- ઝાલાવાડમાં શિયાળાની વિદાય, ઉનાળાના બારણે ટકોરા
- માવઠાની આગાહીના પગલે માંડલમાં ર્કેટયાર્ડમાં હરાજી સહિતની કામગીરી બંધ રખાઈ
- દિવસે અને સાંજે પણ વાતાવરણમાં ગરમી અનુભવાય છે
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી ઠંડી ઓછી વર્તાય છે. દિવસે અને સાંજે પણ વાતાવરણમાં ગરમી અનુભવાય છે. જોકે, વહેલી સવારે હજુ થોડો ઠંડીનો ચમકારો રહે છે. ગુરૂવારે વહેલી સવારે વાતાવરણ ધુમ્મસભર્યુ થઈ જતા વાહનચાલકોને લાઈટ ચાલુ કરવાનો વારો આવ્યો હતો. સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લા ગ્રામ્યમાં જાણે શિયાળો વિદાય લઈ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. છેલ્લા થોડા દિવસોથી બપોરના સમયે ઉનાળા જેવો તડકો પડે છે. અને લોકોને પોતાના ઘરો અને ઓફીસોમાં એસી અને પંખા ચાલુ કરવાની ફરજ પડી છે. છેલ્લા પાંચ દિવસના તાપમાન પર નજર કરીએ તો તા. 28મીના રોજ જિલ્લામાં લઘુત્તમ તાપમાન 14.2 ડીગ્રી નોંધાયુ હતુ. જેની સામે તા. 1લી ફેબ્રુઆરીને ગુરૂવારે જિલ્લામાં લઘુત્તમ તાપમાન 18.5 ડીગ્રી નોંધાયુ છે. આમ, પાંચ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 4.3 ડીગ્રી ઉપર ગયો છે. જયારે મહત્તમ તાપમાન પણ 30 ડીગ્રીની આસપાસ રહ્યા કર્યુ છે. દિવસે અને સાંજે ઠંડીની ઓછી અસર દેખાય છે. જોકે, હજુ પણ વહેલી સવારે હજુ પણ ઠંડીનો ચમકારો રહે છે. ગુરૂવારે વહેલી સવારે વાતાવરણ ધુમ્મસભર્યુ થઈ ગયુ હતુ. અને વાહનચાલકોને સવારના સમયે પોતાના વાહનોની લાઈટો ચાલુ કરવાની ફરજ પડી હતી. ધુમ્મસભર્યા વાતાવરણને લીધે ખેડૂતોના જીરાના પાકને નુકશાની થવાની શકયતા સેવાઈ રહી છે. માંડલ શહેર સહિત ગ્રામ્યમાં ગુરુવારે સવારે આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યાં હતાં. હવામાનમાં પલટો આવતાં કપાસ, જીરા સહિતના પાકમાં નુકસાન થશેની ભીતિથી ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ ગુરુવારે માંડલ માર્કેટયાર્ડમાં પણ ખેડૂતોને જણસી લઈને ના આવવા જાહેરાત કરાઈ હતી.


