ભાદરવા સુદ ચતુર્થીને ગણેશ ચતુર્થી તરીકે સમગ્ર ભારતભરમાં ઊજવવામાં આવે છે. આ દુંદાળા દેવ ગણપતિનો જન્મ દિવસ છે. તેમના જન્મ વિશે બે કથાઓ પ્રચલિત છે. એક કથા મુજબ પાર્વતીજીએ પોતાના શરીરના મેલમાંથી ગણપતિજીને ઉત્પન્ન કર્યા હતા તથા બીજી કથા પ્રમાણે પાર્વતીજીએ એક વર્ષ સુધી પુન્યક નામનું વ્રત કર્યું હતું અને તેના પ્રતાપે શ્રીગણેશજીનો જન્મ થયો. પ્રથમ પૂજ્ય અને વિઘ્નહર્તા ગણપતિજીનું ગણેશ ચતુર્થીના દિવસથી લઈને દસ દિવસ સુધી સ્થાપન-પૂજન કરવામાં આવે છે
લિંગપુરાણ અનુસાર સર્વવિઘ્નેશ મોદકપ્રિય ગણપતિજીના જાતકર્માદિ સંસ્કાર બાદ ભગવાન શિવજીએ પોતાના પુત્ર ગણેશજીને તેમનું કર્તવ્ય સમજાવતા આશીર્વાદ આપ્યા કે, `જે પણ વ્યક્તિ તારું પૂજન કર્યા વગર પૂજાપાઠ, અનુષ્ઠાન, યજ્ઞ-હવન કે કોઈ પણ શુભ કાર્ય કરશે તેનું મંગળ પણ અમંગળમાં પરિવર્તિત થઈ જશે. જે લોકો ફળની કામનાથી બ્રહ્મા, વિષ્ણુ, ઈન્દ્ર અથવા કોઈપણ દેવતાની પૂજા કરશે, પરંતુ તારી પૂજા નહીં કરે તેના કાર્યમાં વિઘ્નો દ્વારા બાધા પહોંચશે.’
અસુરો બ્રાહ્મણ અને દેવતાઓને સતાવતા હતા. ગણેશજીને વરદાન હતું કે જે તેમની પ્રથમ પૂજા નહીં કરે તેમના કાર્યમાં તેઓ વિઘ્નો નાંખશે. ગણેશજીએ દૈત્યોના ધર્મકાર્યોમાં વિઘ્નો નાખવાનું શરૂ કરી દીધું જેથી તેમની સફળતા આડે બાધાઓ આવવા લાગી.
મૂષક કેવી રીતે બન્યો શ્રીગણેશનું વાહન?
સમેરુ પર્વત પર સૌભરિ ઋષિનો આશ્રમ હતો. તેમની ખૂબ જ સ્વરૂપવાન તથા પતિવ્રતા પત્નીનું નામ મનોમયી હતું. એક દિવસ ઋષિ બળતણ માટે લાકડાં લેવા માટે વનમાં ગયા. તેમના ગયા પછી મનોમયી ગૃહકાર્યમાં વ્યસ્ત થઈ ગયાં. તે જ સમયે કૌંચ નામનો એક ગંધર્વ ત્યાં આવ્યો. જ્યારે કૌંચે લાવણ્યમયી મનોમયીને જોયાં, તો તેની અંદર કામ જાગૃત થયો અને તે વ્યાકુળ થઈ ગયો. તેણે મનોમયીનો હાથ પકડી લીધો. મનોમયી હાથ છોડવા આજીજી કરવા લાગ્યાં. તે જ સમયે ત્યાં સૌભરિ ઋષિ આવ્યા.
તેમણે ગંધર્વને શાપ આપતાં કહ્યું, `તેં ચોરની જેમ મારી પત્નીનો હાથ પકડ્યો છે, તેથી તું હવે મૂષક બનીને ધરતી પર જઈને ચોરી કરીને તારું પેટ ભરીશ.’
