સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ ગાબડું
મનપાના પૂર્વ વિપક્ષી નેતા સોરાણી દંપતિનું કોંગ્રેસમાંથી રાજીનામુ
ચૂંટણીમાં ટિકિટ નહીં મળતાં અને સમાજ સાથે અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે પક્ષ છોડયો
સ્થાનિક નેતાગીરી સામે નારાજગી વ્યકત કરી : વોર્ડના આગેવાનો સાથે પણ અણબનાવ હોવાનો ઉલ્લેખ
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ઉમેદવારો જાહેર કરાતા જ તમામ રાજકીયપક્ષના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા તરીકેની ભૂમિકા નિભાવનાર સોરાણી દંપતિને આ વખતે ટિકિટ નહી મળતાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે. સ્થાનિક નેતાગીરી સામે સવાલ ઉઠાવી સમાજ સાથે અન્યાય થતાં હોવાના આક્ષેપ સાથે પક્ષને રામ-રામ કર્યા હોવાનું પ્રવિણ સોરાણીએ જણાવ્યું હતું.
આ અંગે પ્રવિણ સોરાણીએ જણાવ્યું હતું કે મે અને મારા પત્ની પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી ૨૭ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છીએ. પાંચ ટર્મથી અમે ચૂંટણી લડતા આવ્યા છીએ. પરંતુ છેલ્લા એક વર્ષથી પક્ષની નેતાગીરી દ્વારા અમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યાં છે. તેમજ ખોટા આક્ષેપો પણ લગાવવામાં આવી રહ્યાં છે. અગાઉ મેં કરેલા નિવેદન બાબતે પક્ષની માફી પણ માંગી હતી. અમિતભાઇ ચાવડાએ મને ખાત્રી આપી હતી કે ટિકિટ મળશે અને તેઓએ મહેનત પણ ખૂબ કરી હતી. પરંતુ અંતિમ ઘડીએ મારી ટિકિટ કપાઇ ગઇ છે.
વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક નેતાગીરી સામે મારે નારાજગી છે અને મારા વોર્ડના કેટલાક આગેવાનો સાથે પણ મારે અણબનાવ બન્યો છે. હાલની પરિસ્થિતિમાં હું કોંગ્રેસ સાથે કામ કરી શકું તેવી છે નહીં. તેથી મેં અને મારા પત્નીએ બંનેએ પક્ષમાંથી રાજીનામુ આપી દીધું છે. પક્ષની નેતાગીરી સામે પણ પ્રવિણ સોરાણીએ સવાલો ઉઠાવ્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે મૂળ કારણ નારાજગીનું ટિકિટ કપાઇ છે તે પણ માની શકાય. અમારા સમાજની વસ્તી રાજકોટમાં ખૂબ મોટી છે. બીજા નંબરનું વોટીંગ અમારૂ છે. છતાં પણ પક્ષ દ્વારા અમને અને સમાજને બંનેને અન્યાય કરવામાં આવ્યો છે. વોર્ડ નં.૪, પ, ૬, ૧૫, ૧૬ અને ૧૮માં કોળી સમાજની સૌથી વધુ વસ્તી છે. આ વોર્ડમાં કોંગ્રેસને કોળી સમાજના વધુ મત મળે છે. તેની ઉપર પણ અસર પણ પડી શકે છે. સમાજને થતાં અન્યાય બાબતે કહ્યું હતું કે બે દિવસમાં સમાજ એકત્ર થશે અને આગળ શું કરીશું. તે અંગેની રણનીતિ ઘડવામાં આવશે. સમાજ દ્વારા જે નક્કી કરાશે તે મુજબની કામગીરી કરવામાં આવશે.
પ્રવિણ સોરાણીએ જણાવ્યું હતું કે જે સારા ઉમેદવારો હશે તેને મદદ કરવામાં આવશે. જો કે ભાજપે પણ સમાજ સાથે અન્યાય કર્યો છે. છતાં પણ જે પક્ષ સારા ઉમેદવારોને તક આપશે તેને અમે મદદ કરીશું. હાલ તો કયાંય જોડાવાના છીએ નહી. માત્ર સમાજને મદદરૂપ થઇ શકીએ તે ધ્યેય રાખેલો છે.
