- ખેડૂતો-એપીએમસી માટે ગાઈડલાઈન બહાર પડાઈ
- એપીએમસીમાં અનાજ-ખેત પેદાશો સુરક્ષિત રાખવા નિર્દેશ
- પાક ખુલ્લો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાનું જણાવ્યું
હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને ગુજરાતના દાહોદ તેમજ અન્ય જિલ્લાઓમાં પવન સાથે છુટાછવાયા સ્થળોએ હળવો વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને ખેડૂતો અને એપીએમસી માટે ખેતી નિયામકની કચેરીએ માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં કહેવાયું છે કે, પાક નુકસાનીથી બચવા માટે ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરી પાક ખુલ્લો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવી જોઈએ અથવા પ્લાસ્ટિક, તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું જોઈએ.
ખેતી નિયામકે જાહેર કરેલી માર્ગદર્શિકામાં કહેવાયું છે કે, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો જોઈએ.ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહિ તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા જણાવાયું છે. એપીએમસીમાં અનાજ અને ખેત પેદાશો સુરક્ષિત રાખવા તેમજ વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી જોઈએ. વધુ માહિતી માટે કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર 18001801551 સંપર્ક કરવો જોઈએ, આ ઉપરાંત નજીકના વિસ્તારના ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરી શકાશે.


