ઉતરાયણ નિમિતે ગૌદાન કરી ગૌમાતાના આશીર્વાદ પ્રાપ્ત કરીએ, ડો.કથીરીયા
દાન એ માનવ જીવનની મહાન પરંપરા છે
અગ્ર ગુજરાત, રાજકોટ
મકરસંક્રાંતિના પાવન અવસરે રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ, ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ના સ્થાપક તથા ગૌવ્રતી ડૉ. વલ્લભભાઈ કથીરિયા એ જણાવ્યું છે કે દાન એ માનવજીવનની મહાન પરંપરા છે. સમયદાન, શ્રમદાન, બુદ્ધિદાન, ધનદાન તેમજ ગૌદાન જેવી અનેક પ્રકારની સેવાઓ દ્વારા માનવજીવન સાર્થક બની શકે છે. મકરસંક્રાંતિ એ ગૌદાન માટે શ્રેષ્ઠ પર્વ છે. આ દિવસે કરેલું દાન માત્ર આધ્યાત્મિક પુણ્ય જ નથી આપતું, પરંતુ સમાજ, પ્રકૃતિ અને રાષ્ટ્રના કલ્યાણમાં યોગદાન આપે છે. તેમણે વધુમાં જણાવ્યું કે આજના સમયમાં ગૌશાળા અને પાંજરાપોળોના ખર્ચ દિવસે દિવસે વધી રહ્યા છે. આવી સ્થિતિમાં સમાજે ગૌસેવાના મહાયજ્ઞમાં સક્રિય ભાગીદાર બનવું અનિવાર્ય છે. દરેક નાગરિકે પોતાની શક્તિ અનુસાર એક ગાય દત્તક લેવી, ગૌશાળાને ઘાસચારો, દવાઓ, સારવાર, બાંધકામ અથવા જરૂરી સાધનસામગ્રી પૂરી પાડવાનો સંકલ્પ કરવાનો અવસર છે.
ડૉ. કથીરિયા એ ખાસ ભાર મૂક્યો કે આવનારો સમય ગૌ આધારિત અર્થવ્યવસ્થા, ગૌ આધારિત સમાજ વ્યવસ્થા અને ગૌ આધારિત પર્યાવરણ સમતુલાનો છે. ગૌમૂત્ર અને ગોબરના વૈજ્ઞાનિક ઉપયોગથી ગૌશાળાઓને સ્વાવલંબી બનાવવી શક્ય છે. ગૌમૂત્ર અર્ક મશીન, બાયોફર્ટીલાઇઝર, બાયોપેસ્ટિસાઇડ, ગૌનાઇલ, પંચગવ્ય દવાઓ, કોસ્મેટિક્સ અને અન્ય ઘર ઉપયોગી વસ્તુઓના ઉત્પાદન દ્વારા ગૌશાળા માત્ર આત્મનિર્ભર બનશે નહીં પરંતુ મહિલાઓ અને યુવાનોને રોજગારી પણ મળશે. તેમણે ગૌશાળા અને પાંજરાપોળોના સંચાલકોને અપીલ કરી કે દાન પર આધારિત વ્યવસ્થા ઉપરાંત કાયમી આવકના સ્ત્રોત ઊભા કરવા માટે ગૌ આધારિત ઉદ્યોગો, સ્ટાર્ટઅપ અને સરકારી યોજનાઓનો લાભ લે. ગૌમૂત્ર અને ગોબરના વેડફાઈ જતા સંસાધનોનો સદુપયોગ થવાથી પર્યાવરણની રક્ષા, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન અને જમીન તથા માનવ આરોગ્યમાં સુધાર થશે. દાતાઓ પણ ગૌ શાળા સ્વાવલંબન માટે સાધન – સામગ્રીનું દાન કરે.
ડૉ. વલ્લભભાઈ કથીરિયા એ મકરસંક્રાંતિના પાવન દિવસે સૌને સંકલ્પ લેવડાવ્યો કે તન, મન અને ધનથી ગૌસેવા, ગૌરક્ષા અને ગૌ આધારિત સમાજ વ્યવસ્થાના નિર્માણમાં નિમિત્ત બનીએ.


