ચૂંટણીનું વર્ષ હોય ૨૦૨૬-૨૦૨૭ના બજેટ માટે મનપાએ તૈયારી તો શરૂ કરી છે પણ ચાલુ વર્ષના બજેટના અડધો અડધ પ્રોજેક્ટ કાગળ પર રહીં ગયા તેનુ શું?
RMCના બજેટમાંથી ફૂલ ગુલાબી ચિત્ર ઉતરી ગયુ!
ચાલુ નાણાકીય વર્ષનું 3૧૦૦ કરોડનું બજેટ ૧૪૦૦ કરોડ આસપાસ હાંફી જાય તેવી હાલત : મનપા અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ કપરાકાળમાં પસાર થઇ રહી છે
અમૃત-૨ યોજના સહિતના વિકાસ કામ ચાલુ કરવા કરોડોની લોન લેવી પડે તેવી હાલત, ઓક્સીજન પર રહેલી તિજોરીમાં થોડા ઘણા પ્રાણ પુરવા મરણમુડી સમાન અબજોની જમીન વેંચવા કાઢવી પડી
અગ્ર ગુજરાત, રાજકોટ
હથેળીમાં ચાંદ દેખાડવામાં રાજકોટ મહાનગરપાલિકાને કોઇ ન પહોંચે શહેરને મેટ્રો સિટી બનાવવા માટે વાતો તો બહુ જ થાય છે. પણ પરિકલ્પના કાગળ પરથી જમીન પર આવે તેવુ બહુ ઓછુ બને છે. આવુ જ વર્ષોથી ચાલ્યુ આવે છે. વાર્ષિક બજેટમાં કરોડો-અબજો રૂપિયાની જોગવાઇ થાય છે, અનેક મેગા પ્રોજેક્ટ બજેટમાં ચિતરવામા આવે છે પરંતુ નાણાકીય વર્ષના અંતમાં સંખ્યાબંધ પ્રોજેક્ટના શ્રીગણેશ પણ થતા નથી. પછી બને છે એવુ કે, કાં તો આ પ્રોજેક્ટ અભેરાઇએ ચડાવી દેવામા આવે છે. કાં તો કેરી ફોરવર્ડ કરીને આવનાર બજેટમાં મુકીને વધુ એકવખત લોલીપોપ આપવામા આવે છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં મુકવામા આવેલા કેટલા પ્રોજેક્ટ કાગળ પરથી બહાર નીકળીને અમલીકરણ તરફ આવ્યા અને કેટલા પ્રોજેક્ટ હજુ કાગળ પર જ છે તેનુ વિસ્તૃત પોસ્પમોર્ટમ અહીં કરવામા આવ્યુ છે.
આટલી નવી જગ્યાએ પાર્કિગ પ્લોટ બનાવવાનું વર્ષોથી કાગળ પર
- પારડી રોડ કોમ્યુનિટી હોલની બાજુમાં.
- જાગનાથ મંદિર આગળના ઓપન પ્લોટમાં.
- સ્ટર્લિંગ હોસ્પિટલની બાજુમાં.
- વોર્ડ નં.૧૮માં પુરુષાર્થ સોસાયટીના ઓપન પ્લોટમાં.
- ૮૦ ફૂટ રોડ પર નહેરુનગરના ઓપન પ્લોટમાં.
- કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ચોકથી કોર્પરેશન ચોક સુધી રોડની બન્ને બાજુ.
- લાખાજીરાજ રોડ.
- પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ(રૈયા રોડ)ની બન્ને બાજુમાં.
- પંચાયતનગર ચોકના ઓપન પ્લોટમાં.
- પેડક રોડ પર અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમની સામે.
આજી રિવર ફ્રન્ટ, રાંદરડા ડેવલપમેન્ટની લોલીપોપ આ વર્ષે પણ ઓગળી ગઇ
રાજકોટની મધ્યેથી નીકળતી આજી નદીને અમદાવાદની સાબરમતી રિવર ફ્રન્ટ જેવા જ રંગરૂપ આપવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મનપાએ બનાવ્યો છે. છેલ્લા એક દસકાથી આ યોજના કાગળ પર છે. જો કે પ્રાથમિક કહી શકાય તેવી કામગીરી એક દસકા પછી માંડ શરૂ થઇ છે. બન્ને બાજુ દિવાલ કરવા ડિમાર્કેશનનું કામ થયુ છે. બીજીબાજુ રાંદરડા તળાવ ડેવલપમેન્ટની મધલાળ ફરી એકવાર બજેટમાં મુકવામા આવી છે. જો કે મનપાની ચૂંટણીનું વર્ષ હોય તાજેતરમાં જ તેનુ ટેન્ડર બહાર પાડવામા આવ્યુ છે. જો કે આજી રિવર ફ્રન્ટની જેમ રાંદરડા તળાવ ડેવલપમેન્ટ માત્ર ટેન્ડર બહાર પાડીને અભેરાઇએ ચડાવી દેવામા આવે તો નવાઇ નહીં.
ગ્રીનલેન્ડ-ગોંડલ રોડ ચોકડીએ આકર્ષક પ્રવેશદ્વાર આ વર્ષે પણ ન બન્યો
શહેરના પ્રવેશદ્વાર ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ રોડ ચોકડી, કાલાવડ રોડ, માધાપર ચોકડીને આકર્ષક બનાવવાની યોજના પૈકી આગામી વર્ષમાં ગ્રીનલેન્ડ ચોકડી અને ગોંડલ રોડ ચોકડીએ ભવ્ય પ્રવેશદ્વાર બનાવવાનું નક્કી કરાયુ છે. આ કામ માટે બજેટમાં રૂ.૧3.૫૦ લાખની જોગવાઇ રાખવામા આવી છે.
