- વિદેશમાં જવાની ઘેલછામાં રાચતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો
- તમામ લોકો સામે ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશવાનો આરોપ
- ધરપકડ કરાયેલા લોકોમાં ત્રણ ભારતીય અને એક વિદેશી હોવાનું સામે આવ્યું
કેનેડાની સરહદેથી અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ ત્રણ ભારતીય નાગરિકો સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. યુએસ બોર્ડર પેટ્રોલ દ્વારા ધરપકડ કરાયેલા ચાર લોકોમાં એક મહિલા પણ સામેલ છે. આ તમામ બફેલો શહેરમાં ઈન્ટરનેશનલ રેલરોડ બ્રિજ ક્રોસ કરતી માલગાડીમાંથી કૂદી રહ્યા હતા.
ચોથો વ્યક્તિ ડોમિનિકન રિપબ્લિકનો હોવાનું જાણવા મળ્યું છે. મહિલાને ઈજાઓ થવાથી તે દોડી શકતી ન હતી અને પોલીસને નજીક આવતી જોઈ તેઓએ મહિલાને એકલી છોડી દીધી હતી. જોકે, પોલીસે પીછો કરીને તમામને પકડી લીધા હતા. ઈજાગ્રસ્ત મહિલાને એરી કાઉન્ટી શેરિફના ડેપ્યુટીઓ અને યુ.એસ. કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન દ્વારા સારવાર આપવામાં આવી હતી અને પછી એમ્બ્યુલન્સ દ્વારા સ્થાનિક તબીબી કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે તમામ લોકો દસ્તાવેજો વગરના બિનનાગરિક હતા. ત્રણેય ભારતીયોને બટાવિયા ફેડરલ ડિટેન્શન ફેસિલિટીમાં મોકલવામાં આવ્યા છે અને તેઓ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની વિવિધ કલમો હેઠળ દેશનિકાલની સુનાવણીનો સામનો કરવો પડશે.


