- સરકારે માછીમારી સિઝન શરૂ કરવાનો લીધો નિર્ણય
- ગુજરાત બોટ એસોસીએશનો દ્વારા કરવામાં આવી હતી રજૂઆત
- માછીમાર બોટ એસોસીએશનોએ માન્યો સરકારનો આભાર
ગુજરાતમાં ચોમાસાની સીઝનને ધ્યાને રાખીએ 1 જૂન થી 31 જુલાઈના સમયગાળા દરમિયાન માછીમારી બંધ સીઝન જાહેર કરવામાં આવી હતી. પ્રવર્તમાન સમય અને ગ્લોબલ વોર્મિંગના પરિણામે ઋતુચક્રમાં આવેલા પરિવર્તનથી છેલ્લા 5-7 વર્ષોથી ચોમાસામાં ખાસ કરીને ઓગસ્ટ મહિનાની શરૂઆતી દિવસો દરમિયાન દરિયામાં લોપ્રેસર અને તોફાનો આવતા હોય છે.
બોટ એસોસીએશનો દ્વારા રજૂઆત કરવામાં આવી
દરિયામાં ભારે કરન્ટના કારણે ઉંચા મોજાઓની સ્થિતિને ધ્યાને લઈને 1 ઓગસ્ટના બદલે 15 ઓગસ્ટથી માછીમારી સીઝન શરૂ કરવામાં આવે તેવી રજૂઆતો ગુજરાતના દરેક બંદરના બોટ એસોસીએશનો દ્વારા કરવામાં આવી હતી.
માછીમારી સીઝન શરૂ કરવાનો નિર્ણય
આ બાબતને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ રાજ્યમાં 1 ઓગસ્ટથી શરૂ થતી સીઝનમાં દરિયાઈ તોફાનોને કારણે કોઈપણ માછીમાર ભાઈઓને જાન-માલની નુકશાની ન સહન કરવી પડે તે માટે ગુજરાત સરકારે આ વર્ષે 1 ઓગસ્ટના બદલે 15 ઓગસ્ટથી માછીમારી સીઝન શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.
માછીમાર બોટ એસોસીએશનોએ માન્યો આભાર
રાજ્ય સરકારના આ માછીમાર હિતલક્ષી નિર્ણય બદલ આજે ગાંધીનગર ખાતે ગુજરાતના કેટલાક માછીમાર બોટ એસોસીએશનો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલનું અભિવાદન કરીને તેમનો આભાર માન્યો હતો.
મહત્વનું કહી શકાય કે, ગાંધીનગર ખાતે રાજ્યના મહાવીર મચ્છીમાર સહકારી મંડળી, પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશન, અખીલ ગુજરાત માચ્છીમાર મહામંડળ, ખારવા સમાજ માછીમાર બોટ એસોસીએશન, ગુજરાત પ્રદેશ માછીમાર સેલ, સીમા જાગરણ મંચ-સૌરાષ્ટ્ર પ્રાંત, સલાયા માછીમાર સહકારી મંડળી, ચોરવાડ સમસ્ત ખારવા જ્ઞાતિ, દક્ષિણ ગુજરાત બોટ ઓનર્સ વેલફેર એસોસીએશન, ધારાબંદર માછીમાર બોટ એસોસીએશન, માંગરોળ બંદર બોટ એસોસીએશન, સલાયા ફીશરમેન્સ એસોસીએશન, માંગરોળ ખારવા સમાજ, માછીમાર બોટ એસોસીએશન, બેટ દરીયાખેડુ ફીશીંગ બોટ ઓનર્સ એસોસીએશન તેમજ બેટ બાલાપર માછીમાર સહકારી મંડળીના હોદ્દેદારોએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.


