– નિફટી સ્પોટ ૯૦ પોઈન્ટ ઘટીને ૧૮૯૮૯ : સ્મોલ, આઈટી, બેંકિંગ, ઓટો શેરોમાં વેચવાલી ઃ FIIની કેશમાં રૂ.૧૮૧૭ કરોડની વેચવાલી
મુંબઈ: જીઓપોલિટીકલ ટેન્શન વધવા સાથે યુ.એસ. ફેડરલ રિઝર્વની મીટિંગના નિષ્કર્ષ પૂર્વે વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે ભારતીય શેર બજારોમાં પણ ફંડોએ સતત નફારૂપી વેચવાલી કરી હતી. ફુગાવો વધવા સાથે યુ.એસ. ફેડરલ દ્વારા વ્યાજ દર વધારા મામલે નેગેટીવ સંકેત મળવાની ધારણાએ ફંડો નવી મોટી ખરીદીથી દૂર રહ્યા હતા. ઈઝરાયેલ-હમાસ યુદ્વ વકરી રહ્યું હોઈ વૈશ્વિક ક્રુડ ઓઈલનો પુરવઠો ખોરવાઈ જવાની ભીતિ વચ્ચે ક્રુડના ભાવ ઘટતાં અટકી ફરી વધી આવી બ્રેન્ટના ૧.૩૬ ડોલર વધીને ૮૬.૩૮ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૧.૩૪ ડોલર વધીને ૮૨.૩૬ ડોલર રહ્યા હતા. ફંડોનું બેંકિંગ-ફાઈનાન્સ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી, ઓટો, મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં સેન્સેક્સ ૨૮૩.૬૦ પોઈન્ટ ઘટીને ૬૩૫૯૧.૩૩ અને નિફટી સ્પોટ ૯૦.૪૫ પોઈન્ટ ઘટીને ૧૮૯૮૯.૧૫ રહ્યા હતા. ફંડોની પસંદગીના રિયાલ્ટી, ઓઈલ-ગેસ શેરોમાં ખરીદી રહી હતી.
મેટલ ઈન્ડેક્સ ૩૨૨ ગબડયો ઃ જિન્દાલ રૂ.૪૯, એપીએલ રૂ.૩૭, કોલ રૂ.૭, જેએસડબલ્યુ રૂ.૧૧ ઘટયા
ચાઈના સતત નવા સંકટમાં ઘેરાતું રહી હવે ચાઈનામાં કોપર ટ્રેડર આમેરના શાંઘાઈ એકમોને ઘણા કર્મચારીઓએ છોડતાં અને મેટલ ક્ષેત્રે સંકટના પરિણામે સાવચેતી અને વૈશ્વિક મંદીના ફફડાટ વચ્ચે ફંડોની મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલી વધતી જોવાઈ હતી. જિન્દાલ સ્ટીલ રૂ.૪૯.૩૫ તૂટીને રૂ.૫૮૪.૮૦, એપીએલ અપોલો રૂ.૩૭.૪૫ તૂટીને રૂ.૧૫૨૭.૨૦, કોલ ઈન્ડિયા રૂ.૭.૩૫ ઘટીને રૂ.૩૦૭.૦૫, ટાટા સ્ટીલ રૂ.૨.૩૫ ઘટીને રૂ.૧૧૬.૪૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૧.૩૫ ઘટીને રૂ.૭૨૪.૭૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૨૨.૨૩ પોઈન્ટ ઘટીને ૨૧૯૧૬.૪૧ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં વેચવાલી ઃ ડાટામેટિક્સ, ઈન્ફોબિન્સ, ઈન્ટેલેક્ટ, ક્વિક હિલ ટેક, ટાટા એલેક્સી ઘટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી ક્ષેત્રે પડકારરૂપ સમયના પરિણામે પરિણામો નબળા પડવાના અંદાજો વચ્ચે શેરોમાં પણ ફંડોની સતત વેચવાલી રહી હતી. ડાટામેટિક્સ ગ્લોબલ રૂ.૧૯.૩૦ તૂટીને રૂ.૬૫૭, ઈન્ફોબિન્સ ટેક રૂ.૧૧.૪૫ તૂટીને રૂ.૪૦૬.૫૫, ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૧૮.૨૫ ઘટીને રૂ.૬૬૦.૮૦, જેનેસિસ ઈન્ટ રૂ.૬.૫૦ ઘટીને રૂ.૩૦૭.૯૫, ક્વિક હિલ ટેક રૂ.૬.૬૦ ઘટીને રૂ.૩૧૭.૨૦, ટાટા એલેક્સી રૂ.૧૪૮.૧૦ ઘટીને રૂ.૭૪૭૭.૯૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૭.૦૫ ઘટીને રૂ.૧૨૫૯.૮૦, ઈન્ફોસીસ રૂ.૧૬.૬૫ ઘટીને રૂ.૧૩૫૨ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૩૩.૯૪ પોઈન્ટ ઘટીને ૩૦૮૨૬.૫૧ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં ઓફલોડિંગ ઃ મારૂતી રૂ.૧૭૪, ટીવીએસ મોટર રૂ.૨૭ તૂટયા ઃ ટયુબ ઈન્વેસ્ટ., ઉનો મિન્ડા ઘટયા
ઓટોમોબાઈલ કંપનીઓમાં તહેવારોની સીઝનમાં અપેક્ષિત વાહનોના વેચાણને પ્રતિસાદ નહીં મળ્યાના અહેવાલો વચ્ચે સાવચેતીમાં ફંડો શેરોમાં વેચવાલ રહ્યા હતા. ટીવીએસ મોટર રૂ.૨૭.૦૫ તૂટીને રૂ.૧૫૬૩.૭૦, મારૂતી સુઝુકી રૂ.૧૭૪.૪૦ તૂટીને રૂ.૧૦,૨૧૬.૭૦, અશોક લેલેન્ડ રૂ.૨.૭૫ ઘટીને રૂ.૧૬૪.૯૦, ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૩૪.૦૫ ઘટીને રૂ.૩૧૧૪.૪૫, ઉનો મિન્ડા રૂ.૩.૬૦ ઘટીને રૂ.૫૭૯.૬૫, આઈશર મોટર્સ રૂ.૧૩.૩૫ ઘટીને રૂ.૩૨૮૨.૬૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૯૯.૫૨ પોઈન્ટ ઘટીને ૩૫૯૭૨.૪૮ બંધ રહ્યો હતો.
