પેઢાલપુર નામનું એક નગર હતું. ત્યાંના રાજા શ્રીમૂલ હતા. એમને પુષ્પમૂલ નામનો એક દીકરો હતો. નાનપણથી ખોટા મિત્રોની સોબત રહી. જુગાર રમતા હાર્યો. પોતાની પાસે હતું એટલું તો દાવમાં લગાવી દીધું, હવે શું કરવું? એના સાગરીતોએ એને સલાહ આપી. તું તો રાજાનો દીકરો છે. આખું ગામ તારું છે. તારો અધિકાર છે. ગમે એને ત્યાં જઈને પૈસા લઈ આવવાના, તને રોકનાર કોણ છે? મિત્રોની સોબતના કારણે એ કેટલાક લોકોની પાસેથી પૈસા લૂંટીને લાવ્યો.
રાજકુમારના કારણે ત્રાસ પામેલા નગરજનો સાથે મળીને રાજાની પાસે ફરિયાદ કરવા ગયા. રાજાએ તપાસ કરી એમાં એમને જાણવા મળ્યું કે આ બધાના મૂળમાં એમનો જ સુપુત્ર છે. બાપે એને સારો એવો ઠપકાર્યો. પુષ્પમૂલના બદલે એને વંકમૂલ પણ કહ્યું. આ બધું સાંભળીને એને ઉદ્વેગ જાગ્યો. મારા પિતા જ મને આટલું બધું સંભળાવે? હવે મારે આ નગરમાં રહેવું જ નથી. એ ત્યાંથી રવાના થઈ ગયો.
ચાલતાં ચાલતાં તે એક લૂંટારુઓની પલ્લીમાં પહોંચ્યો. વંકમૂલને એ લોકો ગમી ગયા અને એ લોકોને વંકમૂલ ગમી ગયો. એ લોકોને લાગ્યું આપણા માટે આ માણસ કામનો છે. કોઈ એકલદોકલ મુસાફર આ તરફથી પસાર થાય તો એને લૂંટી લેવાનો. આનાથી જ એ પોતાનું ગુજરાન ચલાવતા. આવા કામમાં તો વંકમૂલની માસ્ટરી હતી. આમ ને આમ સમય જતાં પલ્લીપતિના મરણ બાદ વંકમૂલને જ પલ્લીપતિ બનાવ્યો છે.
એક સમયે ચોમાસાના દિવસો હતા. અષાઢ મહિનાના એ દિવસોમાં વરસાદની હેલી વરસી રહી હતી. એવા સમયે આઠ-દસ સાધુ મહાત્માનું વૃંદ આવી રહ્યું હતું. પલ્લીના માણસોએ દૂરથી જોયું, બધા સાબદા થયા. નજીક ગયા ત્યારે ખબર પડી કે આ તો સાધુ મહાત્મા છે. આમની પાસેથી આપણે શું લેવાનું? સાધુ મહાત્માની પાસે પહોંચ્યા.
સાધુ મહાત્માઓના એક મહાત્માએ કહ્યું, ભાગ્યશાળીઓ અમે જૈન શ્રામણો છીએ. ચાતુર્માસ કાળ નજીક આવી રહ્યો છે. ચોમાસામાં અમારાથી વિહાર કરી શકાય નહીં અને હવે અમારે અહીં ચાર માસ રહેવાની જગ્યાની જરૂર છે. જો તમને તકલીફ ન હોય તો અમે અહીં રહીએ. એ લોકોએ અંદર અંદર મસલત કરી. આમને તો જગ્યા જ જોઈએ છે. કદાચ ખવડાવવાનું હોય તો આપણે ખાઈએ એમાંથી જ આપવાનું છે તો રાખવામાં શું વાંધો છે? વાત તો સાચી છે, પણ આ લોકો તો ઉપદેશ આપે એમની વાત સાંભળીને આપણા સાગરીતો ધંધો છોડી દેશે તો પછી આપણે શું કરીશું? એનો વિચાર કરો.
વાત તો જાણે કે ખરી છે, પણ આ મહાત્માની સેવા તો આપણે કરવી જ પડે. આપણે એમને વિનંતી કરીએ કે તમે અહીં રહો, પણ કોઈને ઉપદેશ આપવો નહીં. આટલી અમારી વાતનો સ્વીકાર કરો.
