- ઇન્ટરનેટ, શાળા-કોલેજો બંધ, અર્ધલશ્કરી દળોએ મોરચો સંભાળ્યો
- હલ્દવાની પહોંચેલા મુખ્યમંત્રી ધામીએ કહ્યું- દેવભૂમિનો માહોલ બગાડનારાઓને બક્ષવામાં નહીં આવે
- વીડિયો ફૂટેજથી એક-એક તોફાનીઓની ઓળખ થશે, મિલકતોને પહોંચાડેલા નુકસાનની વસૂલાત થશે
ઉત્તરાખંડના હલ્દવાનીના બનભૂલપુરામાં ગેરકાયદે બંધાયેલી મસ્જિદ અને મદરેસા ગુરુવારે તોડી પડાયા બાદ ફાટી નીકળેલી હિંસામાં પાંચ લોકોનાં મોત થયા છે અને 100થી વધુ પોલીસકર્મીઓ ઘવાયા છે. મસ્જિદ અને મદરેસા તોડી પડાતા રોષે ભરાયેલા ટોળાંએ ઠેરઠેર તોડફોડ સાથે પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મીઓ અને પત્રકારો પર પથ્થરમારો કર્યો હતો અને પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા હતા. સંખ્યાબંધ વાહનોને આગ પણ ચાંપવામાં આવી હતી. પરિસ્થિતિ બેકાબૂ બનતાં તંત્ર દ્વારા બનભૂલપુરામાં ગુરુવારે રાતથી જ કરફ્યૂ લાદી દેવાયો હતો. હલ્દવાનીમાં શુક્રવારે ઇન્ટરનેટ અને શાળા-કોલેજો, ધંધા-રોજગાર પણ બંધ રહ્યા હતા. હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર્સ સિવાય બધું જ બંધ રાખવા આદેશ અપાયા હતા. હાલ પરિસ્થિત કાબૂમાં છે.
શુક્રવારે સાંજે હલ્દવાની પહોંચેલા મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ તોફાનીઓ સામે કડક કાર્યવાહીનો આદેશ કરતા કહ્યું હતું કે કોર્ટના આદેશાનુસાર દબાણો હટાવવાનું કામ ચાલી રહ્યું હતું. તેમ છતાં કેટલાક તોફાની તત્ત્વોએ સુનિયોજિત હુમલા કરીને ઉત્તરાખંડનો માહોલ બગાડવાનું કામ કર્યું છે. મહિલા કર્મીઓ પર હુમલા થયા છે, પત્રકારોને માર મારીને તેમના કેમેરા તોડી નંખાયા છે. પોલીસ, પત્રકારોને આગમાં ધકેલવાના પણ પ્રયાસ થયા છે. વીડિયો ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.
જે લોકોએ સરકારી તેમજ ખાનગી મિલકતોને નુકસાન પહોંચાડયું છે તેમની પાસેથી તેની વસૂલાત કરાશે. એક પણ તોફાનીને બક્ષવામાં નહીં આવે. ધામીએ હોસ્પિટલમાં દાખલ પીડિતોની પણ મુલાકાત લીધી હતી. રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપીને પણ હલ્દવાની મોકલાયા છે.
હલ્દવાનીમાં હિંસા પાછળ મોટું ષડ્યંત્ર : નૈનીતાલ કલેક્ટર
હલ્દવાનીમાં હિંસા મામલે શુક્રવારે નૈનીતાલનાં કલેક્ટર વંદનાસિંહે જણાવ્યું હતું કે તોફાનીઓએ પોલીસ સ્ટેશન પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા. બહાર પાર્ક થયેલા વાહનોને આગ ચાંપી. પોલીસ જવાનોને પોલીસ સ્ટેશનની બહાર પણ નહોતા નીકળવા દીધા. હુમલા સુનિયોજિત રીતે કરાયા. તોફાનીઓએ સમગ્ર વિસ્તારને ઘેરીને આતંક મચાવ્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસે કોઈ ઉશ્કેરણી નહોતી કરી કે કોઈને માર નથી માર્યો. આ હિંસા પાછળ મોટું ષડ્યંત્ર છે. મસ્જિદ, મદરેસા તોડતા પહેલાં નોટિસ અપાઈ હતી ત્યારે ત્યાં આટલા પથ્થરો નહોતા તો કાર્યવાહીના દિવસે ક્યાંથી આવ્યા? દબાણો હટાવાયાના અડધા કલાકમાં જ ધમાલ શરૂ થઈ હતી.


