માલવણ પાસેની હોટેલમાં જમી પરત ફરતા કાર પલ્ટી જતા બનેલી ઘટના
ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. ગત મોડી રાત્રે ધ્રાંગધ્રાના હરીપર ગામ પાસે એક કાર ભયાનક રીતે પલટી ખાતા બે આશાસ્પદ યુવાનોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં કારમાં સવાર અન્ય બે પોલીસ કર્મચારીઓ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ, આ ચારેય મિત્રો માલવણ પાસે આવેલી એક હોટલમાં જમીને મોડી રાત્રે કારમાં ધ્રાંગધ્રા પરત ફરી રહ્યા હતા. હરીપર ગામ નજીક પહોંચતા જ કોઈ કારણોસર કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આ અકસ્માતમાં બે વ્યક્તિઓના સ્થળ પર જ મોત નીપજ્યા છે. મૃતકોમાં કૃપાલસિંહ ઝાલા (ઉંમર 46 વર્ષ) અને બોનિલ દેસાઈ (ઉંમર 28 વર્ષ)નો સમાવેશ થાય છે. જ્યારે કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓ જેઓ પોલીસ કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે, તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા જ ધ્રાંગધ્રા તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતકોની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ (PM) અર્થે હોસ્પિટલ ખસેડી છે. મોડી રાત્રે હાઈવે પર થયેલા આ અકસ્માતને પગલે હરીપર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલમાં અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


