સર્વકાલિન મહાન ફૂટબોલર્સમાં સામે આર્જેન્ટિનાના લાયોનલ મેસ્સી તથા પોર્ટુગલના સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફૂટબોલની વિશ્વ સંચાલક સંસ્થા ફિફાના પ્લેયર્સ એસોસિયેશન દ્વારા જાહેર કરવામાં આવેલી વર્ષની મેન્સ વર્લ્ડ ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી. 37 વર્ષીય મેસ્સી અમેરિકાની એમએલએસમાં ઇન્ટર માયામી માટે રમે છે.
બીજી તરફ 39 વર્ષીય રોનાલ્ડો સાઉદી પ્રો-લીગમાં અલ-નાસર ક્લબ માટે રમે છે. અંતિમ ઈલેવનના વોટિંગ માટે પસંદ કરવામાં આવેલા 26 ખેલાડીઓમાં માત્ર મેસ્સી અને રોનાલ્ડો જ એવા બે ખેલાડીઓ હતા જેઓ કોઇ યુરોપિયન ક્લબ સાથે જોડાયેલા નથી. 2006 બાદ મેસ્સીની પસંદગી ના થઇ હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે. આર્જેન્ટિના માટે ફિફા વર્લ્ડ કપ જીતી ચૂકેલા મેસ્સીના નામે 17 વખત ટીમમાં સ્થાન મળવાનો રેકોર્ડ છે. રોનાલ્ડોની 15 વખત પસંદગી કરવામાં આવી હતી પરંતુ તે છેલ્લે 2021માં આ વિશેષ ઇલેવનમાં પસંદ થયો હતો.
ફિફપ્રો વર્લ્ડ ઇલેવનમાં રિયલ મેડ્રિડ અને માન્ચેસ્ટ સિટીના ખેલાડીઓનો દબદબો રહ્યો છે. ટીમમાં રિયલના છ અને સિટીના ચાર પ્લેયરની પસંદગી થઇ છે. રિયલ મેડ્રિડના જુડ બેલિંગહામ, ડાની કાર્વાજલ, વિનિસિયસ જુનિયર, ટોની ક્રૂસ, કિલિયન મબાપે તથા એન્ટોનિયો રુડીગેરનો સમાવેશ થાય છે. વોટિંગમાં બેલિંગહામનો દબદબો રહ્યો હતો અને તેણે 11176 વોટ હાંસલ કર્યા હતા. લિવરપૂલના વર્જિલ વાન ડિજકેએ પણ ટીમમાં સ્થાન હાંસલ કર્યું હતું.
વિમેન્સ કેટેગરીમાં ઇંગ્લેન્ડની ખેલાડીઓનો દબદબો રહ્યો છે. તેની પાંચ ખેલાડી લ્યૂસી બ્રોન્ઝ, મેરી ઇર્પ્સ, એલેક્સ ગ્રીનવૂડ, લૌરેન જેમ્સ તથા કાઇરા વોલ્શનો સમાવેશ થાય છે. લ્યૂસી બ્રોન્ઝ સાતમી વખત વિમેન્સ વર્લ્ડ ટીમમાં સામેલ થઇ છે અને તેણે આ મામલે વેન્ડી રેનાર્ડના રેકોર્ડની બરોબરી કરી છે. વિમેન્સ વર્લ્ડ-11માં બાર્બરા બાન્ડાએ સ્થાન મેળવીને પ્રથમ આફરીકન પ્લેયર બનવાની સિદ્ધિ મેળવી છે.
મેન્સ વર્લ્ડ-11 : ગોલકીપર : ઇડેરસન (માન્ચેસ્ટર સિટી, બ્રાઝિલ). ડિફેન્ડર્સ : ડાની કાર્વાજલ (રિયલ મેડ્રિડ, સ્પેન), વર્જિલ વાન ડિજકે (લિવરપૂલ, નેધરલેન્ડ્સ), એન્ટોનિયો રુડીગર (રિયલ મેડ્રિડ, જર્મની). મિડફિલ્ડર : જુડ બેલિંગહામ (રિયલ મેડ્રિડ, ઇંગ્લેન્ડ), કેવિન ડી બ્રુએન (માન્ચેસ્ટર સિટી, બેલ્જિયમ), ટોની ક્રૂસ (રિયલ મેડ્રિડ, જર્મની), રોડ્રી (માન્ચેસ્ટર સિટી, સ્પેન). ફોરવર્ડ : હાલેન્ડ (માન્ચેસ્ટર સિટી, નોર્વે), કિલિયન મબાપે (પેરિસ સેન્ટ જર્મેન/રિયલ મેડ્રિડ, ફ્રાન્સ), વિનિયસ જુનિયર (રિયલ મેડ્રિડ, બ્રાઝિલ).
વિમેન્સ વર્લ્ડ-11 : ગોલકીપર : મેરી ઇર્પ્સ (માન્ચેસ્ટર યૂનાઇટેડ/પેરિસ સેન્ટ જર્મેન, ઇંગ્લેન્ડ). ડિફેન્ડર : લ્યૂસી બ્રોન્ઝ (બાર્સેલોના/ચેલ્સી, ઇંગ્લેન્ડ), ઓલ્ગા કાર્મોના (રિયલ મેડ્રિડ, સ્પેન), એલેક્સ ગ્રીન વૂડ (માન્ચેસ્ટર સિટી, ઇંગ્લેન્ડ). મિડફિલ્ડર : એતાના બોનમાતી (બાર્સેલોના, સ્પેન), એલેક્સિયા પુતેલાસ (બાર્સેલોના, સ્પેન), કાઇરા વોલ્શ (બાર્સેલોના, ઇંગ્લેન્ડ). ફોરવર્ડ : બાર્બરા બાન્ડા (શાંઘાઇ શેંગલી/ઓર્લેન્ડો પ્રાઇડ, ઝામ્બિયા), લિન્ડા કોઇકેડો (રિયલ મેડ્રિડ, કોલંબિયા), લૌરન જેમ્સ (ચેલ્સી, ઇંગ્લેન્ડ), માર્ટા (ઓર્લેન્ડો પ્રાઇડ, બ્રાઝિલ).


