે. ચાર્જશીટ થઈ જતા કોર્ટમાં આ કેસની પ્રથમ તા.7/8/2024 મુકરર કરાઈ હતી. જેથી આજે કોર્ટમાં સરકાર તરફે સ્પે. પીપી તુષાર ગોકાણી હાજર રહ્યા હતા. આ તકે કોર્ટે જેલમાં રહેલ તમામ આરોપીઓને તા.21/8/2024ના રોજ કોર્ટમાં હાજર રહેવા યાદી કરી છે. હવે આરોપીઓએ આવતી 21/8/2024ના રોજ જાતે હાજર રહેવાનું રહેશે.
જેથી પ્રાથમિક પ્રક્રિયાઓ બાદ આ કેસ સેશન્સ કોર્ટમાં કમિટ થઈ શકે છે.આ તરફ પક્ષકારો તરફે રોકાયેલા એડવોકેટ નરેન્દ્રસિંહ જાડેજાએ ચાર્જશીટનો અભ્યાસ કરવા માટે કોર્ટ સમક્ષ ચાર્જશીટની નકલ જેમાં સાહેદોના નિવેદન વગેરેની નકલ મળવા અરજી વિનંતી કરી હતી.
પક્ષકારના વકીલ હવે પોલીસે તૈયાર કરેલ ચાર્જશીટનો અભ્યાસ કરશે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં સરકારે સ્પે. પીપી તરીકે તુષાર ગોકાણી ઉપરાંત એડિશનલ સ્પે.પીપી તરીકે નિતેશ કથીરિયાની નિમણુંક કરી છે.આ સિવાય રાજકોટ બાર એસો.એ પક્ષકારો તરફે નિ:શુલ્ક કેસ લડવા જાહેરાત કરી હતી. જેમાં બાર તરફથી પક્ષકાર વતી સિનિયર એડવોકેટ સુરેશ ફળદુએ અગાઉ દલીલો કરેલી છે.