Updated: Oct 9th, 2023
Image Source: Twitter
– સંપૂર્ણ પાયે ઉત્પાદન શરૂ થયા બાદ દર વર્ષે લગભગ 750 કિલો સોનાનું ઉત્પાદન થશે
નવી દિલ્હી, તા. 09 ઓક્ટોબર 2023, સોમવાર
ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ થયા બાદ સોનાના ભાવમાં જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યા છે. આ વચ્ચે હવે એક સારા સમાચાર આવ્યા છે કે, દેશમાં પહેલી મોટી ખાનગી સોનાની ખાણથી Goldનું ઉત્પાદન થશે. ગોલ્ડ એક્સપર્ટસનું કહેવું છે કે, આનાથી ભારતને વિદેશમાંથી સોનાની આયાત ઘટાડવામાં મદદ મળશે અને એટલું જ નહીં સોનાની કિંમતને નિયંત્રિત કરવામાં પણ મદદ મળશે. સોનાનું ઉત્પાદન દેશમાં થવાથી લોકોને શુદ્ધ સોનું મેળવવાનો રસ્તો સ્પષ્ટ થઈ જશે. ડેક્કન ગોલ્ડ માઈન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર હનુમા પ્રસાદે જણાવ્યું કે, આંધ્રપ્રદેશમાં દેશની પ્રથમ મોટી ખાનગી સોનાની ખાણમાં સંપૂર્ણ પાયે ઉત્પાદન આવતા વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જશે. તેમણે જણાવ્યું કે, જોન્નાગીરી સ્વર્ણ પરિયોજના જેમાં પ્રારંભિક તબક્કે કામ પહેલાથી જ શરૂ થઈ ચૂક્યુ છે. તે હેઠળ સંપૂર્ણ પાયે ઉત્પાદન શરૂ થયા બાદ દર વર્ષે લગભગ 750 કિલો સોનાનું ઉત્પાદન થશે.
લગભગ 200 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યુ
બીએસઈ પર સૂચીબદ્ધ પ્રથમ અને એકમાત્ર સોનુંની શોધ કરનારી કંપની ડેક્કન ગોલ્ડ માઈન્સ લિમિટેડની જિયોરિસોર્સ સર્વિસિસ ઈન્ડિયા લિમિટેડમાં 40 ટકા ભાગીદારી છે. જે જોન્નાગિરી ખાતે ખાનગી ક્ષેત્રની પ્રથમ સોનાની ખાણ પર કામ કરી રહી છે. આ ખાણમાં અત્યાર સુધીમાં કુલ 200 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. હાલમાં તે દર મહિને આશરે એક કિલોગ્રામ સોનાનું ઉત્પાદન કરી રહી છે. પ્રસાદે કહ્યું કે, ભારતીય ખાણ (જોન્નાગીરી ગોલ્ડ પ્રોજેક્ટ)માં બાંધકામનું કામ ચાલી રહ્યું છે. આગામી વર્ષે ઓક્ટોબર-નવેમ્બરની આસપાસ અહીં ઉત્પાદન શરૂ થઈ જશે. સોનાની ખાણ આંધ્ર પ્રદેશના કુરનૂલલ જિલ્લામાં તુગ્ગલી મંડલમની અંદર જોન્નાગિરી, એર્રાગુડી અને પગડિરાઈ ગામોની નજીક સ્થિતિ છે.
ડેક્કન ગોલ્ડ માઈન્સ લિમિટેડ પાસે દેશની બહાર પણ સોનાની ખાણ
પ્રસાદે કહ્યું કે, આ ખાણને 2023માં મંજૂરી આપવામાં આવતી હતી. કંપનીને ત્યાં સોનુ શોધવામાં 8થી 10 વર્ષ લાગી ગયા. ડેક્કન ગોલ્ડ માઈન્સ લિમિટેડ પાસે દેશની બહાર પણ સોનાની ખાણ છે. તેના વિશે એમડી પ્રસાદે જણાવ્યું કે, કિર્ગિસ્તાન સ્થિત ગોલ્ડ માઈન પ્રોજેક્ટમાં કંપની પાસે 60% ભાગીદારી છે. ત્યાં પણ આગામી વર્ષે ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં ઉત્પાદન શરૂ થઈ જશે. કિર્ગિસ્તાન સ્થિત એલ્ટિન ટોર ગોલ્ડ પ્રોજેક્ટથી દર વર્ષે 400 કિલોગ્રામ સોનાનુ ઉત્પાદન થવાની આશા છે.