- 11 એપ્રિલે ત્રણેય દેશોના નેતાઓ કરશે ચર્ચા
- ચીનનું વધતું જોખમ સમિટનો મુખ્ય એજન્ડા
- ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ-સુરક્ષા માટે ચર્ચા
હાલના વિશ્વમાં ચીન, રશિયા અને ઉત્તર કોરિયાના વધતા જૂથવાદને જોતા અમેરિકા પણ પોતાના જૂથને મજબૂત કરવામાં વ્યસ્ત છે. હવે તેઓ ફિલિપાઈન્સ અને જાપાન સાથે પ્રથમ ત્રિપક્ષીય સમિટ યોજવા જઈ રહ્યા છે. ત્રણેય દેશોના નેતાઓ 11 એપ્રિલે ત્રિપક્ષીય સમિટ માટે મુલાકાત કરશે. સમિટનો મુખ્ય એજન્ડા ચીનના વધતા જોખમ પર કેન્દ્રિત કરવાનો રહેશે. તો સાથે સાથે, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાને આગળ વધારવા માટે સમાવિષ્ટ આર્થિક વિકાસ, ઉભરતી તકનીકો અને સહયોગ અંગે ચર્ચા કરવામાં આવશે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરિન જીન-પિયરે સોમવારે જણાવ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા અને ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયરની યજમાની કરશે. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સમિટ વ્હાઇટ હાઉસમાં યોજાશે કારણ કે ત્રણેય નેતાઓ ઇન્ડો-પેસિફિક અને તેનાથી આગળ ત્રિપક્ષીય સહયોગ વધારવા માંગે છે.
આ મુદ્દાઓ પર કરવામાં આવશે ચર્ચા
પ્રેસ સચિવે વધુમાં જણાવ્યું કે, ‘સમિટમાં, ત્રણેય નેતાઓ સમાવેશી આર્થિક વિકાસ અને ઉભરતી તકનીકોને પ્રોત્સાહન આપવા, સ્વચ્છ ઉર્જા પુરવઠાની શૃંખલાઓ અને આબોહવા સહયોગને આગળ વધારવા અને ઈન્ડો-પેસિફિક અને સમગ્ર વિશ્વમાં શાંતિ અને સુરક્ષાને આગળ વધારવા માટે ત્રિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરશે.’
આંતરરાષ્ટ્રીય કાયદો જાળવી રાખવા ભાર મુકાશે
પ્રેસ સચિવ જીન પિયરેનું કહેવું છે કે રાષ્ટ્રપતિ આંતરરાષ્ટ્રીય કાયદો જાળવી રાખવા અને સ્વતંત્ર અને મુક્ત ઈન્ડો-પેસિફિક વિસ્તારને પ્રોત્સાહન આપવા માટેની અમેરિકન રાષ્ટ્રપતિની પ્રતિબદ્ધતા પર ભાર મૂકશે.
ચીનની કરાશે આકરી ટીકા
અમેરિકા, જાપાન અને ફિલિપાઈન્સે વિસ્તારમાં ચીનની વધતી આક્રમકતાની ટીકા કરી છે. ખાસ કરીને દક્ષિણ ચીન સાગરને લઈને કારણ કે ચીન તે વિસ્તાર પર પોતાનો દાવો કરે છે. બેઇજિંગ અને ફિલિપાઈન્સ વચ્ચે તણાવમાં સતત વધારો થઈ રહ્યો છે.


