- વિમાન ફલોરિડાના રહેણાક વિસ્તારમાં ક્રેશ થયું
- ચાર ઘર આગમાં ભસ્મિભૂત, બે લોકો જીવતા ભૂંજાયા
- વિમાન ટ્રેલર સાથે અથડાઈ આગની ઝપટમાં આવ્યું
ફ્લોરિડા શહેરમાં એક સિંગલ-એન્જિન એરક્રાફ્ટ ક્લિયરવોટરમાં મોબાઇલ હોમ પાર્કમાં ક્રેશ થયું. વિમાન ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી હતી. આગ ચાર મકાનોને ઝપટમાં લીધી હતી. ઘટનાની જાણ થતા તાબડતોબ ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબૂમાં લીધી હતી. આ દુર્ઘટનામાં પાયલોટ અને અન્ય એક સ્થાનિક નાગરિકનું મોત થયાનું સામે આવ્યું છે.
ક્લિયરવોટર એરપાર્કમાં ઉતરવાનું હતું
ફાયર ચીફ સ્કોટ એહલર્સે જણાવ્યું હતું કે વિમાન, એક બીકક્રાફ્ટ 35 બોનાન્ઝા, સિંગલ એન્જિન એરક્રાફ્ટ હતું. ગુરુવારે સાંજે 6.08 વાગ્યે વેરો બીચ પ્રાદેશિક એરપોર્ટ પરથી વિમાને ઉડાન ભરી હતી. તે ટામ્પા અને સેન્ટ પીટર્સબર્ગ નજીકના શહેર ક્લિયરવોટર તરફ જતું હતું, જ્યાં તે ક્લિયરવોટર એરપાર્કમાં ઉતરવાનું નક્કી હતું. પરંતુ 62 વર્ષીય પાયલટે એર ટ્રાફિક કંટ્રોલ રૂમને એન્જિન ફેલ થવા અંગે જાણ કરી હતી. તેણે મદદ માટે વિનંતી કરી. ત્યાર બાદ પ્લેન લગભગ 7:15 વાગ્યે બેસાઈડ વોટર્સ મોબાઈલ હોમ પાર્કમાં ક્રેશ થયું હતું. આ પાર્કને જાપાનીઝ ગાર્ડન પણ કહેવામાં આવે છે.
લોકોએ વિમાનને આકાશમાંથી પડતું જોયું
કેટલાક લોકોએ પ્લેન ક્રેશને પોતાના વીડિયોમાં કેદ કર્યો હતો. ફૂટેજમાં દેખાતું હતું કે ભંગારમાંથી સફેદ ધુમાડો નીકળતો હતો અને ટ્રેલરો આગમાં લપેટાઈ ગયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે પ્લેન ટ્રેલર સાથે અથડાયું અને ત્રણ અન્ય લોકો પણ આગમાં સપડાઈ ગયા હતા. ત્યારબાદ ભારે આગ લાગી હતી. આ સમગ્ર ઘટનાના સાક્ષી લેસેટા કોલિન્સે જણાવ્યું કે, જ્યારે અકસ્માત થયો ત્યારે તે કારમાં પેટ્રોલ ભરાવી રહી હતી. તેણે કહ્યું કે તેને વિમાનને આકાશમાંથી પડતું જોયું હતું.
ક્લિયરવોટર પોલીસ ડિપાર્ટમેન્ટ અને ક્લિયર વોટર ફાયર એન્ડ રેસ્ક્યુ ડિપાર્ટમેન્ટ અને અન્ય ઈમરજન્સી કર્મચારીઓ અકસ્માતની થોડી જ વારમાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેઓને વિમાનની અંદર પાઈલટ મૃત જોવા મળ્યો અને શંકા છે કે પ્રથમ ટ્રેલરનો એક પ્રવાસી પણ આગમાં મૃત્યુ પામ્યો. એહલર્સે જણાવ્યું હતું કે મૃતદેહો અને વિમાનને ભારે નુકસાનના કારણે પીડિતોની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે. આગને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી. મોબાઈલ હોમ પાર્કમાં રહેતા લોકોમાં અન્ય કોઈ ઈજા કે મૃત્યુ નોંધાયા નથી.
વિમાનમાં કેટલા મુસાફરો હતા તે જાણી શકાયું નથી
પોલીસ વડા એરિક ગેન્ડીએ જણાવ્યું હતું કે ક્રેશનું કારણ હજુ જાણી શકાયું નથી. તે પણ સ્પષ્ટ નથી કે વિમાનમાં પાયલટ સિવાય કેટલા મુસાફરો સવાર હતા. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) અકસ્માતના તથ્યો અને સંજોગો નક્કી કરવા માટે સંયુક્ત તપાસ હાથ ધરશે.


