લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની પુત્રીની રાજકીય એન્ટ્રી
લાઠીના ચાવંડ તાલુકા પંચાયતની બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના રાજકારણને ફરી મોટા સમાચાર સામે આવ્યા છે. લાઠીના ચાવંડ તાલુકા પંચાયતની બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની દીકરી સોનલબેન ડેરની એન્ટ્રી થતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સોનલબેન મોનીલભાઈ ડેર દ્વારા ચાવંડ તાલુકા પંચાયત બેઠક પરથી ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સોનલબેન ડેર અમરેલી જિલ્લા ભાજપના અગ્રણી જીતુભાઈ ડેરના પુત્રવધૂ છે.
જીતુભાઈ ડેરનો પરિવાર રાજકીય રીતે સક્રિય છે. ગત ટર્મમાં તેમના પત્ની પણ જિલ્લા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાયા હતાં. સોનલબેન જ્યારે ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે તેમની સાથે ધારાસભ્ય જનકભાઈ તળાવિયા સાંસદ ભરતભાઈ સુતરીયા સહિત જિલ્લા ભાજપના અનેક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. માયાભાઈ આહીરની પુત્રીની રાજકારણમાં એન્ટ્રીને લઈને સ્થાનિક સ્તરે ભારે ચર્ચાઓ ચાલી રહી છે.


