- IAS બિરાદરીના ઈગોને કારણે પાઈલટ મુદ્દે ગુજરાતમાં આંધ્રપ્રદેશ જેવી સ્થિતિની દહેશત
- સરકારી હેલિકોપ્ટર બંધ પડતા રાજ્યપાલ પાલિતાણામાં ભરાયા અને મુખ્યમંત્રી કચ્છમાં ફસાઈ પડયા
- રૂ. 200 કરોડના ચાર્ટર સહિત ત્રણ સરકારી ક્રાફ્ટ છતાંય ગુજસેલે લાખો ચૂકવી ‘પવનહંસ’ બોલાવ્યું
સળંગ છઠ્ઠી સાતમી વખત ગુજરાત સરકારની માલિકીના ડૌફિન હેલિકોપ્ટર મુખ્યમંત્રી અને રાજ્યપાલ માટે ઉપલબ્ધ ન થતા ગુજરાત સ્ટેટ એવિયેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ- ગુજસેલ, નાગરીક ઉડ્ડયન પ્રભાગમાં ચાલી રહેલી આંતરીક હુંસતુંસીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. મંગળવાર અને બુધવાર એમ બંને દિવસોમાં ભાવનગરમાં રાજ્યપાલના, કચ્છમાં મુખ્યમંત્રીના પૂર્વ નિર્ધારિત અનેક કાર્યક્રમોનો શિડયુલ, પ્રોટોકોલ અને સલામતી વ્યવસ્થા ખોરવાતા તેના પડઘા સાંજે 4-30 કલાકે મળેલી કેબિનેટની બેઠકમાં પડતા IAS લોબીમાં બબાલ મચી છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મંગળવારે બપોરે પાલિતણા પહોંચ્યા બાદ અચાનક જ હેલિકોપ્ટર બંધ પડયુ અને તેમને મોટરમાર્ગે ભાવનગર જવુ પડયુ હતુ. એટલુ જ નહિ, એ જ હેલિકોપ્ટર રાજ્યપાલને મુકીને સાંજે ભૂજ એરપોર્ટ પહોંચી મુખ્યમંત્રીને રણોત્સવમાં ધોરડો ખાતે લઈ જવાનું હતુ પરંતુ, આ એરક્રાફ્ટ ખોરવાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ, સેક્રેટરીઓ પણ ભરાઈ પડયા હતા. વાત આટલેથી અટકતી નથી ગુજસેલ કંપનીએ આવી મોટી ગરબડને ઢાંકવા તાબડતોબ લાખો રૂપિયાની ફી ચૂકવીને ‘પવનહંસ’ મંગાવ્યુ પણ ખરાબ હવામાનને કારણે આ બંને મહાનુભાવો માટે તેનો ઉપયોગ થઈ શક્યો નહોતો. આથી,
આ નિષ્કાળજી મુદ્દે બુધવારે સાંજે મળેલી કેબિનેટની બેઠકમાં ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપૂતે ગુજસેલમાં ચાલતા વહિવટની પસ્તાળ પાડી હતી. જો કે, મુખ્યમંત્રીએ ચીફસેક્રેટરી રાજકુમાર દિલ્હી હોવાથી અને ઉડ્ડયન સચિવ હરિત શુક્લા કચ્છ હોવાથી લાંબી ચર્ચા ન કરતા આ બંને સચિવોને બે દિવસમાં અહેવાલ સાથે હાજર રહેવા સુચવ્યુ હતુ. કરોડોના કૌભાંડોના કેસમાં અજય ચૌહાણને સસ્પેન્ડ કર્યા બાદ સરકારે ગુજસેલનો ચાર્જ IAS નીતન સાંગવાને સોંપ્યો હતો. મત્સોદ્યોગ કમિશનર સાંગવાને રૂ.200 કરોડનુ નવુ વિમાન, જૂના ચાર્ટર અને હેલિકોપ્ટર એમ ત્રણેય માટે પાયલોટ, મેન્ટેનન્સ અને ક્વોલિટી ચેકિંગની કામગીરી આઉટસોર્સિંગથી મેળવવાનું શરૂ કરતા ઓગસ્ટ મહિનાથી ગુજસેલ વિવાદે ચઢયુ છે. મુખ્યમંત્રી, રાજ્યપાલને સરકારી હેલિકોપ્ટર મળી રહ્યુ નથી ! અલબત્ત હવે ગુજસેલનો ચાર્જ જેડાના MD અજય પ્રકાશને સોંપાયો છે. પરંતુ, છેલ્લા 30 દિવસથી જો હેલિકોપ્ટર હોય તો પાયલોટ હોય, બંને હોય તો મેન્ટેનન્સ, ચકાસણી કે ક્વોલિટી ચેકિંગ, એક્ઝામિનેશનને અભાવે હેલિકોપ્ટર બંધ પડયાનું બહાર આવ્યુ છે. IAS બિરાદરીના ઈગોને કારણે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન- DGCAની સુચનાઓની ઉપરવટ જઈને આઉટસોર્સિંગ શરૂ કર્યાનો આક્ષેપ સાથે અનેક પાયલોટ્સે ગુજસેલ છોડયુ છે. જેમણે ગુજરાતમાં પણ આંધ્રપ્રદેશની જેવી ઘટના સર્જાવા દહેશત વ્યક્ત કરી છે.
આંધ્રપ્રદેશમાં CM હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ કોઈ તૈયાર નથી !
વર્ષ 2009માં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.આર.ને લઈ ઉડ્ડયન ભરનાર સરકારી હેલિકોપ્ટરની દુર્ઘટના બાદ DGCAએ દેશની તમામ સરકારોનો પાયલોટ, મેન્ટેનન્સ બાદની ક્વોલિટી ચેકિંગ તેમજ એક્ઝામિનેશનની સર્વિસનું આઉટસોર્સિંગ ન કરવા આદેશ કર્યો હતો. આથી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, જમ્મુ કાશ્મિર, હરિયાણા, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોએ આ પ્રકારની ઉચ્ચ તકનીકી બાબતે પોતાનુ માળખુ વિકસિત કર્યુ છે. ગુજસેલમાં પણ મેન્ટેનન્સના ક્વોલિટી ચેકિંગની વ્યવસ્થા પોતાની હતી પરંતુ, સપ્ટેમ્બર- 2021માં સરકાર બદલાયા પછી તેનુ આઉટસોર્સિંગ લેવામાં આવી રહ્યુ છે. આથી, પાયલોટ જોખમ લેવા તૈયાર નથી !


