એક પણ વાનમાં વીડિયો કેમેરા કે સીસીટીવી રેકોર્ડિંગ નહી : ફોટોગ્રાફસ 3૦ દિવસ સાચવવાની વ્યવસ્થા પણ નથી
વાહન ચાલકો સાથે ગેર વર્તણુંક કરતા હોવાની અસંખ્ય ફરિયાદો
શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાના નિયમો માટે પોલીસ તંત્ર દ્વારા ખાનગી એજન્સીને ટોઇંગની જવાબદારી સોંપવામાં આવી છે. કરાર મુજબ ૬3 જેટલી શરતોનું પાલન ટોઇંગ એજન્સીઓને કરવાનું હોય છે પરંતુ હરામ છે એક પણ શરતોનું પાલન કરવામાં આવતું હોય તો. ટોઇંગ ક્રેઇનમાં વીડિયો કેમેરા અને સીસીટીવી ફીટ કરી તેનું રેકોર્ડિંગ કરવાનું હોય છે. તેમજ ફોટોગ્રાફસ પાડી તેને 3૦ દિવસ સાચવવાના હોય છે. પરંતુ આ શરતોનું પાલન નહી થતું હોવાની સૂત્રોમાં ચર્ચા થઇ રહી છે. ઉપરાંત વાહન ચાલકો સાથે પણ ગેરશિસ્ત વર્તન કરવામાં આવતું હોવાની ફરિયાદો વાહન ચાલકોમાં સતત ઉઠતી રહી છે તેની સામે આજ સુધી એક પણ જાતના પગલા ભરવામાં નહી આવ્યા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસ કર્મચારી કચેરી દ્વારા સીબી-૬/મા.સુ.નિ.ટોઇંગ કોન્ટ્રાકટ/૧૦૦૯/૨૦૨૦થી અગ્રવાલ એજન્સી સુરતને તા.૧-૮-૨૦૨૦થી 3૧-૭-૨૦૨૧ સુધી ટેન્ડર નોટીસની કરાર શરતો અને બોલીઓને આધીન રહી કુલ 3૮ ક્રેઇન ડ્રાઇવર, મજુરો, કેમેરા સાથે ભાડે રાખવા મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂરી પત્રમાં ૬3 જેટલી આકરી શરતો પણ રાખવામાં આવી હતી. પરંતુ મોટા ભાગની શરતોનું પાલન ન તો ટોઇંગ એજન્સી કરી શકે છે ન તો પોલીસ તંત્ર પાલન કરાવી શકયું છે તેમ પણ શહેરભરમાં ચર્ચા થઇ રહી છે.
ટોઇંગ વાનો દ્વારા નો પાર્કિંગના સ્થળોએ પાર્કિંગ કરેલા વાહનોને ડિટેઇન કરી ટોઇંગ વાનમાં લઇ જવામાં આવે છે. પરંતુ ટોઇંગ વાનમાં વાહનોની કોઇપણ જાતની સલામતી દેખાઇ રહી નથી અને ટોઇંગ વાનના કર્મચારીઓને પોતાને ઇચ્છા પડે તે રીતે વાહનો ટીંગાડી દેવામાં આવે છે અને ગાડીઓ પણ મનફાવે તેમ ચલાવવામાં આવતી હોય છે. ત્યારે રસ્તાઓ ઉપર ખાડાઓના હિસાબે ટોઇંગ વાનમાં લટકાડેલા વાહનોને કયારેક ગંભીર પ્રકારનું નુકશાન થાય છે. તેનો ખર્ચો પણ વાહન ચાલકોને આપવો પડતો હોય છે તો તેની જવાબદારી કોણ લેશે? તેવો વાહન ચાલકોમાં પોલીસ તંત્ર પ્રત્યે સવાલ ઉઠયો છે.
ટોઇંગ એજન્સીના વાહનોની કંડીશન કેમેરા ફીટ ન કર્યા હોય તો પણ ચલાવી લેવું, ટોઇંગ વાહનોની સંપૂર્ણ તપાસ ન કરવી, ડ્રાઇવરોના લાયસન્સ ચેક ન કરવા, વાહનોના આરટીઓ અંગે વાહનો ચેક ન કરવા સહિતની અસંખ્ય ફરિયાદ છતાં પણ પોલીસ તંત્ર દ્વારા ટોઇંગ વાન એજન્સી પ્રત્યે કુણુ વલણ દાખવવામાં આવતુ હોવાનું વાહન ચાલકોમાં ચર્ચાઇ રહ્યું છે.
ટ્રાફિકના નિયમોનું પાલન વાહન ચાલકો દ્વારા નહી કરવામાં આવતા ટ્રાફિક પોલીસ દ્વારા ભારેખમ દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે. કાળા કાચ સહિતના નિયમોનું પાલન નહી કરતા વાહન ચાલકોને રોકીને દંડ વસુલવામાં આવે છે પરંતુ પોલીસ કર્મચારીઓ દ્વારા જ કેટલીક કાળા કાચવાડી ગાડીઓ ખુલ્લેઆમ ફેરવવામાં આવી રહી હોવા છતાં પણ તેની સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી નહી કરવામાં આવતા શહેરીજનોમાં રોષ ભભૂકી ઉઠયો છે.
પોલીસ સ્ટેશનોમાં ડિટેઇન કરેલા વાહનોના થપ્પા
ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ નહી પહેરવું, લાયસન્સ વગર ગાડી ચલાવવી, પીયુસી નહી હોવું, રોંગ સાઇડમાં ગાડી ચલાવવી, નો પાર્કિંગમાં ગાડી પાર્કિંગ કરવા સહિતના પ્રશ્ને વાહન ચાલકોની ગાડીઓ ડિટેઇન કરવામાં આવે છે અને આ ગાડીઓને જે-તે પોલીસ સ્ટેશન અથવા ટ્રાફિક પોઇન્ટ પર લઇ જવામાં આવે છે. જેને વાહન ચાલકો છોડાવવા નહી આવતા હાલ જે તે પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોઇન્ટના સ્થળોએ વાહનોના થપ્પા લાગી ગયા છે.