વોર્ડ નં.10માં કોંગ્રેસની ટિકિટ પર વિવાદ, કડવા પાટીદારોમાં ઉકળાટ, વોર્ડ પ્રમુખે રાજીનામું ધાર્યાની ચર્ચા
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ટિકિટ ફાળવણીને લઈને આંતરિક વિવાદ સામે આવ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 10માં ઉમેદવાર પસંદગીના નિર્ણયને કારણે કડવા પાટીદાર સમાજમાં અસંતોષનો માહોલ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ વોર્ડ પ્રમુખે રાજીનામું આપ્યાની ચર્ચાઓએ રાજકીય ગરમાવો વધારી દીધો છે.
માહિતી મુજબ, વોર્ડ નંબર 10માં કડવા પાટીદારોનું પ્રભુત્વ ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા વોર્ડ પ્રમુખ દીપક ગોઠીના પત્ની રેખાબેનને ટિકિટ આપવાનો વિચાર આગળ વધ્યો હતો. છેલ્લી ઘડી સુધી રેખાબેનનું નામ ચર્ચામાં રહ્યું અને સ્થાનિક સ્તરે તેમની ઉમેદવારીને લઈને તૈયારી પણ શરૂ થઈ ગઈ હતી. જોકે, અંતિમ ક્ષણે સ્થિતિ પલટી ગઈ અને આર.જે. આભાએ ઉમેદવારી ફોર્મ ભરતા પાર્ટીએ તેમને જ મેન્ડેટ આપવાનો નિર્ણય લીધો.
આ અચાનક બદલાવથી સ્થાનિક કાર્યકર્તાઓ અને ખાસ કરીને કડવા પાટીદાર સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ નિર્ણય અંગે વોર્ડ પ્રમુખ દીપક ગોઠીને પણ પૂર્વ જાણ કરવામાં આવી નહોતી, જેના કારણે તેઓમાં અસંતોષ વધ્યો હતો. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, આ સમગ્ર ઘટનાક્રમ બાદ દીપક ગોઠીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.
વોર્ડ નંબર 10ને રાજકોટમાં કડવા પાટીદારોનો ગઢ માનવામાં આવે છે, જ્યાં આ સમાજનું વલણ ચૂંટણીના પરિણામોને અસરકારક રીતે બદલી શકે છે. આવા વિસ્તારમાં કડવા પાટીદાર ઉમેદવારને ટિકિટ ન આપવાના નિર્ણયને ઘણા લોકો રાજકીય જોખમ તરીકે જોઈ રહ્યા છે.
સ્થાનિક સ્તરે કાર્યકર્તાઓમાં એવી પણ ચર્ચા છે કે, પાર્ટીએ વાસ્તવિક પરિસ્થિતિ અને સામાજિક સમીકરણોને અવગણીને આ નિર્ણય લીધો છે. કેટલાક કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે, ટિકિટ ફાળવણીમાં પારદર્શિતા રાખવામાં આવી નથી અને અંતિમ ક્ષણના ફેરફારથી સંગઠનને નુકસાન થઈ શકે છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આજનો મતદાર વધુ જાગૃત છે અને આવા નિર્ણયોનું મૂલ્યાંકન કરે છે. સમાજના પ્રભાવશાળી વર્ગમાં અસંતોષ સર્જાતો હોય તો તેનો સીધો પ્રભાવ મતદાન પર પડી શકે છે. હાલ કોંગ્રેસ માટે આ વિવાદ ચૂંટણી પહેલા પડકારરૂપ બની રહ્યો છે. પક્ષ આ અસંતોષને કેવી રીતે સંભાળે છે અને વોર્ડ નંબર 10માં તેનું શું પરિણામ આવે છે તે હવે જોવાનું રહ્યું.


