દુર્ગા સપ્તશતિ (ચંડીપાઠ)ના 12મા અધ્યાયમાં 12મા અને 13મા શ્લોકમાં સ્વયં મા જગદંબા કહે છે –
શરત્કાલે મહાપૂજા કિયતે યા ચ વાર્ષિકી,
તસ્યા મમેતન્માહાત્મ્યં શ્રૃત્વા ભક્તિ સમન્વિત:।
સર્વબાધા વિનિર્મૂક્તો ધનધાન્ય સૂતાન્વિત:,
મનુષ્યો મત્પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય:॥
અર્થાત્ શરદ ઋતુની નવરાત્રિમાં જે પૂર્ણ ભક્તિથી, ભાવથી મારું પૂજન કરે છે તો તે મારી કૃપાથી તમામ બંધનોથી મુક્ત થઈ ધન-ધાન્ય, પુત્રલાભ અને સંપત્તિથી સંપન્ન થઈ જાય છે. નવરાત્રિ દરમિયાન મા જગદંબાની ઉપાસના અનેક પ્રકારે થાય છે. જેમાં ખાસ પ્રકારે કરવામાં આવતી શક્તિ ઉપાસના અને કુમારિકા પૂજનથી સાધકને મુક્તિ અને મોક્ષ પૂર્ણ સ્વરૂપે પ્રાપ્ત થાય છે.
માર્કંડેય પુરાણ અનુસાર કુમારિકા પૂજન માહાત્મ્ય
માર્કંડેય પુરાણમાં વર્ણન છે કે, મહિષાસુરનો વધ જે શક્તિએ કર્યો હતો તે શક્તિ ત્રણેય મહાદેવોએ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ) પોતાના અંશથી ઉત્પન્ન કરેલી આ શક્તિનો જે અંશ છે તે કુમારિકાઓમાં હોય છે. તેથી જ તો નવરાત્રિ દરમિયાન કુમારિકાઓનું પૂજન થાય છે. આ પૂજનથી ધર્મ, અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કુમારિકાઓને ભોજન, વસ્ત્ર-શૃંગાર સામગ્રીઓ અને દક્ષિણા-ભેટસોગાદ આપી સંતુષ્ટ કરવામાં આવે છે. આ કુમારિકા પૂજનના વિશેષ પ્રયોગથી મા આદ્યશક્તિ ખૂબ જ પ્રસન્ન થાય છે.
શ્રીમદ્ દેવી ભાગવત્ પુરાણ અનુસાર કુમારિકા પૂજન
આ પુરાણમાં સવિસ્તર વર્ણન છે. તેમાં કહે છે કે, બે વર્ષની કન્યા કુમારી કહેવાય છે. કુમારીના પૂજનથી દુ:ખ અને દરિદ્રતા દૂર થાય છે. ધન આયુષ્યની વૃદ્ધિ થાય છે. પ્રથમ નોરતે બે વર્ષની કન્યા કુમારીનું પૂજન કરવું આ સમયે બોલવું કે, સ્કન્દનાં તત્ત્વો અને બ્રહ્માદી દેવોની લીલાપૂર્વક રચના કરે છે તે કુમારીનું હું પૂજન કરું છું. ત્રણ વર્ષની કન્યાને ત્રિમૂર્તિ કહે છે. જેની પૂજા બીજા નોરતે કરવામાં આવે છે. જેની પૂજાથી પુત્ર-પૌત્રાદીની પ્રાપ્તિ થાય છે. `જે ત્રણેય કાળમાં વ્યાપ્ત છે તે ત્રિમૂર્તિનું હું પૂજન કરું છું’ તેમ બોલવું. ચાર વર્ષની કન્યાને `કલ્યાણી’ કહેવાય છે, જેની પૂજા ત્રીજા નોરતે થાય છે. આ પૂજન કરતા સમયે બોલવું કે `વિદ્યા, સફળતા, ઇચ્છા, સુખશાંતિની પૂર્તિ કરી આપો.’ આ પૂજનથી તમામ પ્રકારની કામનાઓની પૂર્તિ થાય છે. પાંચ વર્ષની કન્યાને રોહિણી કહેવાય છે, જેનું પૂજન ચોથા નોરતે થાય છે. આ પૂજન સમયે સારા આરોગ્યની પ્રાર્થના કરવામાં આવે છે. આ પૂજનથી સંચિત કર્મોનાં બીજનું રોપણ થાય છે. છ વર્ષની કન્યાને કાલિકા કહેવાય છે, જેની પૂજા પાંચમા નોરતે થાય છે. આ કાલિકા શક્તિ અખિલ બ્રહ્માંડને પોતાનામાં સમાવી લે છે. આ પૂજનથી શત્રુ નાશ પામે છે, તમામ પ્રકારના ભય દૂર થાય છે. સાત વર્ષની કન્યા ચંડિકા તરીકે ઓળખાય છે, જેની પૂજા-આરાધના છઠ્ઠા નોરતે કરવામાં આવે છે. આ શક્તિ ચંડ-મૂંડનો નાશ કરનાર છે. જેની પૂજા કૃપાથી ઘોર પાપનો નાશ થાય છે. આઠ વર્ષની કન્યાને શાંભવી કહે છે, જેનું પૂજન, અભિવાદન, સન્માન સાતમા નોરતે કરવામાં આવે છે. આ કન્યાપૂજનથી આર્થિક સંકટનું સમાધાન તથા વાદ-વિવાદમાં સફળતા મળે છે. આ શક્તિ ચારેય વેદોની શક્તિ છે. નવ વર્ષની કન્યાને દુર્ગા કહેવાય છે, જેની પૂજા આઠમા નોરતે કરવામાં આવે છે. આ પૂજનથી મુશ્કેલ કામો આસાન થઈ જાય છે, શત્રુનો નાશ થાય છે અને મુક્તિ મળે છે. દશ વર્ષની કન્યા સુભદ્રાથી ઓળખાય છે, જેનું પૂજન નવમા નોરતે કરવામાં આવે છે. મનોકામના પૂર્તિઅર્થે કરેલા પૂજનમાં સુભદ્રા સફળતા પ્રદાન કરે છે.
વિશેષ ફળ માટે ખાસ કન્યાપૂજન
ઋગ્વેદની ગાથા અનુસાર દેવી કહે છે. `હું સંપૂર્ણ જગતની સ્વામિની છું. ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવનારી છું. દર્શન કરવાયોગ્ય છું. દેવતાઓમાં મુખ્ય હું છું તમામ કાળોમાં મારો પ્રવેશ છે. આ તમામ શક્તિઓ પૃથ્વી બનીને સૃષ્ટિની આદ્ય રચયિતા બની છે, જળ બનીને જગતને તૃપ્ત કરે છે. જેવી રીતે બ્રહ્માજી રચના, વિષ્ણુ પાલન અને શિવજી સંહાર કરે છે તેવી જ રીતે તેની શક્તિઓ સરસ્વતી, લક્ષ્મીજી અને કાલી પણ બુદ્ધિ, ઐશ્વર્ય અને શૌર્યતા પ્રદાન કરે છે.’
આથી જ આ ત્રણેય મહાશક્તિઓ કહેવાય છે, જે કુમારી કન્યામાં સ્થિત હોય છે. કુમારી કન્યાઓ આ ત્રણેય મહાશક્તિની પ્રતિકૃતિ જ છે. એટલે જ શક્તિ ઉપાસના મંત્રમાં આપણે ઐ હ્રીં ક્લીં ચામુંડાયે વિચ્ચૈ મંત્રનું અનુષ્ઠાન કરીએ છીએ. ઐં એટલે સરસ્વતી, હ્રીં એટલે લક્ષ્મીજી તથા ક્લીં એટલે કાલી છે. આ ત્રિગુણાત્મક શક્તિઓ આ નવાર્ણમંત્રમાં છે.
આ ત્રિગુણાત્મક શક્તિ, ઉપાસકને માની માફક તમામ પ્રકારનાં વરદાન અને આશીર્વાદ આપે છે. આજની સાંપ્રત પરિસ્થિતિમાં તમામ વ્યક્તિએ શક્તિ પ્રાપ્ત કર્યા વિના ચાલશે નહીં, શક્તિ વગર જગતનું એક પણ કાર્ય શક્ય જ નથી. શક્તિ વિના દુનિયાની એક પણ સફળતા શક્ય નથી માટે જ આ નવરાત્રિમાં દુર્ગા ઉપાસના, શક્તિ ઉપાસના, કુમારિકા ઉપાસના કરી શક્તિને પ્રસન્ન કરી ધન, વૈભવ, સફળતા, શૌર્ય, શાંતિ, મનોકામના પ્રાપ્ત કરીએ એ જ મા આદ્યશક્તિ પાસે નમ્ર પ્રાર્થના કરીએ.