ભુજ તાલુકામાં ફરી એકવાર બોરવેલની ઘટનાએ હાહાકાર મચાવ્યો છે. ભુજના કુકમા ગામે એક ખેતરના વાડી વિસ્તારમાં ખુલ્લા બોરવેલમાં પડી ગયેલા 18 વર્ષીય યુવકને બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આ યુવક ઝારખંડનો રહેવાસી હતો અને લગભગ 150 ફૂટ ઊંડાઈએ ફસાયો હતો.
9 કલાકનું લાંબુ રેસ્ક્યૂ ઓપરેશન
આ યુવકને બહાર કાઢવા માટે ફાયર વિભાગ, પોલીસ, આર્મી, તેમજ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, ૯ કલાકની અથાગ જહેમત બાદ પણ યુવકને જીવિત બહાર કાઢી શકાયો નહોતો. વહેલી સવારે ૪ વાગ્યે બોરવેલમાંથી તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. યુવક જિંદગીની જંગ હારી ગયો હતો, જેને કારણે તેના પરિવાર અને સ્થાનિકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
‘કચ્છની ઈન્દિરા’ની ઘટનાની યાદ તાજી થઈ
આ કરુણાંતિકાથી 11 મહિના પહેલાં જાન્યુઆરીમાં બનેલી ચકચારી ઘટનાની યાદો તાજી થઈ ગઈ છે. ગત તા. 6 જાન્યુઆરીના રોજ ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે 22 વર્ષીય યુવતી ઈન્દ્રા મીણા 500ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થઈ ગઈ હતી. એ સમયે પણ NDRF, BSF, આર્મી, ડિઝાસ્ટર અને ફાયર વિભાગની ટીમોએ ભારે જહેમત ઉઠાવી હતી. ૩૪ કલાક ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન બાદ યુવતીને બહાર કઢાઈ હતી, પરંતુ કલાકો સુધી ફસાયેલા રહેવાના કારણે ઈન્દ્રાનું શરીર ફુલાઈ ગયું હતું અને તેનું પણ મૃત્યુ થયું હતું. તે ઘટનાને કારણે આખું રાજ્ય હચમચી ગયું હતું. કુકમાની આ ઘટનાએ ફરી એકવાર ખુલ્લા બોરવેલના જોખમો અને તેને બંધ કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.