શાપથી વ્યથિત થઈને ગંધર્વે ઋષિને પ્રાર્થના કરી કે, `હે ઋષિવર, અવિવેકને કારણે મેં તમારી પત્નીના હાથનો સ્પર્શ કર્યો છે. મને ક્ષમા આપો.’
ઋષિએ કહ્યું, `કૌંચ, મારો શાપ વ્યર્થ નહીં થાય, પરંતુ દ્વાપરયુગમાં મહર્ષિ પરાશરને ત્યાં ગણપતિ દેવ ગજ રૂપમાં પ્રગટ થશે, ત્યારે તું તેમનું વાહન બની જઈશ. ત્યારબાદ તારું કલ્યાણ થશે તથા દેવગણ પણ તારું સન્માન કરશે.’
ગંધર્વ મૂષક તરીકે જન્મ લઈને ઋષિ પરાશરના સ્થાને ગયો. ત્યાં ભગવાન ગણેશનો અવતાર ગજાનન કરી રહ્યા હતા. મૂષક ત્યાં આજુબાજુ રહેનારા લોકોને હેરાન-પરેશાન કરતો હતો. ઋષિ પરાશરે ગજાનને કહ્યું કે, `મૂષકની સમસ્યામાંથી છુટકારો અપાવો.’ ગજાનને મૂષકને પકડ્યો અને કહ્યું, `મારે તારી પાસે કંઈ નથી જોઈતું. હું તારા પર સવારી કરીશ અને હું જ્યાં જાઉં ત્યાં તારે મારી સાથે આવવું પડશે.’ તેથી મૂષક હંમેશાં ગણેશજીનાં ચરણોમાં રહે છે.
ગણેશચતુર્થી પર ચંદ્રદર્શનના દોષનું નિવારણ
શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રદર્શન નિષેધ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થીના દિવસે જાણે-અજાણે પણ ચંદ્રદર્શન કરવાથી વ્યક્તિને એક વર્ષ સુધી મિથ્યા કલંક લાગે છે. ભગવાન શ્રીકૃષ્ણને પણ ચંદ્રદર્શનનો મિથ્યા કલંક લાગવાનું પ્રમાણ આપણાં શાસ્ત્રોમાં વિસ્તારથી વર્ણિત છે. ગણેશ પુરાણ અનુસાર ભાદરવા સુદ ચતુર્થીના દિવસે ચંદ્રમા જોનાર પર કલંક અવશ્ય લાગે છે, તેથી ભૂલથી પણ ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રદર્શન ટાળવું જોઈએ. જો અજાણતા ચંદ્રદર્શન થઈ જાય તો તેના નિવારણ માટે શ્રીમદ્ ભાગવતના 10મા સ્કંધ, 56-57માં અધ્યાયમાં વર્ણિત સ્યમંતક મણિની ચોરીની કથાનું શ્રવણ કરવું લાભકારક છે. તેનાથી ચંદ્રદર્શનથી લાગનારા મિથ્યા કલંકનો ખતરો રહેતો નથી.
ગણેશજી એકદંત શા માટે કહેવાયા?
એકવાર મહર્ષિ પરશુરામ ભગવાન શંકરનાં દર્શન કરવા માટે કૈલાસ પર્વત પર પહોંચ્યા. ત્યાં દ્વાર પર શ્રીગણેશજી ઊભા હતા. મહર્ષિ પરશુરામે ભગવાન શંકરનાં દર્શન કરવા માટે અંદર જવાની ઈચ્છા જણાવી, પરંતુ ગણેશજીએ તેમને રોકતાં કહ્યું કે, `ભગવાન શંકર નિદ્રામગ્ન છે, તેથી તેઓ જાગે ત્યાં સુધી રાહ જોવી પડશે.’ જોકે, પરશુરામ ન માન્યા અને તેમની વચ્ચે વાક્યુદ્ધ થવા લાગ્યું. વાક્યુદ્ધ ધીરે-ધીરે સંપૂર્ણ યુદ્ધમાં પરિવર્તિત થઈ ગયું. ગણેશજી પરશુરામને પોતાની સૂંઢમાં લપેટીને ગોળ ગોળ ફેરવવા લાગ્યા, તેથી ક્રોધિત થઈને પરશુરામે પોતાના અમોઘ ફારસ દ્વારા ગણેશજી પર પ્રહાર કર્યો અને ગણેશજીનો એક દાંત તૂટીને પડી ગયો, તેથી તેમને એક દાંત છે અને એકદંતના નામથી પ્રચલિત છે.
