ન્યૂકેસલ યુનાઇટેડે લીગ કપ ફાઇનલમાં રમવા માટે મોટો કૂદકો લગાવ્યો છે. મંગળવારે રમાયેલી સેમિફાઇનલ્સના પહેલા લેગમાં ન્યૂકેસલ યુનાઇટેડે આર્સેનલને 2-0થી હરાવીને બહાર કર્યુ હતું. એલેકઝાન્ડર ઇસાક અને એન્થની ગોર્ડને ટીમ વતી ગોલ ફટકારીને ન્યૂકેસલ યુનાઇટેડને જીત અપાવી હતી.
આ પરાજય સાથે જ આર્સેનલે પાંચ ફેબ્રુઆરીએ રમાનાર રિટર્ન લેગમાં મોટા પડકારનો સામનો કરવો પડશે. આ સેમિફાઇનલ મેચના વિજેતાએ ટોટનહામ હોટસ્પર અથવા લિવર પૂલનો ટાઇટલ પર કબજા માટે સામનો કરવો પડશે. હાલ ઇંગ્લેન્ડની ટીમના સૌથી પ્રોલિફિક સ્ટ્રાઇકર એવા ઇસાકે ન્યૂકેસલ માટે મેચમાં પહેલો ગોલ ફટકાર્યો હતો અને તેણે બીજો ગોલ કરવામાં મદદ કરી હતી. જ્યારે આર્સેનલની વાત કરીએ તો ટીમમાં કાઈ વાવેર્ત્ઝ, માર્ટિન ઓડેગાર્ડ અને ગેબ્રિયલ માર્ટિનેલ્લી પરત ફરવા છતાં તેઓનું પ્રદર્શન સારું રહ્યું નહોતું અને તેણે પરાજયનો સામનો કરવાની નોબત આવી હતી. બંને ટીમોના મેનેજર્સ માઇકલ આર્ટેટા અને એ.ડી. હોવેએ પોતાની મજબૂત ટીમો મેદાનમાં ઉતારીને સ્પર્ધા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાનું પ્રદર્શન કર્યુ હતું. આર્સેનલને ગોલ કરવાની તકો મળી હોવા છતાં તે આ તકોને ગોલમાં પરિવર્તિત કરવામાં સફળ રહ્યું નહોતું. માર્ટિનેલ્લી એક વાર તો ગોલ કરવાની એકદમ નજીક પહોંચી ગયો હતો પરંતુ તે ગોલ થઈ શક્યો નહોતો. તેની થોડી મિનિટો બાદ જ ઇસાકે ન્યૂકેસલ માટે ગોલ કર્યો હતો