મહાત્માઓનું વૃંદ પલ્લીમાં રહ્યું. ઉપદેશ આપવાની મનાઈ છે, પણ ઉપદેશ માત્ર શબ્દોથી જ અપાય એવું તો નથી. એમનું વર્તન, એમનો વ્યવહાર જોઈને બધા ખૂબ પ્રભાવિત બન્યા. રોજ એમનાં દર્શન કરીને જ બધા કામે લાગતા. આ એમનો રોજિંદો ક્રમ બની ગયેલો હતો. એમ કરતાં ચાર માસ વ્યતીત થઈ ગયા. મહાત્માએ કહ્યું આવતી કાલે અમારો વિહાર છે. અમારા રહેવાના કારણે તમને કોઈ તકલીફ પડી હોય તો એની ક્ષમાયાચના કરીએ. વિહારના સમયે પલ્લીપતિ વંકમૂલ સહિત પલ્લીના બધા સદસ્યો મહાત્માને મૂકવા માટે આવ્યા છે. એમની સરહદ જ્યાં પૂરી થઈ ત્યાં મહાત્મા ઊભા રહ્યા અને કહ્યું ભાગ્યશાળીઓ તમારી હદ પૂરી થાય છે અને એની સાથે જ તમારી શરત પણ અહીં જ પૂરી થાય છે. એટલે હવે અમારી વાત તમારે સાંભળવી જોઈએ.
તમે અમારી સેવા શુશ્રૂષા સરસ કરી, હવે અમારે પણ તમને કંઈક આપવું છે. અમારી પાસે તમને આપવા માટે કોઈ દ્રવ્ય તો છે નહીં, પણ તમારા જીવનમાં ઉપયોગી થઈ શકે એવી વાતો કરવી છે. વંકમૂલ સહિત દરેક જણ શાંતિથી મહાત્માને સાંભળી રહેલા હતા. મહાત્માના વક્તવ્યનો સૂર એ હતો કે તમારું જીવન સજ્જનને શોભે એવું હોવું જોઈએ.
વંકમૂલ કહે છે આપ કહો છો એવું જીવન જીવવાનું હોય તો અમારે ભૂખ્યા રહેવું પડે. આપ એવું કંઈક કહો કે અમારો આ ધંધો પણ ચાલુ રહે અને આપની વાતનો સ્વીકાર કરી શકીએ.
જોકે, આ ધંધો તમારે કરવા જેવો તો નથી જ, છતાં તમે એને અનિવાર્ય અનિષ્ઠ તરીકે એને સ્વીકારી માનતા હોય તો મારે તમને ચાર નિયમો આપવા છે, જે તમારા આ વ્યવસાયમાં પણ અવરોધ કરશે નહીં અને છતાં તમને કોઈ સાચી દિશામાં લઈ જશે.
(1) ગમે તેવી પરિસ્થિતિ સર્જાય તો પણ અજાણ્યાં ફળ ક્યારે પણ ખાવાં નહીં. (2) કાગડાનું માંસ ખાવું નહીં. (3) રાજરાણીની સાથે પ્રેમ કરવો નહીં. (4) ગમે ત્યારે તલવારનો ઉપયોગ કરવો પડે તો સાત-આઠ ડગલાં પાછળ હટીને પછી મારવાનો પ્રયત્ન કરવો. આ ચાર નિયમોમાં તમને એવી કોઈ મોટી તકલીફ થવાની સંભાવના નથી. જ્યારે આ નિયમ તમારા જીવનમાં ઘણા ઉપયોગી થશે.
વંકમૂલે ભાવથી નિયમોનો સ્વીકાર કર્યો. દૃઢતાપૂર્વક નિયમોનું પાલન કરે છે.
વંકમૂલ અને એના સાગરીતો એકવાર ચોરી કરીને આવતા હતા. રસ્તામાં ભૂખ લાગી. પાસે ખાવાનું તો કશું હતું નહીં. આસપાસનાં ઝાડ ઉપર તપાસ કરતાં સરસ દેખાતાં ફળો એમના જોવામાં આવ્યાં. તરત તોડીને વંકમૂલ પાસે લાવ્યાં.
વંકમૂલ કહે છે, આ કયાં ફળો છે? એનું નામ શું? પેલા લોકો કહે છે, નામનું શું કામ છે? તમે તમારે ખાવને, નામની ચિંતા શું કરો છો?
પણ એને અજાણ્યાં ફળ ન ખાવાનો નિયમ હતો. એણે ન ખાધાં. જેમણે ખાધાં એ બધાં સૂઈ ગયાં તે ક્યારેય ઊભા થયા નહીં. વંકમૂલને પોતાના નિયમનો પ્રભાવ જોવા મળ્યો. જો મેં આ ફળો ખાધાં હોત તો હું પણ આજે પરલોક પહોંચી ગયો હોત. પોતાના નિયમની મનોમન પ્રશંસા કરે છે. એ ફળ ઝેરી હતાં. ન ખાવાથી બચી ગયો.
