સંજય સોલંકીનું અપહરણ કરી ઢોર માર મારવાના કેસમાં રાહત આપવા હાઇકોર્ટનો ઇન્કાર
ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે જૂનાગઢના સંજય સોલંકીના અપહરણના કેસમાં હાઇકોર્ટે ગણેશ જાડેજાની જામીન અરજીની સુનાવણી તા.૧૬મીએ મુલત્વી રાખી છે. હાલ રાહત આપવા ઇન્કાર કર્યો હતો. સાથો સાથ ફરિયાદી સંજય સોલંકીને પણ નોટીસ ફટકારવામાં આવી છે.
જૂનાગઢના દલિત આગેવાન સંજય સોલંકીને અપહરણ કરી એક ફાર્મ હાઉસ પર લઇ જવાયો હતો અને ત્યાં તેના કપડા કાઢી ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેની પાસે માફી મંગાવતો વીડિયો પણ વાયરલ કરાયો હતો. આ સમગ્ર પ્રકરણમાં કુખ્યાત ગણેશ ગોંડલ સહિત અન્ય પાંચ આરોપીઓ વિરૂધ્ધ જૂનાગઢ એ ડિવીઝન પોલીસમથકમાં આઇપીસી, આર્મ્સ એકટની કલમ-૨૫(૧-બી)(એ) અને એટ્રોસીટી એકટની કલમ-૩(૨)(૫) મુજબની ફરિયાદ નોંધાઇ હતી.
જે કેસમાં તાજેતરમાં જૂનાગઢ સેશન્સ કોર્ટે તમામ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી. જેને પગલે ગણેશ ગોંડલે હવે ગુજરાત હાઇકોર્ટમાં પોતાની જામીન અરજી રજૂ કરી હતી. ગણેશ ગોંડલ તરફથી બચાવ કરાયો હતો કે, પ્રસ્તુત કેસમાં પોલીસે ખોટી રીતે કલમો લાગુ કરી છે, ફરિયાદીએ જે આરોપ લગાવ્યા છે તે બેબુનિયાદ અને આધારપુરાવા વિનાના છે. પોલીસની તપાસમાં અને ફરિયાદીની ફરિયાદ જ શંકાના ઘેરામાં છે ત્યારે અરજદારને શરતી જામીન પર મુકત કરવો જોઈએ. જો કે, હાઈકોર્ટે હાલના તબક્કે ગણેશ ગોંડલેને કોઈ રાહત આપી ન હતી અને ફરિયાદપક્ષને નોટિસ કાઢી કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ રાખી હતી.