- દિવાળીના તહેવારમાં દરેક ઘરમાં બને છે મોહનથાળ
- બેસનની આ વાનગી તહેવારમાં કરાવશે મજા
- ઘરે બનાવો ટેસ્ટી અને હેલ્ધી મોહનથાળ
દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે અનેક ઘરોમાં દિવાળીની મિઠાઈ અને નાસ્તાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જો તમે બહારથી મિઠાઈ લાવવાનું વિચારી રહ્યા હોવ તો રોકાઈ જાવ. તમે થોડા જ સમયમાં ચોક્કસ માપની સાથે પરફેક્ટ મોહનથાળ ઘરે જ બનાવી શકો છો. તમે આ દિવાળીએ તેને ટ્રાય કરો અને તમને પરફેક્ટ ટેસ્ટ મળશે. આ સાથે મહેમાનો પણ તમારા મોહનથાળના વખાણ કરશે. તો જાણો કેવી રીતે બનાવશો તેને ઘરે.
મોહનથાળ
સામગ્રી
-200 ગ્રામ ચણાનો લોટ
-200 ગ્રામ ઘી
-4 ટેબલસ્પૂન દૂધ
-200 ગ્રામ ખાંડ
-200 ગ્રામ માવો
-20 નંગ કાજૂ સમારેલા
-30 નંગ પિસ્તા સમારેલા
-6 થી 8 નંગ ઈલાયચીનો પાવડર
રીત
બજારમાં બે પ્રકારના ચણાના લોટ મળે છે. એક ઝીણો ચણાનો લોટ અને એક કકરો ચણાનો લોટ. જે મોહનથાળ બનાવવામાં વપરાય. તમારે જે લોટ વાપરવો હોય તે વાપરી શકો છો. હવે તૈયારી કરો મોહનથાળ બનાવવાની, સૌ પહેલા એક મોટા વાસણમાં ચણાના લોટને ચાળી લો. ત્યાર બાદ તેમાં બે ચમચી ઘી ઉમેરીને હાથથી જ સારી રીતે મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં દૂધ ઉમેરીને ફરીથી સારી રીતે મિક્સ કરીને લોટ જેવું બાંધી લો. હવે આ લોટને ઢાંકીને અડધો કલાક માટે મૂકી દો. થોડીવાર રાખી મૂકવાથી ચણાનો લોટ ફૂલી જશે. હવે એક અન્ય વાસણમાં ખાંડ લો. ખાંડ કરતા અડધી માત્રાનું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરીને એક તારી ચાસણી બનાવી લો. થોડી બદામની કતરણ અને પિસ્તાની કતરણ ગાર્નિશીંગ માટે કાઢી લઈને બાકીના ડ્રાયફ્રુટ્સ આ ચાસણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે એક ઉંડી અને જાડા તળિયાવાળી કડાઈ લો. તેમાં ઘી ગરમ કરો. કણક જેવા ચણાના લોટને ગરમ ઘીમાં ઉમેરીને સાંતળો. ચણાનો લોટ લાઈટ બ્રાઉન રંગનો થાય અને તેમાંથી સરસ સુગંધ આવે ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં માવો ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ફરીથી માવો શેકાય ત્યાં સુધી સાંતળો. હવે આ મિશ્રણમાં ચાસણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ફરીથી છથી સાત મિનિટ માટે સાંતળો. આ દરમિયાન એક થાળીમાં ઘી લગાવીને તેને ગ્રીસ કરીને સાઈડ પર મૂકો. ચાસણી અને ચણાનો લોટ એકરસ થઈ જાય અને તાવેથાને ચોંટે નહીં એટલે સમજવું કે, મોહનથાળ તૈયાર છે. આ મોહનથાળને ગ્રીસ કરેલી થાળીમાં કાઢીને પાથરી દો. ઉપર બદામ અને પિસ્તાની કતરણ પાથરીને તેને ત્રણથી ચાર કલાક માટે ઠરવા દો. ત્યાર બાદ તેને યોગ્ય આકારમાં કટ કરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ માવા મોહનથાળ. આ મોહનથાળને એર ટાઈટ ડબ્બામાં ભરીને ફ્રિઝમાં 15 થી 20 દિવસ સુધી રાખી શકાય છે.