જિતાત્મન: પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિત : ।
શીતોષ્ણસુખેદુ:ખેષુ તથા માનાપમાનયો: ॥ 6/7 ॥
અર્થ : જેણે પોતાનું મન જીત્યુ છે તેને પરમાત્મા પ્રાપ્ત થયા જ છે, કારણ કે તે પરમ શાંતિ પામ્યો છે. આવા મનુષ્ય ટાઢ-તડકામાં, સુખ-દુ:ખમાં તેમજ માન અપમાનમાં એકસરખા અને સ્થિર રહે છે.
આ શ્લોકમાં ખૂબ જ સુંદર વાત કહેવાઈ છે. જે મનુષ્ય પોતાના મનને જીતી લે છે તે મનુષ્યને પરમાત્મા એટલે કે પરમ તત્ત્વની પ્રાપ્તિ થઈ જાય છે, કેમ કે મનને જીતવાને કારણે તે ખૂબ જ શાંત બનેલો હોય છે. જ્યાં શાંતિ છે ત્યાં જ પરમાત્માને પધારવાનું મન થાય છે. તમે જ્યારે પણ અશાંત હશો ત્યારે તમે કાંઈ ચોક્કસ રીતે વિચારી શકશો પણ નહીં. આમ કરું તો સારું થાય કે પછી તેમ કરું? ક્યાં જાઉં? કોની સલાહ લઉં? અશાંત મનવાળી વ્યક્તિ આવા પ્રશ્નોથી ઘેરાઈ જાય છે. આ પ્રશ્નોનો તે જવાબ શોધી શકતી નથી. એટલે સારા અને ઉત્તમ નિર્ણયો માટે ચિત્તની શાંતિ અને એકાગ્રતા ખૂબ જ જરૂરી છે. જો તમે તમારા મન ઉપર કાબૂ કરતા થઈ જાઓ તો પછી તમને એક અદ્ભુત શાંતિનો અનુભવ થશે. આ શાંતિ પ્રભુને તમારી પાસે લઈ આવશે અથવા તો શાંત થયેલું તમારું મન પ્રભુભક્તિમાં એવું રત થશે કે ભગવાનને તમારી પાસે આવવાનું મન જરૂર થશે. આ શ્લોકમાં બીજી મહત્ત્વની એવી પણ વાત કરી છે કે જેનું મન શાંત હોય છે તે મનુષ્યને સંસારની મોહમાયા, સુખ-દુ:ખ કે ટાઢ-તડકાની કોઇ અસર થતી જ નથી. તે તો કોઇ અલગ પ્રકારના આનંદમાં સરી પડે છે અને આવા ભક્તોનાં બધાં કામ સારી રીતે ભગવાને પૂર્ણ કર્યાં હોય તેવા દાખલા પણ ઇતિહાસમાં મળે જ છે.
જ્ઞાનવિજ્ઞાનતૃપ્તાત્મા કૂટ્સ્યો વિજિતેન્દ્રીય: II
યુક્ત ઇત્યુચ્યતે યોગી સમ્લોષ્ટાશ્મકાન્ચન: II 6/8II
અર્થ : જે મેળવેલા જ્ઞાન અને અનુભવથી તૃપ્ત થયો છે, જે આત્મનિષ્ઠ અને જિતેન્દ્રીય છે અને જેના માટે પથ્થર અને સોનું બંને સરખાં છે તે યુક્ત યોગી કહેવાય છે અને તે આત્મજ્ઞાનમાં સ્થિર છે.
અહીં ભગવાને મુખ્ય વાત આત્મજ્ઞાનની કરી છે. તમને સંસારમાં જુદા જુદા પ્રકારનું જ્ઞાન અને અનુભવ પ્રાપ્ત થતાં જ રહે છે. જે વ્યક્તિએ પોતાની ઇન્દ્રીયોને અંકુશિત કરી છે તેને આ અનુભવ અને જ્ઞાન દ્વારા એક પ્રકારની તૃપ્તિ થઇ જાય છે. એની સામે સોનું આવે કે પથ્થર આવે એ બંને એને સમાન લાગે છે. તૃપ્તિ અર્થાત્ જેને આત્મજ્ઞાન દ્વારા સંતોષ પ્રાપ્ત થઇ જાય છે તેને કોઈ દુ:ખનો પણ અનુભવ ક્યારેય થતો નથી. સંસારમાં અનેક પ્રકારનાં પ્રલોભનો તો ડગલે અને પગલે સામે આવતાં જ રહે છે, પણ જે આત્મજ્ઞાનથી સ્થિર થઇ ગયેલો હોય છે તેના મનને આવાં પ્રલોભનો જરાય અસર કરી શકતાં નથી. તેનું મન સાંસારિક માયાથી સહેજ પણ વિચલિત થતું નથી. દુન્યવી જ્ઞાનથી તમારું કલ્યાણ થતું નથી અને ભગવાનની કૃપા હોય તો જ તમે દુન્યવી જ્ઞાનથી પર રહી શકો છો. તમે માત્ર પોથીજ્ઞાનના આધારે આગળ વધવા જશો તો તેમાં સફળતા મળશે નહીં, પોથીનું વાંચન જરૂરી છે પણ અમલીકરણ પહેલાં ખૂબ ચિંતન અને મંથન પછી જ નિર્ણય લેવો. યુક્ત યોગી એટલે એવો યોગી જેને પોતાના આત્માનો સાક્ષાત્કાર થઇ ગયેલો હોય છે.