ગણેશજીના વિવાહ અને પ્રથમ પૂજા
શિવ પુરાણમાં ગણેશજીના વિવાહનો ઉલ્લેખ જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે ગણપતિજીની મૂર્તિની બંને બાજુ સિદ્ધિ અને બુદ્ધિની સ્થાપના થાય છે. ગણેશજીના તેમની સાથે વિવાહ થયા હતા. તુલસીના શાપને કારણે ગણેશજીના વિવાહ થયા. રુદ્ર સંહિતાના કુમાર ખંડમાં ગણેશજીના વિવાહનું વર્ણન જોવા મળે છે. વિશ્વ ભ્રમણનો આદેશ આપતી વખતે શિવજીએ બંને પુત્રોને કહ્યું હતું કે, `તમારા બંનેમાંથી જે પણ પૃથ્વીની પહેલી પરિક્રમા કરશે તેના વિવાહ સિદ્ધિ-બુદ્ધિ સાથે થશે.’ કાર્તિકેય તો પોતાના વાહન મયૂર પર બેસીને પરિક્રમા કરવા નીકળી ગયા અને ગણેશજીએ માતા-પિતાની સાતવાર પરિક્રમા કરી. માતા-પિતામાં સમગ્ર વિશ્વ સમાયેલું છે. ગણેશજીએ માતા-પિતાની સાતવાર પરિક્રમા કરીને વિશ્વની પરિક્રમા પહેલાં પૂરી કરી લીધી, તેથી ગણેશજીનાં લગ્ન સિદ્ધિ-બુદ્ધિ સાથે થયાં. તેમને સિદ્ધિથી ક્ષેમ અને બુદ્ધિથી લાભ નામના પુત્રો થયા.
ગણેશજીની પ્રથમ પૂજાના વિષયમાં પણ વિશ્વ પરિભ્રમણની કથા જોવા મળે છે. તે મુજબ એકવાર ત્રણે લોકોમાં સર્વપ્રથમ પૂજનીય કોણ તે બાબતે દેવતાઓ વચ્ચે મોટો વિવાદ થયો. બધા જ દેવતા ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. તેમને મુદ્દો વધારે ગંભીર લાગતાં દેવતાઓને લઈને શિવલોક પહોંચ્યા. શિવજીએ કહ્યું કે આ પ્રશ્નનો સાચો ઉકેલ બ્રહ્માજી જ જણાવશે. ત્યારબાદ બધા જ બ્રહ્માજી પાસે પહોંચ્યા.
