- IPL 2024ના ઓક્શન માટે તૈયારી શરૂ થઈ
- 19 ડિસેમ્બરે દુબઈમાં કરવામાં આવશે ઓક્શન
- IPLના ઈતિહાસમાં પ્રથમ વખત ઓક્શનર તરીકે જોવા મળશે મહિલા
IPL 2024નું ઓક્શન 19 ડિસેમ્બરે દુબઈમાં થશે. આ વખતે પ્રથમ વખત ભારતની બહાર ઓક્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ ઓક્શનમાં પ્રથમ વખત મહિલા ઓક્શનર ખેલાડીઓની બોલી લગાવશે. IPLના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર બે જ પુરુષો ઓક્શનર બન્યા છે, પરંતુ હવે પ્રથમ વખત કોઈ મહિલા આ કાર્યને પાર પાડશે.
કોણ છે મલ્લિકા સાગર?
મળતી માહિતી અનુસાર, હ્યુઝ એડમીડ્સ IPLની 17મી સિઝનમાં ખેલાડીઓની હરાજી કરતા જોવા મળશે નહીં. એક અહેવાલ મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ એડમીડ્સને જણાવ્યું કે, IPL 2024ના ઓક્શન માટે તેમની સેવાઓ લેવામાં આવશે નહીં. તેમના સ્થાને મલ્લિકા સાગરનો સંપર્ક કરવામાં આવ્યો છે. જે 19 ડિસેમ્બરે દુબઈમાં ખેલાડીઓ માટે બોલી લગાવી શકે છે.
મુંબઈની રહેવાસી છે મલ્લિકા સાગર
ઉલ્લેખનીય છે કે, મલ્લિકા સાગર મુંબઈની રહેવાસી છે અને આ પહેલા પણ આ કામ કરી ચુકી છે. તેમણે વિમેન્સ પ્રીમિયર લીગ 2023 એટલે કે WPLની પ્રથમ સિઝનમાં તમામ ખેલાડીઓની સફળતાપૂર્વક હરાજી કરી હતી. વુમન્સ પ્રીમિયર લીગમાં તેની અલગ-અલગ સ્ટાઈલની હરાજીને પણ લોકોએ પસંદ કરી હતી. આ ઉપરાંત મલ્લિકા સાગરે પ્રો કબડ્ડી લીગ 2021ની હરાજીમાં ખેલાડીઓની હરાજી પણ કરાવી હતી. મતલબ કે મલ્લિકા સાગરને આ કામનો પૂરેપૂરો અનુભવ છે અને હવે તે IPL 2024ની હરાજીમાં ખેલાડીઓની હરાજી પણ કરાવી શકે છે.
IPLમાં આજ સુધી હરાજી કોણે કરી છે?
IPLની શરૂઆત 2008માં થઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી IPL 2023 સુધી કુલ 16 સિઝન થઈ છે અને આ સમયગાળા દરમિયાન માત્ર 2 લોકોએ જ હરાજીનું આયોજન કર્યું છે. રિચર્ડ મેડલી IPLના ઇતિહાસમાં પ્રથમ હરાજી કરનારા હતા. તેમણે 2008થી IPL 2018 સુધી ખેલાડીઓની હરાજી કરી હતી. તે પછી હ્યૂઝ એડમીડ્સે તેમના સ્થાને હરાજી કરનારની જવાબદારી સંભાળી હતી અને તેમણે 2023 સુધી ખેલાડીઓ માટે બિડિંગનું સંચાલન કર્યું હતું.
IPL 2022ના ઓક્શનમાં એડમ્સની તબિયત લથડી હતી
IPL 2022ની હરાજીના પહેલા દિવસે એડમ્સની તબિયત લથડી હતી અને તે સ્ટેજ પર જ પડી ગયા હતા. જે બાદ થોડા સમય માટે હરાજી અટકાવી દેવામાં આવી હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ચારુ શર્મા દ્વારા હરાજીની પ્રક્રિયાને આગળ ધપાવવામાં આવી હતી. જો કે, એ જ હરાજીના બીજા દિવસે, એડમ્સ હરાજી કરવા માટે પાછા આવ્યા હતા.


