“જળ આજનો વ્યય, કાલની તરસ” નાટકએ આપ્યો જાગૃતિનો સંદેશ
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન અને રાજકોટ મહાનગરપાલિકા સ્થાપિત તથા સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત અને ગુજકોસ્ટ પુરસ્કૃત ઓ. વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર – રેસકોર્સ, રાજકોટની વીમેન્સ સાયન્સ કલબની બહેનો દ્વારા વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી બાલભવન ખાતે ભવ્ય રીતે કરવામા આવી હતી. આ પ્રસંગે પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રની વુમન સાયન્સ ક્લબ સાથે જોડાયેલી તાલીમ પામેલી 17 બહેનો દ્વારા “જળ આજનો વ્યય, કાલની તરસ” વિષય આધારિત સુંદર અને પ્રેરણાદાયક નાટક રજૂ કરવામાં આવ્યું હતું.
આ નાટકનો મુખ્ય ઉદ્દેશ્ય “જળ એ જીવન છે” તથા પાણીનો દુરુપયોગ ન કરવા અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો હતો. નાટકમાં વર્તમાન સમયમાં લોકો *રોજિંદા જીવનમાં થતી નાની નાની બાબતોમાં કેવી રીતે પાણીનો બગાડ કરે છે* તે વિવિધ દૃશ્યો દ્વારા અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યું હતું. સાથે જ જો *પાણીનો આ જ રીતે દુરુપયોગ ચાલુ રહેશે તો ભવિષ્યમાં સર્જાનાર ભયાનક પરિસ્થિતિઓને પણ જીવંત દૃશ્યો દ્વારા દર્શાવવામાં આવી હતી.
નાટકની ખાસિયત એ રહી કે તેમાં 11 વર્ષથી 66 વર્ષ સુધીની વયના કુલ 17 બહેનોએ ભાગ લીધો હતો, જેમાંથી 14 બહેનો માટે આ પ્રથમ રંગમંચનો અનુભવ હતો. તેમ છતાં તમામ બહેનોએ અત્યંત આત્મવિશ્વાસ અને કુશળતાથી પોતાની ભૂમિકાઓ નિભાવતાં પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ નાટકનું લેખન, દિગ્દર્શન અને બહેનોની તાલીમનું આયોજન ડૉ.મનિષભાઈ સંઘાણી અને કાઉન્સેલર શ્રદ્ધાબેન સંઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું. નાટકમાં પાત્ર ભજવનાર બહેનોમાં હીરબેન, હેતલબેન, કલાબેન, કિરણબેન, ભાવનાબેન, નીલાબેન, જાગૃતિબેન, કાજલબેન, નમ્રતાબેન, પ્રતિભાબેન, અર્ચનાબેન, ઉમિતાબેન, ક્રિષ્નાબેન, ખ્યાતીબેન, જીગીશાબેન, દેવાંશીબેન અને યશાબેનનો સમાવેશ થાય છે. જ્યારે મ્યુઝિક માટે સોનલબેન અને ઋત્વીબેન દ્વારા સુંદર સહયોગ આપવામાં આવ્યો હતો.