પ્રોપર્ટી વેચાણને સારા પ્રતિસાદે રિયાલ્ટી શેરો ફિનિક્સ મિલ્સ, ઓબેરોય રિયાલ્ટી, શોભા, ડીએલએફ વધ્યા
દેશમાં મુંબઈ સહિતના સાત મહાનગરોમાં પ્રોપર્ટી વેચાણને સારો પ્રતિસાદ મળી રહ્યાના અહેવાલો વચ્ચે આજે ફંડોની રિયાલ્ટી કંપનીઓના શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. ફિનિક્સ મિલ્સ રૂ.૬૯.૫૫ વધીને રૂ.૧૮૮૫.૩૫, ઓબેરોય રિયાલ્ટી રૂ.૩૩.૮૫ વધીને રૂ.૧૧૬૯.૪૦, શોભા ડેવલપર્સ રૂ.૧૫.૯૫ વધીને રૂ.૭૨૮.૧૫, ડીએલએફ રૂ.૧૦.૯૦ વધીને રૂ.૫૭૪.૪૦, મેક્રોટેક ડેવલપર્સ રૂ.૧.૯૦ વધીને રૂ.૭૯૯.૮૫ રહ્યા હતા.
હેલ્થકેર શેરોમાં ફંડોની સિલેક્ટિવ ખરીદી ઃ દિશમેન કાર્બોજેન, સન ફાર્મા, અજન્તા, આરપીજીમાં આકર્ષણ
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે ઘટાડે પસંદગીની ખરીદી રહી હતી. ગ્લોબલ હેલ્થ રૂ.૧૫ વધીને રૂ.૭૯૯.૫૫, પિરામલ ફાર્મા રૂ.૨.૧૦ વધીને રૂ.૧૦૬.૫૦, આરપીજી લાઈફ રૂ.૩૨.૦૫ વધીને રૂ.૧૪૩૭.૨૦, દિશમેન કાર્બોજેન રૂ.૩.૭૦ વધીને રૂ.૧૪૫.૫૫, અજન્તા ફાર્મા રૂ.૬૬.૫૦ વધીને રૂ.૧૮૩૦, ઈન્દ્રપ્રસ્થ મેડી રૂ.૬.૩૫ વધીને રૂ.૧૭૨.૦૫, સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૯.૧૫ વધીને રૂ.૧૧૧૭.૮૫ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ શેરોમાં હળવા થતાં ફંડો ઃ શેફલર, સીજી પાવર, એસકેએફ, એબીબી, લક્ષ્મી મશીન ઘટયા
કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ તેજીનો વેપાર હળવો કર્યો હતો. શેફલર ઈન્ડ રૂ.૭૨.૦૫ ઘટીને રૂ.૨૭૪૪.૩૦, સીજી પાવર રૂ.૮.૫૫ ઘટીને રૂ.૩૮૧.૩૫, એસકેએફ ઈન્ડિયા રૂ.૮૪.૨૦ ઘટીને રૂ.૪૮૨૪, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૭.૬૦ ઘટીને રૂ.૪૯૭.૯૦, એબીબી ઈન્ડિયા રૂ.૬૦.૬૫ ઘટીને રૂ.૪૦૫૦, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૧૬૭.૨૦ ઘટીને રૂ.૧૩,૦૦૧, લાર્સન એન્ડ ટુબ્રોના રિઝલ્ટ એકંદર સારા આવ્યા છતાં શેર રૂ.૩૬.૮૦ ઘટીને રૂ.૨૮૯૨ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફરી ઓફલોડિંગ ઃ માર્કેટબ્રેડથ નેગેટીવ ઃ ૨૦૯૦ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડોએ સતત તેજીનો વેપાર હળવો કર્યા સાથે આજે ઉછાળે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફંડો, ખેલંદાઓએ તેજીનો વેપાર હળવો કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવમાંથી નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૮૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૫૭૫ અને ઘટનારની સંખ્યા ૧૭૯૮થી વધીને ૨૦૯૦ રહી હતી.
FPIs/FIIની રૂ.૧૮૧૭ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની શેરોમાં રૂ.૧૬૨૨ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશમાં વધુ રૂ.૧૮૧૬.૯૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૬૬૭૪.૨૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૪૯૧.૧૭ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૧૬૨૨.૦૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૭૬૧૭.૦૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૯૯૫.૦૪ કરોડની વેચવાલી થઈ હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૨૩ લાખ કરોડ ઘટીને રૂ.૩૧૦.૨૨ લાખ કરોડ
શેરોમાં આજે વ્યાપક વેચવાલી થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં જ રૂ.૧.૨૩ લાખ કરોડ ધોવાઈ જઈ રૂ.૩૧૦.૨૨ લાખ કરોડ રહી ગયું હતું.