- માર્ચ બાદ પહેલી ઇનિંગમાં એકપણ અર્ધસદી નહીં
- શુભમન ગિલ ફરી એકવાર ઇંગ્લેન્ડ સામે પ્રથમ ઇનિંગમાં નિષ્ફળ સાબિત થયો
- તે બીજી ઇનિંગમાં રન બનાવે છે પણ પહેલી ઇનિંગમાં તો તે ચાલતો નથી
શુભમન ગિલ ફરી એકવાર ઇંગ્લેન્ડ સામે પ્રથમ ઇનિંગમાં નિષ્ફળ સાબિત થયો છે. પાંચ ટેસ્ટ મેચની આ સિરીઝના ચોથા મુકાબલામાં શુભમન ગિલનું બેટ ચાલ્યું નથી. રાંચીમાં ભારતની પ્રથમ ઇનિંગમાં તે 38 રન બનાવીને આઉટ થયો. ઓફ સ્પીનર શોએબ બશીરે તેને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો. ગિલના પાછલા રેકોર્ડને જોઈએ તો પ્રથમ ઇનિંગમાં તેનો દેખાવ સતત ખરાબ થઈ રહ્યો છે. તે બીજી ઇનિંગમાં રન બનાવે છે પણ પહેલી ઇનિંગમાં તો તે ચાલતો નથી. પાછલા વર્ષે માર્ચ મહિનામાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેણે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ઇનિંગમાં 128 રન બનાવ્યા હતા. તે પછી તે પ્રથમ ઇનિંગમાં એક પણ અર્ધસદી નોંધાવી શક્યો નથી.
આ સમગ્ર ગાળા દરમિયાન ગિલ નવ વાર પ્રથમ ઇનિંગમાં રમ્યો છે અને તે દરમિયાન તેણે બનાવેલા રનની વાત કરીએ તો 13, 6, 10, 2, 36, 23, 34, 0, 38 રન બનાવ્યા છે. અર્થાત ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફરીકા અને પછી ઇંગ્લેન્ડ સામે એકપણ વાર પ્રથમ ઇનિંગમાં અર્ધસદી પણ નોંધાવી શક્યો નથી. ગિલ બીજી ઇનિંગમાં વધુ સફળ થયો છે. તેણે અત્યાર સુધીની કેરિયરમાં પહેલી ઇનિંગમાં 26.41ની સરેરાશથી રન કર્યા છે જ્યારે બીજી ઇનિંગમાં તેની સરેરાશ 40.84ની છે. ઇંગ્લેન્ડ સામેની વર્તમાન સિરીઝમાં તેનો દેખાવ સારો રહ્યો છે. હૈદરાબાદમાં બીજી ઇનિંગમાં શૂન્ય પર આઉટ થયો પરંતુ વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં 104 અને રાજકોટ ટેસ્ટમાં 91 રન કર્યાં હતાં.


