- I.M.B.L બોર્ડર નજીક બોટોએ માછીમારી કરવા જવું નહી
- ફિશીંગ કરી રહેલ બોટોએ ગ્રુપમાં માછીમારી કરવી
- પાકિસ્તાનની નાપાક હરકતોથી સાવચેત રહેવા માછીમારોને અપીલ
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે પોરબંદરના માછીમારોને સાવચેત રહેવા પોરબંદર બોટ એસો. દ્વારા અપીલ કરાઈ છે. 22 જાન્યુઆરી ભારત માટે ખૂબ ઐતિહાસિક દિવસ બનવાનો છે. ત્યારે પાડોશી પાકિસ્તાનની નાપાક હરકતોથી સાવચેત રહેવા માછીમારોને અપીલ કરવામાં આવી છે.
I.M.B.L બોર્ડર નજીક બોટોએ માછીમારી કરવા જવું નહી
પોરબંદર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તથા તમામ કમિટી મેમ્બરોએ દરેક બોટ માલિકો તેમજ ટંડેલ, ખલાસીઓને ખાસ જાણ કરી છે કે દરિયાઈ સુરક્ષા એજન્સી દ્વારા જણાવાયું છે કે તા.22-1-2024ના અયોધ્યા ખાતે થનાર મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નજીક આવી રહ્યો છે, જે અનુસંધાને અગાઉ મુંબઈમાં 26/11 જેવો બનાવ બન્યો હતો તે ફરી પાછો ન બને તે ધ્યાને લઈ ફિશીંગ કરી રહેલ બોટોએ ગ્રુપમાં માછીમારી કરવી અને I.M.B.L બોર્ડર નજીક બોટોએ માછીમારી કરવા જવું નહી.
બોટના ટંડેલ, ખલાસીઓને આ બાબતે તાત્કાલીક ખાસ સુચના આપવામાં આવી
પોરબંદરના માછીમારોને સૂચના અપાઈ છે કે માછીમારી દરમિયાન દરીયામાં કોઈ અજાણી બોટ અથવા અજાણા માણસો નજર આવે તો તરત ઇન્ડિયન નેવી, કોસ્ટ ગાર્ડ અથવા બોટ એસોસીએશનને જાણ કરવા જણાવાયું છે અને સર્વે બોટ માલિકો પણ પોત પોતાની બોટના ટંડેલ, ખલાસીઓને આ બાબતે તાત્કાલીક ખાસ સુચના આપવામાં આવી છે.


