- દેશો આગામી 10 વર્ષમાં ભારતમાં 50 અબજ ડોલરનું રોકાણ કરશે
- પછીના પાંચ વર્ષમાં બીજા 50 અબજ ડોલરનું રોકાણ કરશે
- કરારને પગલે દેશમાં લગભગ 10 લાખ નવી નોકરીઓ પેદા થશે
ભારત અને ચાર દેશોના યુરોપીય સમૂહ ઇએફટીએ દ્વારા રોકાણ અને વસ્તુઓ તથા સર્વિસીસના દ્વિપક્ષીય વ્યાપારને વેગ આપવા માટે રવિવારે એક મુક્ત વ્યાપાર કરાર(FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં. યુરોપીય મુક્ત વ્યાપાર સંઘ(EFTA)ના સભ્ય દેશોમાં આઈસલેન્ડ, લિક્ટેન્સ્ટાઇન, નોર્વે અને સ્વીટઝરલેન્ડનો સમાવેશ થાય છે. ભારતે શરત રાખી હતી કે એગ્રીમેન્ટ લાગુ થયા બાદ આ દેશો આગામી 10 વર્ષમાં ભારતમાં 50 અબજ ડોલરનું રોકાણ કરશે અને તે પછીના પાંચ વર્ષમાં બીજા 50 અબજ ડોલરનું રોકાણ કરશે. આમ EFTA આગામી 15 વર્ષમાં 100 અબજ ડોલર અથવા રૂ. આઠ લાખ કરોડનું રોકાણ કરશે. આ કરારને પગલે દેશમાં લગભગ 10 લાખ નવી નોકરીઓ પેદા થશે. આ કરારમાં 14 ચેપ્ટર્સ છે. તેમાં માલમાં વ્યાપાર, ઉત્પત્તિના નિયમો, બૌધિક સંપદાનો અધિકાર, સેવાઓમાં વ્યાપાર, રોકાણ પ્રોત્સાહનો તથા સહયોગ, સરકારી ખરીદી, વ્યાપારમાં ટેકનિકલ અવરોધોને દૂર કરવા તથા વ્યાપાર સુવિધાઓ આપવાનો સમાવેશ થાય છે. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે એફટીએ પર હસ્તાક્ષરને એક ઐતિહાસિક પલ ગણાવતાં જણાવ્યું હતું કે ભારતનો આવા સમૂહ સાથેનો પ્રથમ આધુનિક વ્યાપાર કરાર છે, જેમાં વિકસિત દેશ સામેલ છે.
કરાર પરના હસ્તાક્ષર વોટરશેડ મોમેન્ટ્સ : PM
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-ઇએફટીએ કરાર પરના હસ્તાક્ષરને વોટરશેડ મોમેન્ટ્સ તરીકે બિરદાવ્યા હતા અને તેને આપણા દેશો વચ્ચે અત્યાર સુધીની સૌથી અગ્રણી મુક્ત વ્યાપાર કરારોમાંનો એક ગણાવ્યો હતો. વડાપ્રધાને એમ પણ જણાવ્યું હતું કે માર્ચ 2024નો દસમો દિવસ ભારત અને ENTA દેશો સ્વીટઝરલેન્ડ, નોર્વે, આઈસલેન્ડ તથા લિક્ટેન્સ્ટાઇન માટે દ્વિપક્ષીય કરારમાં એક નવીનતમ અને વોટરશેડ ક્ષણ છે.
ઇએફટીએ દેશોને મુખ્ય બજાર સુધીની પહોંચ મળી
ઇએફટીએ સભ્યો તરફથી સંઘીય કાઉન્સિલર ગાઇ પાર્મેલિને જણાવ્યું હતું કે ઇએફટીએ દેશોને વૃદ્ધિના એક મુખ્ય બજાર સુધીની પહોંચ મળી છે. અમારી કંપનીઓ પોતાની સપ્લાય ચેન્સને વધારે લડાયક બનાવતાં તેમાં વિવિધતા લાવવાનો પ્રયાસ કરશે. તેની અવેજમાં ભારતને ઇએફટીએ તરફથી વધારે રોકાણ મળશે. તેને પગલે નોકરીઓમાં સારા એવા પ્રમાણમાં વૃદ્ધિ થશે. આપણને આર્થિક ક્ષમતાનો ઉપયોગ કરવામાં અને માટે વધારાની તકો ઊભી કરવામાં મદદ મળશે.
સ્વિસ ઘડિયાળ, ચોકલેટ સસ્તી થશે
રવિવારે ભારત અને ચાર યુરોપિયન દેશોના સંગઠન EFTAવચ્ચે વ્યાપાર અને આર્થિક ભાગીદારીનો કરાર કરવામાં આવ્યો હતો તેને પગલે કરારથી ભારતના ગ્રાહકોને હાઇ ક્વોલિટી સ્વીસ પ્રોડક્ટ્સ જેવી કે રોલેક્સ, ઓમેહા અને કાર્ટિયર જેવી પ્રિમિયમ બ્રાન્ડેડ ઘડિયાળો, ચોકલેટ્સ, બિસ્કૂટ્સ નીચી કિંમતે ઘરઆંગણે ઉપલબ્ધ થઇ શકશે. ભારત સરકાર સમયાંતરે આ પ્રોડ્ક્ટ્સ પરની કસ્ટમ્સ ડયુટીને ફેઝ આઉટ કરશે.
સ્વિટ્ઝર્લેન્ડ મોટું વ્યાપારિક ભાગીદાર
ભારતે આ અગાઉ સંયુક્ત આરબ અમિરાત અને ઓસ્ટ્રેલિયા સાથે એફટીએ વાટાઘાટોમાં ઝડપ લાવવા અથવા કરાર પર ઝડપથી પહોંચવાની વ્યુહરચનાનો સફળ ઉપયોગ કર્યો હતો. ભારત તથા ઇએફટીએ વચ્ચે 2022-23માં દ્વિપક્ષિય વ્યાપાર 18.65 અબજ ડોલરનો હતો જે 2021-22માં 27.23 અબજ ડોલરનો હતો. ચારે દેશોની વાત કરીએ તો સ્વિટઝરલેન્ડ ભારતનું સૌથી મોટું વ્યાપારી ભાગીદાર છે અને તેના પછી નોર્વેનું સ્થાન છે.


