લા લીગા ફૂટબોલ ચેમ્પિયનશિપની મહત્ત્વપૂર્ણ મેચમાં રિયલ મેડ્રિડે જૂડ બેલિંગહામ અને કિલિયન મબાપેના ગોલ વડે ગટાફેને 2-0થી પરાજય આપ્યો હતો. આ સાથે રિયલ મેડ્રિડ લીગમાં ટોચના ક્રમે રહેલી બાર્સેલોનાની ટીમની નજીક પહોંચી ગઈ છે. મેડ્રિડ માટે બંને ગોલ પ્રથમ હાફમાં નોંધાયા હતા.
બેલિંગહામે 30મી મિનિટે મળેલી પેનલ્ટીને ગોલમાં ફેરવીને ટીમને 1-0થી આગળ કરી દીધી હતી. ત્યારબાદ મબાપેએ 38મી મિનિટે ગોલ કરીને ટીમનો સ્કોર 2-0નો કર્યો હતો જે મેચના અંત સુધી જળવાઈ રહ્યો હતો. રિયલ મેડ્રિડ લા લીગામાં હવે 14 મેચમાં 33 પોઇન્ટ સાથે બીજા ક્રમે પહોંચી ગઈ છે. તે પોતાની પરંપરાગત હરીફ બાર્સેલોના કરતાં માત્ર એક પોઇન્ટ પાછળ છે. ગટાફેની ટીમ 15 મેચમાં 13 પોઇન્ટ સાથે લીગમાં 17મા ક્રમાંકે છે.