એક દિવસ એ કોઈ જગ્યાએ ધાડ પાડવા ગયો હતો. પાછા આવતાં રાતે ઘણું મોડું થઈ ગયેલું. ઘેર આવ્યો અને જોયું તો ઘરમાં પોતાની પત્ની કોઈ પુરુષની સાથે સૂતેલી જોઈ. વંકમૂલને ગુસ્સો આવ્યો. ગુસ્સામાં એણે નક્કી કર્યું આ બેયને યમસદન પહોંચાડવાં પડશે. મારવા માટે તલવાર કાઢી. એને પેલો નિયમ યાદ આવ્યો. તલવાર ચલાવતા પહેલાં પાંચ-સાત ડગલાં પાછળ ચાલવું પછી જ તલવારનો ઉપયોગ કરવો. એ પાછળ ડગલાં ભરે છે. પાછળ દીવાલ હતી એની સાથે તલવાર ટકરાઈ. અવાજ થયો. અવાજથી એની પત્ની જાગી. એણે પોતાના પતિના ગુસ્સાનો ખ્યાલ આવ્યો. તરત જ એણે પતિને કહ્યું શું કરો છો? શું કરો છો એટલે? તું કોની સાથે સૂતી છે? પેલી એકદમ હસવા લાગી. એણે કહ્યું, આ કોણ સૂતું છે એ તો જુઓ. હકીકતમાં વંકમૂલની બહેન જ પુરુષના વેશમાં સૂતેલી હતી. મહાત્માના બીજા નિયમનો પણ એને આજે અનુભવ થઈ ગયો. આજે જો નિયમ ન હોત તો પત્ની અને બહેનની હત્યાનું પાપ લાગવાનું હતું. વંકમૂલે એ દિવસે રાજમહેલમાં ચોરી કરવાનો નિર્ણય કર્યો. રાતનો સમય. રાજા સૂઈ ગયેલો છે. એની રાણી જાગી ગયેલી. ચોરી કરીને જઈ રહ્યો હતો ત્યારે રાણીએ કહ્યું, મને સંતોષ કરાવીને જા તો હજુ વધારે ધન મળે એવું કરી આપું. વંકમૂલ કહે છે મારે વધારે ધનની જરૂર નથી, આટલું ઘણું છે. એને નિયમ છે રાજરાણી સાથે પ્રીત કરવાની નથી.
રાજરાણી કહે છે, મારી વાત નહીં માને તો હમણાં જ પકડાવી દઈશ. વંકમૂલ કહે છે ચિંતા નહીં, પણ મારો નિયમ તો બરાબર પાળીશ. રાણીએ રાજાને જગાડ્યો અને કહ્યું, આ ચોર ચોરી કરવા આવ્યો છે. રક્ષકોને બોલાવીને કહ્યું આને લઈ જાવ, સવારે સભામાં લાવજો. સવારે સભામાં લઈ ગયા. રાજાએ કહ્યું બધી વાતની મને ખબર છે. હું જાગતો જ હતો. રાજ્યમાં સારી પોસ્ટ એમને આપવામાં આવી.
એકવાર કોઈ રાજાની સામે યુદ્ધ માટે જવાનું થયું. દરમિયાન એમના શરીર ઉપર ઘણા ઘા થયેલા. શરીરમાંથી લોહી પણ સારું એવું વહી ગયેલું. નગરમાં આવીને ઉપચાર કરવાની વાત આવી. રાજવૈદ્યને બોલાવ્યા. નાડી તપાસીને કહ્યું, ઉપચાર કરવાથી સારું થશે, પણ એમને કાગડાના માંસ સાથે દવાનું સેવન કરવું પડશે. વંકમૂલે સ્પષ્ટ કહ્યું, ઉપચાર થાય એમ હોય તો ઠીક છે, ન થાય તો ચિંતા કરવાની જરૂર નથી, પણ મારાથી કાગડાના માંસનો ઉપયોગ થઈ શકશે નહીં, કારણ કે મારે બાધા છે. નિયમ લીધેલો છે. મારા નિયમનો ભંગ મારાથી થઈ શકશે નહીં. પોતાના નિયમને દૃઢપણે વળગી રહ્યો. શુભ ધ્યાનમાં મરીને દેવલોકમાં ગયો.
આપણે પણ આપણા જીવનમાં આગળ વધવું હોય તો સારા નિયમો લેવા જોઈએ અને પ્રાણાંતે પણ નિયમનો ભંગ ન થાય એના માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.