– સપ્ટેમ્બરમાં ચીનમાંથી ફોરેન એક્સચેન્જ આઉટફ્લો ઝડપથી વધીને ૭૫ અબજ ડોલર થયો હતો, જે ૨૦૧૬ પછી સૌથી વધુ
– પશ્ચિમી દેશોના ‘ડી-રિસ્કિંગ’ ફેક્ટરની જોવા મળેલી અસર : કેપિટલ આઉટફ્લોનું દબાણ યથાવત રહેવાની શક્યતા
Updated: Nov 8th, 2023
અમદાવાદ : અમેરિકા-ચીન ટ્રેડ વોર અને અન્ય પશ્ચિમી દેશો દ્વારા રશિયા અને અન્ય દેશો પર લાદવામાં આવેલા પ્રતિબંધોની નકારાત્મક અસર ચીનના અર્થતંત્ર પર પડી રહી છે અને હવે આવી રહેલા આંકડાઓ પશ્ચિમના ‘ડી-રિસ્કિંગ’ ફેક્ટરની અસર દર્શાવી રહ્યાં છે. ચીનના વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ એટલેકે એફડીઆઈમાં ઈતિહાસમાં પ્રથમ વખત ત્રિમાસિક ખાધ નોંધાઈ છે.
ચીનના પેમેન્ટ ડેટા અનુસાર એફડીઆઈનું એક વ્યાપક અંદાજ આપતા ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ લાયબિલિટીઝ, જેમાં વિદેશી કંપનીઓની ચીનમાં જાળવી રાખેલી કમાણીનો સમાવેશ થાય છે તેમાં જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન ૧૧.૮ અબજ ડોલરની એટલેકે અંદાજે ૧૦૦૦ કરોડ રૂપિયાની ખાધ હતી.
વર્ષ ૧૯૯૮માં ચીનના વિદેશી ફોરેન એક્સચેન્જ રેગ્યુલેટર દ્વારા ડેટાનું સંકલન કરવાની શરૂઆત બાદની પ્રથમ ત્રિમાસિક ખાધ છે. અર્થશાસ્ત્રીઓ આ ખાધને ચીનમાંથી પશ્ચિમી દેશો દ્વારા થઈ રહેલ ‘ડી-રીસ્કિંગ’ની અસર તેમજ ચીનના વ્યાજ દરના ગેરલાભ સાથે સાંકળી રહ્યાં છે.
એફડીઆઈ આઉટફ્લોને કારણે ચાલુ ખાતા અને ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ બેલેન્સનો સમાવેશ કરતા ચીનનું બેઝિક બેલેન્સમાં પણ ૩.૨ અબજ ડોલરની ખાધ નોંધાઈ છે. આ આંકડો પણ ઈતિહાસની બીજી ત્રિમાસિક ખાધ દર્શાવે છે. ગોલ્ડમેન સાક્સના વધુ એક આંકડા અનુસાર સપ્ટેમ્બરમાં ચીનમાંથી વિદેશી હૂંડિયામણનો આઉટફ્લો ઝડપથી વધીને ૭૫ અબજ ડોલર થયો હતો, જે ૨૦૧૬ પછીનો સૌથી મોટો માસિક આંકડો છે.
ગોલ્ડમેન સાક્સે લખ્યું કે, ‘ચીનના ઇનવર્ડ એફડીઆઈમાં કેટલીક નબળાઈ મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા કમાણી પરત મોકલવાને કારણે હોઈ શકે છે. ચીનમાં વ્યાજદર ‘લાંબા સમય માટે નીચા’ અને ચીનની બહારના વ્યાજ દરો ‘લાંબા સમય માટે ઊંચા’ હોવાથી કેપિટલ આઉટફ્લોનું દબાણ યથાવત રહેવાની શક્યતા છે.’
ઓક્ટોબરમાં ચીનની આયાત ૩ ટકા વધી જો કે નિકાસ સતત છઠ્ઠા મહિને ઘટી
ઓક્ટોબરમાં ચીનની આયાત વધી હતી, પરંતુ સતત છઠ્ઠા મહિને નિકાસમાં ઘટાડો નોંધાયો હતો. આ દર્શાવે છે કે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પર સંકટ હજુ પણ યથાવત છે. કસ્ટમ્સના ડેટા અનુસાર એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીએ ઓક્ટોબરમાં ચીનની આયાત ત્રણ ટકા વધીને ૨૧૮.૩ બિલિયન ડોલર થઈ હતી.
જ્યારે નિકાસ ૬.૪ ટકા ઘટીને ૨૭૪.૮ બિલિયન ડોલર થઈ છે. આ સમયગાળા દરમિયાન ચીનનો વેપાર સરપ્લસ ઘટીને ૫૬.૫ બિલિયન ડોલર થયો હતો. જે સપ્ટેમ્બરના ૭૭.૭ અબજ ડોલરના આંકડા કરતાં ૩૦ ટકા ઓછું છે. આ સિવાય ટ્રેડ સરપ્લસનું આ ૧૭ મહિનામાં સૌથી નીચું સ્તર છે.