પોતાને પૂર્વસંસ્કારનાં બંધનોથી મુક્ત કરવાની ઇચ્છા તેનાથી મુક્ત થવામાં મદદરૂપ નથી થતી, તેવી ઈચ્છા તો સંસ્કારબંધનોને માત્ર ચાલુ રાખવામાં જ સહાયક બને છે, પરંતુ જો આપણે ઇચ્છાનું દમન કરવાને બદલે ઇચ્છાની સમગ્ર પ્રક્રિયાને સમજીએ તો એ સમજણમાં જ સંસ્કારબદ્ધતાથી મુક્તિ મળી જાય છે. સંસ્કારબદ્ધતાથી મુક્તિ એ કોઈ સીધેસીધું પરિણામ નથી, તે દેખાય તેવી બાબત નથી. તમને સમજાય છે? જો હું ઈરાદાપૂર્વક જાણીજોઈને ખુદને સંસ્કારબદ્ધતાથી મુક્ત કરું તો મારો એ ઈરાદો તેનું પોતાનું-આગવું-સંસ્કારબંધન સર્જે છે. ભલે હું સંસ્કારબંધનના એક સ્વરૂપનો નાશ કરતો હોઉં, પરંતુ હું તેના બીજા સ્વરૂપમાં, બીજા સંસ્કારબંધનમાં ફસાઈ જાઉં છું, પરંતુ જો આપણે ઇચ્છા વિશે સમજણ ધરાવતા હોઈએ અને તેમાં મુક્ત થવાની ઈચ્છાનો પણ સમાવેશ થઈ જાય છે- તેના વિશે સમજણ ધરાવતા હોઈએ તો એ સમજણ જ બધાં સંસ્કારબંધનનો નાશ કરે છે. સંસ્કારબદ્ધતાથી મુક્તિ તો આડપેદાશ કે ગૌણ બાબત છે; મહત્ત્વ તેનું નથી, મહત્ત્વ છે એ શું છે જે સંસ્કારબંધન સર્જે છે એ જ વાત સમજવાની છે.
સહજ અવધાન
જ્ઞાનનો કે અનુભવનો, કોઈ પણ પ્રકારનો સંગ્રહ, કોઈ પણ સ્વરૂપમાં આદર્શ મારા મનની રજૂઆત, મનને કોઈ આકાર આપવાનો કે તેને વાળવાનો અથવા કાંઈક કેવું હોવું જોઈએ અને કેવું ન હોવું જોઈએ તે વિશે પહેલેથી નક્કી કરેલી રીત – આ બધું જ સ્પષ્ટપણે તપાસ કરવાની અને શોધવાની પ્રક્રિયાને પાંગળી બનાવે છે.
આથી મને લાગે છે કે આપણી તપાસ કોઈ હાથવગા ઉપાય માટેની ન હોવી જોઈએ, પરંતુ તેના બદલે એ શોધી કાઢવા માટેની હોવી જોઈએ કે શું આ સભાન અને ગહન મન. ભીતરનું અભાન મન કે જેમાં બધી પરંપરાઓ, તેની સ્મૃતિઓ, વંશ-વારસાગત મળેલો નાતજાતના જ્ઞાનનો વારસો વગેરેનો સમાવેશ થાય છે, તે સઘળું શું મન એક બાજુ મૂકી શકે? મને લાગે છે કે, જો મન કોઈ પણ પ્રકારની ઇચ્છા વગર, કોઈ પણ દબાણ વગર સમજવા માટે સક્ષમ હોય તો જ એમ થઈ શકે. મને લાગે છે કે સભાન થવું એ સહુથી મુશ્કેલ બાબત છે, કારણ કે આપણે સામે દેખાતી સમસ્યામાં અને તેના તરત મળે તેવા ઉકેલમાં ફસાઈ જઈએ છીએ, આમ, આપણું જીવન એકદમ ઉપરછલ્લું હોય છે. જોકે, ભલે આપણે જુદા જુદા વિશ્લેષકો પાસે જઈએ, બધાં પુસ્તકો વાંચીએ, ખૂબ જ્ઞાન મેળવીએ, ચર્ચમાં હાજરી આપીએ, પ્રાર્થના કરીએ, ધ્યાન ધરીએ, જુદી જુદી શાખાઓનો અભ્યાસ કરીએ; તેમ છતાં, આપણાં જીવન સ્પષ્ટપણે બહુ ઉપરછલ્લાં હોય છે, કારણ કે આપણે એ નથી જાણતા કે તેમાં ગહનતાથી કેવી રીતે ઊતરવું. મને લાગે છે કે આ સમજ, ભીતર ઊંડા ઊતરવાની રીત, એકદમ ઊંડા કેવી રીતે જવું તેનું મૂળ સભાનતામાં રહેલું છે-માત્ર આપણા વિચારો અને લાગણીઓ પ્રત્યે સભાન રહેવું, નિંદા કર્યા વગર, તુલના કર્યા વગર કેવળ નિરીક્ષણ કરવું તેમાં રહેલું છે. જો તમે આ અજમાવી જોશો તો તમને જણાશે કે તે કેટલું અસાધારણપણે મુશ્કેલ છે, કારણ કે આપણને વખોડવાની, મંજૂર કરવાની અને સરખામણી કરવાની જ સઘળી તાલીમ મળી છે.