એફએ કપમાં માન્ચેસ્ટર સિટીએ શનિવારે સેલપોર્ડ સિટીને 8-0થી કચડી નાખ્યુ હતું. માન્ચેસ્ટર યુનાઇટેડના પૂર્વ સ્ટાર ખેલાડી અને સેલફોર્ડના માલિકનું આ હારની સાથે એફએ કપની જીતનું સ્વપ્ન રોળાઇ ગયું હતું. એક અન્ય મેચમાં લિવરપૂલે ચોથા રાઉન્ડમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું.
તેણે એક્રિંગ્ટન સ્ટેન્લીને 4-0થી હરાવીને આગેકૂચ કરી હતી. તો એક અન્ય મેચમાં ચેલ્સિયાએ મોરકેમ્બેને 5-0થી પરાજય આપીને આગેકૂચ કરી હતી. બ્રેન્ટફોર્ડ પ્રીમિયર લીગની એકમાત્ર ટીમ બની છે જેને લોવર લેગ હરીફ ટીમે સ્પર્ધા બહાર ફેંકી દીધી હતી. ચેમ્પિયનશિપમાં હાલ સૌથી નીચા સ્તરે રહેલી પ્લાયમાઉથની ટીમે બ્રેન્ટફોર્ડને 1-0થી પરાજય આપ્યો હતો.પેપ ગાર્ડિઓલોએ પોતાની સ્ટાર્ટિંગ લાઇનઅપમાં નોંધપાત્ર ફેરફાર કર્યા હતા અને હાલેન્ડને આરામ આપ્યો હતો. મેચની આઠમી મિનિટમાં માન્ચેસ્ટરના જેક ગ્રેલિશે ટીમ માટે પહેલો ગોલ કર્યો હતો જે બાદ ડિવિન મુબામા અને નિકો રીલીએ ગોલ કરીને માન્ચેસ્ટરની લીડને હાફ ટાઇમ પહેલા જ વધારીને 3-0 કરી દીધી હતી. ગ્રેલિશે લગભગ એક વર્ષ બાદ માન્ચેસ્ટર સિટી માટે પેનલ્ટી સ્પોટ પર ગોલ કર્યો હતો. ડોકુએ પણ પેનલ્ટી સ્પોટ પરથી એક ગોલ ફટકાર્યો હતો. જેમ્સ મેકેટી જે આ પહેલા સિટી માટે માત્ર એક જ ગોલ કરી શક્યો હતો તેણે મેચના બીજા હાફમાં ગોલની હેટ્રિક લગાવી હતી જે કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.


