- રાષ્ટ્રપતિ બાઈડેને અમુક કારણોસર દિલ્હી પહોંચવા અસમર્થતા જાહેર કરી હતી
- વડાપ્રધાન મોદી બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લેવા પહોંચ્યા હતા
- ભારતમાં ક્વાડ શિખર બેઠક 2024ના અંતમાં યોજવાની દરખાસ્ત
આ વર્ષે 26 જાન્યુઆરીએ ફ્રાન્સના પ્રમુખ ઇમાન્યુએલ મેક્રોં પ્રજાસત્તાક દિન સમારંભમાં મુખ્ય અતિથિ રહેશે. ભારત આવતા વર્ષે જાન્યુઆરીમાં ક્વાડ નેતાઓના શિખર સંમેલનનું યજમાનપદ સંભાળવાનું છે, તે સંજોગોમાં પ્રજાસત્તાક દિવસ સમારંભમાં ભાગ લેવા આ પહેલાં પ્રમુખ બાઇડેનને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. પરંતુ તેમણે કેટલાક કારણવશ જાન્યુઆરીમાં દિલ્હી આવવાને મુદ્દે અસમર્થતા જાહેર કરી હતી. તે પછી ફ્રાન્સના પ્રમુખ ઇમાન્યુએલ મેક્રોંને પ્રજાસત્તાક દિન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મેક્રોં વચ્ચે જુલાઈ મહિનામાં ફ્રાન્સમાં મુલાકાત થઈ હતી. વડાપ્રધાન મોદી બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તેમને સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે નિમંત્રણ હતું. ભારત અને ફ્રાન્સ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠ મનાવવા વડાપ્રધાન મોદી ફ્રાન્સની મુલાકાતે ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાં ક્વાડ શિખર બેઠક 2024ના અંતમાં યોજવાની દરખાસ્ત છે.


