આપણે સહુ રામાયણની કથાથી પરિચિત છીએ કે પ્રભુ રામે લંકા સુધી પહોંચવા અને વાનરોની સેનાને લંકા સુધી પહોંચાડવા સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો હતો. એવી જ રીતે સંસારી જીવોને આ ભવસાગર ઉપરથી પાર કરાવવા માટે શ્રી રામાનંદાચાર્યજીએ પોતાની શિષ્ય અને પ્રશિષ્ય પરંપરાનો સેતુ બનાવીને લોકોનો ઉદ્ધાર કર્યો. જેમાં શ્રી રામાનંદાચાર્યજીના બાર શિષ્યો મુખ્ય છે. શ્રી અનંતાનંદજી, શ્રી કબીરદાસજી, શ્રી સુખાનંદજી, શ્રી સુરસુરાનંદજી, શ્રી પદ્માવતીજી, શ્રી નર હરિયાનંદજી, શ્રી પીપાજી, શ્રી ભાવાનંદજી, શ્રી રૈયદાસજી, શ્રી ધન્નાજી, શ્રી સેનજી અને શ્રી સુરસુરાનંદજીની પત્ની એમ પ્રમુખ બાર શિષ્યોએ તેમજ બીજા અનેક પ્રશિષ્યોએ સંસાર ઉદ્ધારક અને લોકકલ્યાણ કાર્ય કર્યું હતું. આ તમામ પ્રેમભક્તિના ખજાના રૂપ હતા. શ્રી રામાનંદજીએ ઘણાં વર્ષો સુધી શરીર ધારણ કરીને શરણાગત જીવોનો ઉદ્ધાર કરી ભવસાગર પાર કરાવ્યો હતો.
શ્રી રામાનંદાચાર્યજીનું જીવનચરિત્ર
શ્રી રામાનંદી વૈષ્ણવ સંપ્રદાયકના પ્રવર્તક અને પ્રસારક એવા શ્રી રામાનંદાચાર્યજી ઉચ્ચ કોટિના આધ્યાત્મિક મહાપુરુષ હતા. તેમનો જન્મ કાન્યકુબ્જ બ્રાહ્મણ કુળમાં મહા વદ (ગુજરાતી મહિના પ્રમાણે પોષ વદ) સાતમ અને શુક્રવારે થયો હતો. તેમના પિતાજી પુણ્યસદનજી અને માતા સુશીલાજી ખૂબ આધ્યાત્મિક જીવ હતાં. શ્રી રામાનંદાચાર્યજીના આઠ વર્ષની ઉંમરે ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યા હતા. તરત જ તે પલાશ દંડ ધારણ કરીને કાશી વિદ્યા અધ્યયન કરવા ચાલી નીકળ્યા. બ્રહ્મચારી બની ગયા. આ સમયે આચાર્યએ, સગાંસંબંધીઓએ ખૂબ સમજાવ્યા, પરંતુ ઘરે પાછા ન ફર્યા. માતાપિતા વિવશ થઈને શ્રી રામાનંદજીના મામા ઓમકારેશ્વરજીના ઘરે કાશીમાં રહ્યાં અને આ જગ્યાએ શ્રી રામાનંદજીએ વિદ્યા અધ્યયન કર્યું. બાર વર્ષની ઉંમરે આ બ્રહ્મચારીએ તમામ પ્રકારની વિદ્યા મેળવી લીધી. આ સમયમાં શ્રી રામાનંદાચાર્યના વિવાહની વાતો ચાલી. આ બાળકે આ વાતનો ઈન્કાર કરી દીધો. આ સમયે રાઘવાનંદજી પાસેથી દીક્ષા ગ્રહણ કરીને પંચગંગાના ઘાટ ઉપર ઝૂંપડી બનાવી ત્યાં તપ કરવા લાગ્યા. આસપાસના વિસ્તારમાં તેમજ અન્ય પ્રદેશોમાં તેનાં વિનય, વિવેક અને અધ્યાત્મની ચર્ચા થવા લાગી. તેના અલૌકિક પ્રભાવથી તેની ખ્યાતિ વધવા લાગી. અનેક સાધુ સંત મહાત્મા તેનાં દર્શન કરવા તેમની ઝૂંપડીમાં આવવા લાગ્યા.
શ્રી રામાનંદાચાર્યએ દેશ અને ધર્મનું મહાન કલ્યાણ કર્યું. ધાર્મિક ક્ષેત્રની સાથે સાથે રાજનીતિક ક્ષેત્રમાં પણ તેનું તેજ વિકસવા લાગ્યું. ધર્મની રક્ષા માટે જેવા મહાપુરુષની જરૂરિયાત હતી તેવા જ મહાપુરુષ વિશ્વને મળ્યા હતા. કહેવાય છે કે તેમના સંપ્રદાયની તેના ધર્મની પ્રવર્તિકા માતા સીતાજી છે. તેમણે સૌથી પહેલાં હનુમાનજીને ઉપદેશ આપ્યો હતો. ત્યારબાદ સમગ્ર સંસારમાં આ રહસ્યનો પ્રકાશ ફેલાવા લાગ્યો. તેથી આ સંપ્રદાયનું નામ શ્રી સંપ્રદાય, શ્રી રામાનંદી વૈષ્ણવ સંપ્રદાય પડ્યું. તેના મુખ્ય મંત્રને રામતારક કહેવાય છે.
શ્રી રામાનંદાચાર્યજીનું તેના મુખ્ય શિષ્યોને સંબોધન
સ્વામીજીના પરમધામગમનનો સમય નજીક હતો ત્યારે તેમણે તમામ શિષ્યોને કહ્યું કે, `તમામ શાસ્ત્રોનો સાર માત્ર ભાગવત સ્મરણ છે. તમામ સંતો માટે આ જ જીવન આધાર છે. આવતીકાલે રામનવમી છે. હું એકલો જ અયોધ્યા જઈશ તમે સહુ અહીં ઉત્સાહભેર આ ઉત્સવ મનાવજો. કદાચ હું પાછો નહીં આવી શકું. મારામાં જો કોઈ ત્રુટિ કે અવિનય હોય તો તે તમે માફ કરી દેશો.’ આ સાંભળી શિષ્યમંડળીની આંખોમાં અશ્રુ વહેવાં લાગ્યાં. બીજા દિવસે જ શ્રી રામાનંદાચાર્યજી તેમની ઓરડીમાં જ અંતર્ધ્યાન થઈ ગયા.