- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ઈટલીની મુલાકાતે
- ઈટલી PM જ્યોર્જિયા મેલોનીએ PM મોદીને આપ્યું હતું આમંત્રણ
- ત્રીજી વખત શપથ લીધા બાદ PM મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ
દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી અને ઘણા રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે. નવી સરકારોએ સત્તા સંભાળી છે. મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં ચૂંટણીના માહોલથી આગળ વધીને સરકારનું સંપૂર્ણ ધ્યાન ફરી મોટા મુદ્દાઓ પર કેન્દ્રિત થયું છે. આ સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ઈટાલીના પ્રવાસે જઈ રહ્યા છે.
G-7 સમિટને લઇ PM મોદી ઇટલી જશે
ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ PM મોદીને G-7 કોન્ફરન્સમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. PM મોદીએ પણ મેલોનીનું આમંત્રણ સ્વીકારી લીધું છે. 9 જૂને ત્રીજી વખત શપથ લીધા બાદ PM મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ હશે, જેના પર તમામની નજર ટકેલી હશે.
વિદેશ સચિવ વિનય મોહને PM મોદીની ઈટલી મુલાકાતની પુષ્ટિ કરી છે. વિનય મોહને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટલીના PMના આમંત્રણ પર અપુલિયા (ઈટલી) જઈ રહ્યા છે. PM મોદી G-7ની 50મી કોન્ફરન્સમાં ભાગ લેશે. આ સમિટ 14 જૂને ઈટાલીમાં યોજાશે. જોકે ભારત G-7 જૂથનો ભાગ નથી. પરંતુ ઈટાલીએ ભારતને મહેમાન તરીકે આમંત્રણ મોકલ્યું છે. વિનય મોહને માહિતી શેર કરતા કહ્યું કે પીએમ મોદીનો તેમના ત્રીજા કાર્યકાળમાં આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. G-7 દેશો વચ્ચે ભારત અને ગ્લોબલ સાઉથના મુદ્દા ઉઠાવવાની આ સારી તક છે.
G-7 સમિટમાં કયા દેશો થશે સામેલ
G-7 દેશોની યાદીમાં અમેરિકા, કેનેડા, જાપાન, ફ્રાન્સ, બ્રિટન, જર્મની અને ઈટાલીના નામ સામેલ છે. જોકે પહેલા આ જૂથને G-8 કહેવામાં આવતું હતું. રશિયા પણ આ જૂથનો ભાગ હતો. પરંતુ 2014માં રશિયાએ ક્રિમિયા પર કબજો કરી લીધો હતો. આવી સ્થિતિમાં રશિયા વિરૂદ્ધ કાર્યવાહી કરીને તેને ગ્રૂપમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારથી તેને G-7 કહેવામાં આવે છે.