બ્રહ્માજીએ કહ્યું, `પ્રથમ પૂજનીય એ જ હશે જે બ્રહ્માંડના ત્રણ ચક્કર લગાવીને પહેલાં આવશે.’ આ સાંભળીને બધા જ દેવતાઓ પોતપોતાના વાહન પર સવાર થઈને બ્રહ્માંડનું ચક્કર લગાવવા નીકળી પડ્યા. ગણેશજીનું વાહન તો મૂષક હતું અને તેની ધીમી ગતિથી બ્રહ્માંડનાં ચક્કર લગાવવાનું કામ મુશ્કેલ હતું, પરંતુ ગણપતિજી બુદ્ધિમાન અને ચતુર હતા. તેમણે મૂષક પર સવાર થઈને પોતાનાં માતા-પિતાની ત્રણ પ્રદક્ષિણા કરી અને બ્રહ્માજી પાસે ગયા અને કહ્યું કે મેં બ્રહ્માંડના ત્રણ ચક્કર લગાવી દીધાં છે, બ્રહ્માજીએ પૂછ્યું કેવી રીતે? ત્યારે તેમણે જવાબ આપ્યો કે, `માતા-પિતામાં ત્રણ લોક, સમસ્ત બ્રહ્માંડ અને વિશ્વ, સમસ્ત તીર્થ, સમસ્ત દેવ અને સમસ્ત પુણ્ય વિદ્યમાન હોય છે, તેથી મેં માતા-પિતાની પ્રદક્ષિણા કરી. તેનું તાત્પર્ય એ છે કે હું બ્રહ્માંડનાં ત્રણ ચક્કર લગાવીને પ્રથમ પાછો આવ્યો.’ બ્રહ્માજી સહિત સમસ્ત દેવતાઓએ ગણેશજીની તર્કસંગત યુક્તિનો સ્વીકાર કર્યો અને આ રીતે ગણેશજી ત્રણ લોકોમાં સર્વપ્રથમ પૂજ્ય માનવામાં આવ્યા.
ગણેશ જન્મની પૌરાણિક કથા
ભગવાન શિવની અનુપરિસ્થિતિમાં માતા પાર્વતીએ વિચાર કર્યો કે તેમનો પોતાનો એક સેવક હોવો જોઈએ, જે પરમ શુભ, કાર્યકુશળ તથા આજ્ઞાનું સતત પાલન કરવામાં ક્યારેય વિચલિત ન થાય. આમ વિચારીને માતા પાર્વતીએ પોતાના મંગલમય પાવન શરીરના મેલથી પોતાની માયા શક્તિથી બાળ ગણેશને ઉત્પન્ન કર્યા.
એકવાર જ્યારે માતા પાર્વતી માનસરોવરમાં સ્નાન કરી રહ્યાં હતાં ત્યારે તેમણે સ્નાનસ્થળે કોઈ આવી ન શકે તે માટે બાળ ગણેશને પહેરો ભરવાનું અને આજ્ઞા વગર કોઈને પ્રવેશ ન કરવા દેવા જણાવ્યું. ગણેશજી પહેરો ભરી રહ્યા હતા તે દરમિયાન શિવજી ત્યાં આવતા ગણેશજીએ તેમને અટકાવ્યા અને કહ્યું કે, `તમે આગળ નહીં જઈ શકો.’
અનેકવાર સમજાવવા છતાં પણ ગણેશજીએ શિવજીને રોક્યા, તેથી ક્રોધિત થઈને શિવજીએ બાળ ગણેશનું માથું ધડથી અલગ કરી નાખ્યું. જ્યારે આ વાતની જાણ માતા પાર્વતીજીને થઈ ત્યારે તેઓ વિલાપ અને ક્રોધથી પ્રલયનું સર્જન કરતાં કહેવા લાગ્યા કે, `તમે મારા પુત્રનો વધ કર્યો.’
પાર્વતીજીને ક્રોધિત અને દુ:ખી જોઈને શિવજીએ પોતાના ગણોને આદેશ આપતાં કહ્યું કે, `રસ્તામાં તમને જે સૌથી પહેલો જીવ જોવા મળે તેનું માથું કાપીને બાળકના ધડ પર લગાવી દો, તેનાથી આ બાળક જીવિત થશે.’
ગણોને સૌથી પહેલાં હાથીનું બચ્ચું મળ્યું, તેથી તેમણે તેનું માથું કાપીને બાળક ગણેશના ધડ પર લગાવી દીધું અને તેઓ જીવિત થયા.
બાળકનું આવું વિચિત્ર રૂપ જોઈને પાર્વતી માતા હજુ પણ દુ:ખી હતાં. તેમને લાગતું હતું કે આવા દેખાવવાળા મારા પુત્રનો બધા જ લોકો તિરસ્કાર અને અપમાન કરશે. ત્યારે ત્યાં હાજર દેવતાઓ સહિત ત્રિદેવોએ ગણેશજીને ગણાધ્યક્ષ બનાવ્યા.