– ગોલ્ડ રિઝર્વ પણ ૪૯.૯ કરોડ વધીને ૪૫.૯૨ અબજ ડોલર
Updated: Nov 5th, 2023
મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર દેશનું વિદેશી મુદ્રા ભંડાર ૨૭ ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં ૨.૫૮ અબજ ડોલર વધીને ૫૮૬.૧૧ અબજ ડોલર થયું છે.
અગાઉ ૨૦ ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં દેશનું ફોરેક્સ રિઝર્વ ૨.૩૬ અબજ ડોલર ઘટીને ૫૮૩.૫૩ અબજ ડોલર થયું હતુ.
આ વર્ષે ૧૪ જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન એક્સચેન્જ રિઝર્વ ફરી એકવાર ૬૦૦ અબજ ડોલરને પાર કરી ગયું હતું. આરબીઆઈના સાપ્તાહિક રિપોર્ટ અનુસાર ૨૭ ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ ૨.૩૦ અબજ ડોલર વધીને ૫૧૪.૫૦ અબજ ડોલર થયા છે.
આ દરમિયાન દેશનું ગોલ્ડ રિઝર્વ ૪૯.૯ કરોડ વધીને ૪૫.૯૨ અબજ ડોલર થયું છે. સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ ૧.૫ કરોડ ઘટીને ૧૭.૯૧ અબજ ડોલર થયા છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસે ભારતનું કરન્સી રિઝર્વ ૨૭ ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ૨૦.૮ કરોડ ડોલર ઘટીને ૪.૭૭ અબજ ડોલર થયું છે.