૨૪X૭ પાણી વિતરણની શરણાઇના સુર ફરી બોદા નીકળ્યા
પાઇલોટ પ્રોજેક્ટ ચંદ્રેશનગરમાં હજુ પુરા મીટર પણ નથી મુકાયા
રાજકોટમાં મીટર આધારિત ચોવીસ કલાક પાણી વિતરણના પાઇલોટ પ્રોજેક્ટ માટે મનપાએ મવડીના ચંદ્રેશનગર ઝોનને પસંદ કર્યો છે. સૌપ્રથમ વિસ્તારવાઇઝ બલ્ક ફ્લોમીટર મુકાયા. એ પછી હવે ઘરે ઘરે મીટર મુકવાનું કામ શરૂ કરાયુ છે. છેલ્લા એક દસકાથી આ વાત થઇ રહી છે. હજુ ભેસ ભાગોળે અને છાશ છાગોળે જેવી સ્થિતિ વચ્ચે ફરી ચોવીસ કલાક પાણી આપવાની લોલીપોપ અપાઇ હતી. ૨૪ કલાક પાણી વિતરણ માટે હાલનું પાઇપલાઇન નેટવર્ક કામ લાગે તેમ નથી. તેના માટે ડી.આઇ. પાઇપલાઇન નાંખવી પડે તેમ છે. આ કામની સાથોસાથ જે તે વિસ્તારમાં મુખ્ય બલ્ક મીટર નખાઇ ગયા છે. સૌપ્રથમ જ્યા મીટર આધારિત ૨૪ કલાક પાણી વિતરણ શરૂ થવાનું છે તેવા વિસ્તારોમાં વોર્ડ નં.૮માં જય પાર્ક, પુર્ણિમા સોસાયટી, પર્ણકુટિર, શ્રી સોસાયટી, વોર્ડ નં.૧૧માં નહેરૂનગર, ઉદયનગર-૧, સરદારનગર, મારૂતિનંદન, વોર્ડ નં.૧3માં રામેશ્વર, જમુના, દિવ્યાપાર્ક, ગલાબવાડી સહિતના વિસ્તારોમાં રહેતા લોકોને લાભ મળવાનો છે. જો કે ચોવીસ કલાક પાણી મળવાનું હાલ તો ઝાંઝવાના જળ જેવુ જ છે.
હજુ ૧ લાખથી વધુ લોકો ટેન્ડરયુગમાં જીવે છે અને ‘નલ સે જલ’ની યોજના’ની ગુલબાંગ ઝિંકવામા આવી હતી!
ચૂંટણીના દિવસોમાં કે પછી તક મળે ત્યાંરે જનતાને ઠાલા વચનો આપીને મુર્ખ બનાવવાની એક પણ તક મુકતા નથી. ખાસ કરીને પ્રજાની પ્રાથમિક જરૂરિયાત પૈકી પાણીને લઇને તો વચનોની લ્હાણી કરવામા કંઇ બાકી રખાતુ નથી. બજેટમાં આવી જ ‘હરકત’ કરવામા આવી હતી. હજુ ૧ લાખ લોકો ટેન્ડરથી પાણી મેળવે છે ત્યાં ‘નલ સે જલ’ યોજના હેઠળ એકપણ ઘર બાકી ન હોય કે જ્યા નળથી પાણી ન મળે એવી લોલીપોપ ત્રણ વર્ષ પહેલાના બજેટમાં પણ અપાઇ હતી. લક્ષ્યાંક બેશક આવકારદાયક છે. પણ અહીં સવાલ એ છે કે, હાલના સંજોગોમાં ૧ લાખથી વધુ લોકો ટેન્ડરથી પાણી મેળવે છે. શહેરના સીમાડા જ્યાં વિસ્તરી રહ્યા છે ત્યાં મહાપાલિકાના તંત્રવાહકો અને શાસકો જનતાને પ્રાથમિક સુવિધા આપવામા આજે આટલા વર્ષો પછી પણ નપાણિયા સાબિત થઇ રહ્યા છે.
રેસકોર્સની ફનસ્ટ્રીટ તો ફરી ચાલુ થઇ, પણ ત્રણેય ઝોનમાં ‘હેપી સ્ટ્રીટ’ ક્યારે બનશે?
હાલ રેસકોર્સમાં બાલભવનથી આર્ટ ગેલેરી અને બગીચા સુધી દર રવિવારે ફન સ્ટ્રીટ થાય છે. લાંબો સમય સુધી બંધ રહ્યા બાદ આગામી રવિવારથી ફરી ચાલુ થવાની છે તો બીજીબાજુ આવી જ રીતે શહેરના ત્રણેય ઝોનમાં હેપી સ્ટ્રીટ બનાવવાની વાત હતી. તેના માટે પસંદ કરાયેલી જગ્યામાં (૧)આજી ડેમ ચોકડીથી અમુલ સર્કલ સુધી બન્ને તરફ, (૨)ટાગોર માર્ગ અને યાજ્ઞિક રોડને જોડતા ડો.દસ્તુર માર્ગ પર એ.વી.પી.ટી. તથા ધર્મેન્દ્ર કોલેજની એક સાઇડ, (3)વેસ્ટ ઝોનમાં બી.આર.ટી.એસ. પરના સાયકલ ટ્રેક પર. જો કે ભુલકાઓ માટેની આ યોજના પણ છેલ્લા ઘણા સમયથી કાગળ પર જ છે.


