- તમામના બેન્ક ખાતામાં ત્રણ દિવસમાં બે કરોડના વ્યવહારો જોવા મળ્યા
- નવ મોબાઇલ, બે રાઉટર, રહસ્યો સંઘરેલી બે ડાયરીઓ કબજે કરાઈ
- આરોપીઓની પૂછપરછ શરુ કરવામાં આવી છે
પાર્ટ ટાઈમ જૉબની લાલચે સુશિક્ષિતો પાસેથી પૈસા પડાવતાં સાયબર માફિયાઓને બેંક એકાઉન્ટ ઓપરેટ કરવા માટે આપતાં પાંચ કમિશન એજન્ટોને અમદાવાદ તેમજ દિલ્હીથી ઝડપી લેવામાં આવ્યા છે. પાંચ આરોપીઓ પાસેથી 9 મોબાઈલ ફોન, અનેક રહસ્યો છુપાવતી બે ડાયરીઓ તેમજ વાઈફાઈ રાઉટર કબજે કરવામાં આવ્યા છે. જેઓના એક ડઝન જેટલા બેંક એકાઉન્ટમાં છેલ્લા 3 દિવસમાં રૂ.1.84 કરોડનું ટ્રાન્જેકશન થયું હોવાની વિગતો સપાટી ઉપર આવી છે. આરોપીઓની પૂછપરછ શરુ કરવામાં આવી છે.
ક્રાઈમની પેટર્નમાં છેલ્લા ઘણાં સમયથી ફેરફાર જોવા મળી રહયા છે. ખાસ કરીને સાયબર ફ્રોડના કિસ્સાઓમાં વધારો થઈ રહયો છે. રોજ નવી પધ્ધતિઓથી ઓન લાઈન ચિટિંગ કરવામાં આવી રહયુ છે. જુદા જુદા ટાસ્ક આપવાની જાળમાં શહેરની એક મહિલાને ભેજાબાજોએ ફસાવી હતી અને વર્ચ્યુઅલ વૉલેટમાં મોટી રકમો બતાવીને રૂ. 8.06 લાખ પડાવી લીધા હતા. ભોગ બનનાર મહિલાએ થોડાક દિવસ પૂર્વે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. ક્રાઈમ કરવા માટે જે મોબાઈલ ફોન નંબર તેમજ બેંક એકાઉન્ટના ઉપયોગ થયા હતા.જેની ડિટેઈલ મેળવીને સાયબર સેલે તપાસ શરુ કરી હતી.
સાયબર ક્રાઈમ કરતાં ભેજાબાજોને બેંક એકાઉન્ટ ભાડે આપતાં પાંચ આરોપીઓને અમદાવાદ અને દિલ્હીથી ઝડપી લેવાયા છે. વડોદરા ખાતે લવાયેલા આરોપી ઉત્પલ દુખીરામ દોલાઈ (ઉ.વ.35) (રહે, કાલુપુર, અમદાવાદ), દિપેશકુમાર મનુભાઈ પટેલ (ઉ.વ.28) (રહે, ચાણક્યપુરી બ્રિજ પાસે, અમદાવાદ), મિતેશ ભીખાભાઈ પટેલ (ઉ.વ.35) (રહે, ગોતા, અમદાવાદ), સૌરભ ઉર્ફે પુરષોત્તમ જામુલકર (ઉ.વ.27) (રહે, ભંડાર, મહારાષ્ટ્ર), તેમજ રામહારી ઉર્ફે રામ પાન્ડવા શાહુ ઉ.વ.44) (રહે, દિલ્હી)ની તલસ્પર્શી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આરોપીઓએ ગુનામાં ભજવેલા રોલ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યુ છેકે, આરોપીઓ તેમના બેંક એકાઉન્ટ સાયબર ક્રિમિનલોને ઓપરેટ કરવા આપતા હતા. જેની સામે તેમને કમિશન મળતું હતું. આરોપીઓના 13 બેંક એકાઉન્ટમાં છેલ્લા 3 દિવસમાં રૂ. 1.84 કરોડના ટ્રાન્જેકશન થયાં છે. આરોપીઓની પૂછપરછ જારી છે.


