- ચૂડા ગ્રામ્યની યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી
- સગીરાને બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયાની ફરિયાદ
- રામસીંગ વિનુભાઈ ધાણ સગીરાને ફોસલાવી ભગાડીને લઈ ગયો
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી સગીરા, યુવતીઓ સાથે દુષ્કર્મ અને તેઓને લલચાવી, ફોસલાવી ભગાડી જવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જેમાં ચૂડા, મુળી, લખતર અને સાયલા પોલીસ મથકે આવી ચાર ફરિયાદ નોંધાઈ છે. જેમાં ચૂડા ગ્રામ્યની યુવતી સાથે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દેવાઈ છે. જયારે મૂળી,લખતર અને સાયલા તાલુકામાંથી સગીરાને ભગાડી જવાનો બનાવ બન્યો છે.
જિલ્લામાં હજુ થોડા દિવસ પહેલા જ વઢવાણમાં સગીરા સાથે તેના સગા ફુવા સહિત પાંચ શખ્સોએ દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી દીધી હોવાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે ચૂડા, સાયલા, મૂળી અને લખતર પોલીસે વધુ 4 ફરિયાદ નોંધાઈ છે. જેમાં ચૂડા ગ્રામ્યમાં આવેલ એક નાના એવા ગામમાં રહેતી 23 વર્ષીય યુવતી ગામના જ એક યુવાન મેહુલ ઉર્ફે મુન્નો ભગતભાઈ સીતાપરાના સંપર્કમાં આવી હતી. ત્યારે યુવાને છેલ્લા 6 માસથી યુવતીના ઘરે જઈ યુવતીની ઈચ્છા વીરૂધ્ધ તેણીની સાથે દુષ્કર્મ આચરી યુવતીને ગર્ભવતી બનાવી દીધી હતી. બનાવની યુવતીએ મેહુલ સીતાપરા સામે ચૂડા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ મહિલા યુનીટના પીઆઈ ટી.બી.હીરાણી ચલાવી રહ્યા છે. જયારે મૂળીના એક ગામમાં છોટાઉદેપુર જિલ્લાનો પરીવાર વાડી ભાગવી રાખવી વાવતો હતો. ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના જ રામસીંગ વિનુભાઈ ધાણ સગીરાને ફોસલાવી ભગાડીને લઈ ગયો છે. બનાવની સગીરાના પિતાએ મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ સીપીઆઈ ચલાવી રહ્યા છે. આ ઉપરાંત લખતર તાલુકાના એક ગામમાં રહેતા પરીવારની સગીરાને પેટમાં દુઃખતુ હોઈ તા.20મી ફેબ્રુઆરીના રોજ તેના દાદા તેને લઈને લખતર દવાખાને આવ્યા હતા. જેમાં લખતર બસ સ્ટેશન પાસે સગીરા બાથરૂમ જવાનું કહીને ગયા બાદ પરત ફરી ન હતી. સગીરા અગાઉ બાવળામાં આવેલ કારખાનામાં કામ કરતી હોય પરીવારજનોએ ત્યાં તપાસ કરતા તે બીહારના સમસ્તીપુર જિલ્લાના જોનાપુર ગામના શરમવીર શ્યામઆનંદ પાસવાન સાથે વાતો કરતી હોવાનું પરીવારજનોને જાણવા મળ્યુ હતુ. જેમાં શરમવીરની તપાસ કરતા તે પણ મળી આવ્યો ન હતો. આથી શરમવીર સગીરાને ભગાડી ગયાની સગીરાના પિતાએ લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ સાયલા ગ્રામ્યમાં આવેલ એક વાડીમાં પરીવાર મજુરી કામ કરતો હતો. ત્યારે પરીવારની સગીર પુત્રી સાથે કંસાળા ગામના હેમંત કલાભાઈ પનારાએ સગીરાને લગ્નની લાલચ આપીને તેણીની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યુ હતુ. આ ઉપરાંત કંસાળાના જ જોરૂભાઈ બેચરભાઈ કુકાવાવાએ સગીરાના પિતાને અપશબ્દો કહી ધમકી આપી હતી. બનાવની સગીરાની માતાએ પોકસોની કલમો સાથે બન્ને સામે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
વઢવાણ દુષ્કર્મ કેસના પાંચેય નરાધમો 3 દિવસના પોલીસ રિમાન્ડ ઉપર
વઢવાણમાં રહેતા એક પરીવારની સગીરા સાથે તેના સગા ફુવા રફીક ઉર્ફે મુન્નો અલ્લારખાભાઈ કેરાળીયા, સમીર જહાંગીરભાઈ મલેક, શાહરૂખ જહાંગીરભાઈ મલેક, અલ્ફાન મીરઝા અને અવેશ અબ્દુલભાઈ ચૌહાણે દુષ્કર્મ આચર્યુ હોવાની ગત રવીવારે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ કેસમાં પોલીસે પાંચેય આરોપીઓને ઝડપી લઈ કોર્ટમાં રજુ કરતા કોર્ટે 3 દિવસના પોલીસ રીમાન્ડની મંજુરી આપી છે.


