- નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગ્રાઉન્ડમાં કુલ 11માંથી પાંચ પીચ રેડ સોઈલમાંથી બનાવાઈ
- જેના પર 4 મિમી જેટલું ઘાસ ઊગે તેને સારી પીચ ગણવામાં આવે છે
- પીચ ક્યૂરેટરની પણ BCCIના નિયમ અને પેરામીટર પ્રમાણે નિયુક્તિ કરવામાં આવે
મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે પીચને લઈને થયેલા વિવાદ બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચ કઈ પીચ પર રમાશે તેને લઈને ચર્ચાઓએ જોર પકડયું છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કુલ 11 પીચ આવેલી છે જે પૈકી પીચ નંબર 1થી લઈને 5 સુધીની પીચ શોર્ટ ફોર્મેટ ક્રિકેટ માટે યૂઝ કરાય છે. જ્યારે લાલ માટીમાંથી બનેલી 6થી 11નંબરની પીચ ટેસ્ટ અને વન ડે મેચિસ માટે યૂઝ કરવામાં આવે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ પણ લાલ માટીની પીચ પર જ રમાશે ત્યારે પીચ બનાવવા માટે વાપરવામાં આવતી લાલ માટી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પાથરી ગામમાંથી લાવવામાં આવે છે. ગુજરાતના મોટાભાગના રેડ સોઇલ પીચ પર ગણદેવીની માટીનો ઉપયોગ થાય છે. આ અંગે પાથરી ગામના અશોકભાઈ જેમના ખેતરમાંથી લાલ માટી ક્રિકેટની પીચ બનાવવા માટે કાઢવામાં આવે છે તેમને સંદેશ સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘ગુજરાતમાં માત્ર ગણદેવી તાલુકામાં જ આ પ્રકારની લાલ માટી મળી આવે છે. માઇનિંગના કારણે આ માટી પણ આવનારા ત્રણ વર્ષમાં પૂરી થઈ જશે ત્યારે ક્રિકેટની રેડ સોઇલ પીચ બનાવવું ખૂબ અઘરૂં બની જશે.’ અશોકભાઈએ નિયમોને લીધે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચમાં તેમના ખેતરની માટી યૂઝ થઈ છે તે વિશે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું પરંતુ આ પ્રકારની માટી માત્ર ગણદેવીમાં જ નીકળતી હોવાથી પાથરી ગામની માટીને રેડ સોઇલ પીચ બનાવવાનું એકમાત્ર વિકલ્પ હોવાનું જણાવ્યું હતું.
શા માટે લાલ માટીની પીચ બનાવવામાં આવે છે
રેડ સોઇલમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પ્રમાણ વધારે હોય છે. જે કાળી કે લાલ માટીનું બનેલું હોય છે. જેના કારણે તે સરળતાથી તૂટતી નથી અને બોલર્સને બાઉન્સ મળતો રહે છે. જ્યારે 135થી લઈને 150 સુધીની સ્પીડમાં બોલ પીચને હીટ કરે છે ત્યારે અમુક ઓવર પછી પીચના પડ ઉખડવાના શરૂ થઈ જાય છે પરંતુ રેડ સોઇલમાંથી બનેલી પીચ હાર્ડ હોવાથી તે એક દિવસમાં આરામથી 90 ઓવર સુધી ખંચી શકાય છે. રેડ સોઇલ તરીકે જાણીતા માટીના કણો એકબીજાથી ખૂબ નજીક હોવાથી પીચ ખૂબ મજબૂત બને છે. થોડા મહિના પહેલાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં પણ રેડ સોઇલ પીચનો ઉપયોગ કરાયો હતો.
ત્રણ લેયરમાં બને છે પીચઃ સૌથી ઉપર 17 ઈંચનું મધર સોઈલનું પડ
બીસીસીઆઈના નિયમ પ્રમાણે દરેક સ્ટેટ એસોશિયેશન પીચ બનાવતી હોય છે. જેમાં પીચ બનાવવાનું કામ પીચ ક્યૂરેટર દ્વારા કરવામાં આવે છે. આ પીચ ક્યૂરેટરની પણ BCCIના નિયમ અને પેરામીટર પ્રમાણે નિયુક્તિ કરવામાં આવે છે. બીસીસીઆઈના નિયમ પ્રમાણે પીચ ત્રણ લેયરમાં બનાવવામાં આવે છે. 22 યાર્ડની પીચ બનાવતા સમયે સૌપ્રથમ 4 ઈંચના પડમાં પથ્થર અને કાંકરા પાથરવામાં આવે છે. જેની ઉપર રેતાળ માટીનું ચાર ઈંચનું થર પાથરવામાં આવે છે. સૌથી ઉપર 17 ઈંચનું મધર સોઇલનું પડ પાથરવામાં આવે છે. જે કાળી કે લાલ માટીનું બનેલું હોય છે. જેના પર 4 મિમી જેટલું ઘાસ ઊગે તેને સારી પીચ ગણવામાં આવે છે.


