શનિવારે બ્રાઇટનમાં નિરાશાજનક ડ્રો સાથે આર્સેનલે પ્રિમિયર લીગના લીડર લીવરપુલ પર મહત્વપુર્ણ લીડ મેળવવાની તક ગુમાવી દીધી હતી જ્યારે માન્ચેસ્ટર સિટીએ વેસ્ટ હેમને 4-1થી પરાજીત કર્યું હતું. ફોર્મમાં ચાલી રહેલાં ન્યુકેસલે સંઘર્ષરત ટોટેનહેમને વધુ એક દર્દનાક પરાજય આપ્યો હતો તથા બીજી તરફ ચેલ્સીની વર્તમાન મુશ્કેલીઓ ક્રિસ્ટલ પેલેસમાં 1-1થી ડ્રો સાથે ચાલું રહી હતી. પાછલી બે સિઝનમાં પ્રિમિયર લીગ ઉપવિજેતા રહેલી આર્સેનલને સતત ચોથા લીગ વિજયની આસા હતી. સત્તર વર્ષના એથન નવાનેરીએ ફર્સ્ટ હાફમાં ગોલ કરીને ટીમને મહત્વપૂર્ણ ત્રણ પોઇન્ટ અપાવ્યા હતાં. જો કે વિલિયમ સલીબાના આકસ્મિક હેડબટથી પડી ગયા બાદ વિપક્ષી કેપ્ટન પેડ્રોએ 61મી મિનિટે ગોલ કર્યો હતો.
1-1ની બરાબરીનો અર્થ છે કે બીજા સ્થાન પર મોજુદ ગનર્સ લિવરપૂલ કરતાં પાંચ પોઇન્ટથી પાછળ છે અને તેણે બે મેચ વધારે રમી છે. બીજી તરફ વેસ્ટ હોમ વિરુદ્ધ ઘરેલું મેદાન પર માન્ચેસ્ટર સિટીના વિજયનો મતલબ છે કે તેમણે ગત ઓક્ટોબર બાદ પહેલીવાર સતત મેચ વિજય મેળવ્યો છે તથા પેપ ગાર્ડિયોલાને આશા છે કે તેઓ તમામ સ્પર્ધાઓમાં 13 મેચોમાં એક વિજયના ભયાનક દોર બાદ ફરી પાટા પર પરત આવશે. વ્લાદિમીર ફોકલના ખુદના ગોલથી ગત વિજેતાએ શરૂઆતની લીડ હાંસલ કરી હતી તથા એરલિંગ હેલેંડના બે ગોલે સિટીને સંપૂર્ણતયા નિયંત્રણમાં લાવી દીધું હતું. તે પછી ફિલ ફોડેલે સ્કોરને 4-0 કરી દીધો હતો. આ પરિણામ છતાં સિટી હજું છઠ્ઠા સ્થાન પર છે.


