અગ્ર ગુજરાત કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લેતા કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી
ફોર્મ ભર્યુ ત્યારથી જ વિજયનો પાયો નખાઇ ગયો છે
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ધુરંધર કહી શકાય તેવા પરસોતમ રૂપાલા સામે મેદાનમાં ઉતરેલા કોંગ્રેસના લડાયક નેતા પરેશ ધાનાણી અગ્ર ગુજરાત કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા ત્યારે એક અલગ જ આત્મવિશ્વાસ સાથે તેમણે કહ્યુ હતુ કે, મે જ્યારે ફોર્મ ભર્યુ હતુ ત્યારથી જ વિજયનો પાયો નખાઇ ગયો છે. મે પ્રચારનો પ્રથમ રાઉન્ડ પુરો કર્યો છે. આ પ્રારંભિક પ્રવાસમાં મને જે જનસમર્થન મળ્યુ છે એ જોતા એવુ લાગ્યુ છે કે, મોંઘવારી, બેકારી સહિતની સમસ્યાથી જન જન દુ:ખી છે. જનતા ખુદ ઇચ્છે છે કે, હવે પરિવર્તન આવવુ જોઇએ.
પરેશ ધાનાણીએ ભાજપ સામે કટાક્ષ કરતા કહ્યુ હતુ કે, રાજકોટમાં ભાજપને એવો કોઇ ચહેરો ન મળ્યો એટલે અમરેલીથી પરસોતમ રૂપાલાને થોપી બેસાડ્યા. તેની સામે રાજકોટ કોંગ્રેસના આગેવાનોની લાગણી એવી હતી કે, રૂપાલાને રાજકોટથી ખદેડવા માટે મને જવાબદારી સોંપવામા આવી. પાર્ટીના આગ્રહને માન આપીને હું રાજકોટની જનતાનું કેન્દ્ર સરકાર સુધી પ્રતિનિધિત્વ કરવા માટે આવ્યુ છું.
વધુમાં ધાનાણીએ કહ્યુ હતુ કે, ભાજપ પક્ષ સતાના મદમાં અહંકારી બની ગયુ છે. આ અહંકારને ઓગાળવા માટેનો આ ચૂંટણી જંગ છે. લોકશાહીને બચાવવા માટેનો જંગ છે. સુરતમાં ભાજપે જે ખેલ પાડ્યો છે તેનાથી ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશની જનતાએ વિચાર કરવો જોઇએ કે જો આમને આમ ચાલશે તો ભાજપ સમગ્ર દેશમાંથી લોકશાહી ખતમ કરી નાખશે.
અગ્ર ગુજરાત કાર્યાલયની મુલાકાત દરમિયાન પરેશ ધાનાણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, વસરામ સાગઠિયા, સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવક્તા કૃષ્ણદત્ત રાવલ, સંજય લાખાણી, ધરમ કાંબલિયા ઉપસ્થિત રહ્યા હતા.


