જેમી વાર્ડી, બિલાલ અલ ખાનોયુસ અને પેટસન ડાકાના ગોલ વડે લેસ્ટર સિટીએ ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલની મેચમાં વેસ્ટ હામ યૂનાઇટેડને 3-1થી પરાજય આપ્યો હતો. નવા કોચ કમ મેનેજર રુડ વાન નિસ્ટરરોયના માર્ગદર્શન હેઠળ રમી રહેલા લેસ્ટરની ટીમ માટે વાર્ડીએ મેચની 99મી સેકન્ડે ગોલ કરીને ટીમને 1-0થી આગળ કરી દીધું હતું.
વેસ્ટ હામની ટીમે આ ગોલ માટે વીએઆર સિસ્ટમનો સહારો લીધો હતો અને રેફરીએ ગોલને ઓફ સાઇડ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. વાર્ડીએ સિઝનમાં પોતાનો પાંચમો ગોલ નોંધાવ્યો હતો. બિલાલે 61મી મિનિટે ગોલ કરીને ટીમનો સ્કોર 2-0નો કર્યો હતો. ત્યારબાદ પેટસને મેચની અંતિમ 90મી મિનિટે ગોલ કરીને સ્કોર લાઇન 3-0ની કરી હતી. નિકોલસ ફુલીક્રૂગે મેચ બાદ એક્સ્ટ્રા ટાઇમની ત્રીજી એટલે કે કુલ 93મી મિનિટે ગોલ કરીને પરાજયનો અંતર ઓછું કરવાનો પ્રયાસ કર્યો હતો. લેસ્ટર 15માં ક્રમાંકે છે અને તે રેલિગેશન તબક્કાથી ચાર પોઇન્ટ આગળ છે. લીગમાં વેસ્ટ હામ 14મા ક્રમાંકે છે. લીવરપુલ 13 મેચમાં 34 પોઇન્ટ સાથે ટોચના ક્રમે છે. લેસ્ટરે 14 મેચમાં ત્રણ વિજય સાથે 13 તથા વેસ્ટ હામે 14 મેચમાં ચાર વિજય સાથે 15 પોઇન્ટ મેળવ્યા છે. અન્ય મેચમાં ક્રિસ્ટલ પેલેસે ઇપ્સવિચ ટાઉન સામે 1-0થી વિજય મેળવ્યો હતો. આ મેચમાં જીન ફિલિપ માતેતાએ 59મી મિનિટે ગોલ કર્યો હતો.


