અનેક પેઢીઓને જીએસટી વિભાગ દ્વારા નોટીસ ઇશ્યુ કરાતા કૌભાંડ ખુલ્યું : ક્રાઇમ બ્રાંચમાં કારખાનેદારો દ્વારા ફરિયાદ : પોલીસ તપાસ શરૂ
રાજકોટમાં જીલ્લા ગાર્ડન પાસે બાપુનગર-૪માં ક્રિષ્ના કાસ્ટીંગ નામનું કારખાનું ધરાવતાં રઘુભાઈ ઉર્ફે બાબભાઈ વલ્લભભાઈ ડોબરીયા (ઉ.વ.૬૦, રહે. રાધાનગર-૪, લક્ષ્મીનગર) સહિત અલગ-અલગ કારખાનેદારોને સ્ક્રેપ વેચાણ કરી જીએસટી સાથેના બિલો આપ્યા બાદ જીએસટીની રૂા. ૧.૩૫ કરોડની રકમ જીએસટી વિભાગમાં નહીં ભરી પિતા-પુત્રએ છેતરપીંડી કર્યાની ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે.
ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ આ અંગે રઘુભાઈ ઉર્ફે બાબભાઈની ફરિયાદ પરથી કિશોર સખીયા અને તેના પુત્ર જીત (રહે. બંને રાજલક્ષ્મી સોસાયટી મેઈન રોડ, – કોઠારીયા રોડ પાછળ) સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
રઘુભાઈએ પોલીસને જણાવ્યું કે ત્રણેક માસ પહેલાં આરોપી પિતા-પુત્ર તેની ફેકટરી આવ્યા હતા. અને હેનટેક ઈન્ડસ્ટ્રીઝ નામથી ધંધો શરૂ કર્યો છે. માલ ખરીદ કરવાનો હોય તો કહેજો, તેમ કહેતાં તેની સાથે ભાવ- તાલની વાતચીત થઈ હતી. બાદમાં આરોપીઓ પાસેથી તેને સ્ક્રેપ (બીડ ભંગાર માલ) ખરીદવાનું શરૂ કર્યું હતું. આરોપીને ઓર્ડર આપતાં જુલાઈ ૨૦૨૧ થી ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં કુલ ૧૩ વખત માલની ખરીદી કરી હતી. જેનું બીલ આવતાં તે બીલનું તેણે માલ તથા ટેક્ષની રકમ સાથેનું પેમેન્ટ તેને આરટીજીએસ કરી દીધું હતું. તેણે રૂા. ૮૬.૮૫ લાખની ખરીદી કરી હોય તેમાં ૧૩.૨૪ લાખ જીએસટીની રકમ હતી. ત્યારબાદ તેણે પોતાની પેઢીનું જીએસટીના વાર્ષિક રીર્ટન ડિસેમ્બર-૨૦૨૨નાં જીએસટીઆર (૯)(સી) ફોર્મ ભર્યું ત્યારે સીએ તરફથી સરકારે આરોપીઓની પેઢીનો જીએસટી નંબર કેન્સલ કર્યો હોવાનું કહ્યું હતું. જેથી તેણે આરોપીને પોતાની ટેક્ષની રકમ સરકારમાં ભરી આપવાનું કહેતાં આરોપીઓએ રકમ ચૂકવી આપશે તેવો બાહેધરી આપી હતી. ત્યાર બાદ તા.૩૦-૬-૨૦૨૩ના જીએસટી વિભાગ દ્વારા તેને સમન્સ ઈસ્યુ કરી રૂબરૂ બોલાવી આરોપીઓ અન્ય વેપારીઓ સાથે પણ છેતરપીંડી કરી કરોડો રૂપિયા ઓળવી ગયા હોવાથી તેની પેઢીનું જીએસટી વિભાગ દ્વારા સુવોમોટોથી જીએસટી નંબર રદ કરેલ છે એમ કહીને તેને આરોપીઓપાસેથી ખરીદ કરેલ માલની જીએસટીની રકમ અને વ્યાજ તથા પેનલ્ટી ભરવાની નોટીસ આપી હતી.
આરોપીઓએ રઘુભાઈ ઉપરાંત હેરોનટેકનોકાસ્ટ નામની પેઢી, રાજમોતી ફેરોરકાસ્ટ પેઢી, કાર્બોટેક મેટાકાસ્ટ પેઢી, શીવ મેન્યુફેકચર, શિવ મેટલ, લક્ષા ઈન્ડસ્ટ્રીઝ, હાઈટેક મેટા ક્રાફટર અને (સ્કાય ઈન્ટરનેશનલ નામની પેઢીઓને ગ્લોરીયસ ટ્રેડ લીંક અને હેનટેક ઈન્ડસ્ટ્રીઝ નામની પેઢી મળી કુલ રૂા. ૧.૩૫ કરોડ નહીં ભરતા જીએસટી વિભાગ દ્વારા નોટીસ અપાઈ હતી. આથી આ અંગે છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઈ છે.