વર્લ્ડ ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા ફિફા બુધવારે પોતાની વિશેષ બેઠકમાં 2034માં યોજાનારા વર્લ્ડ કપની યજમાની તરીકે સાઉદી અરબે કરેલી દાવેદારીને મંજૂર રાખશે. આ ઉપરાંત 2030માં રમાનારા વર્લ્ડ કપનું આયોજન ત્રણ મહાદ્વીપ અને છ દેશમાં કરવાના નિર્ણયને પણ લીલી ઝંડી આપવામાં આવશે.
આ વર્લ્ડ કપની યજમાની ત્રણ દેશ સ્પેન, પોર્ટુગલ તથા મોરક્કોને સોંપવામાં આવી છે પરંતુ તેની ત્રણ મેચ સાઉથ અમેરિકન દેશમાં રમાશે. ઉરુગ્વેએ 1930માં પ્રથમ વર્લ્ડ કપની યજમાની કરી હતી. તે 2030માં યોજાનારા વર્લ્ડ કપની પ્રથમ મેચની યજમાની કરશે. આ પહેલાં ઉદ્ઘાટન સમારંભ પણ ઉરુગ્વેમાં કરવામાં આવશે. આર્જેન્ટિના અને પેરાગ્વે પણ 2030ના વર્લ્ડ કપની એક-એક મેચની યજમાની કરશે.
ફિફા બુધવારે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે એક વિશેષ બેઠકનું આયોજન કરી રહ્યું છે જેમાં 211 સભ્ય ઓનલાઇન ભાગ લેશે. ફિફાના મુખ્ય મથકે બંધબારણે થનારી આ બેઠકનું તેની વેબસાઇટ ઉપર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. 2030 અને 2034ના વર્લ્ડ કપના યજમાન દેશનો નિર્ણય વોટિંગના બદલે સંયુક્ત નિર્ણય દ્વારા લેવામાં આવશે. ફિફાએ 2026માં રમાનારા વર્લ્ડ કપની યજમાની માટે 2018માં મોસ્કો ખાતે થયેલા વોટિંગમાં પ્રત્યેક સભ્યની પસંદગીનો ખુલાસો કર્યો હતો. ત્યારે અમેરિકા, કેનેડા અને મેક્સિકોએ સંયુક્ત યજમાની હાંસલ કરી હતી.


