- ઇસરોની ગગનયાન પ્રોજેક્ટ મારફત અવકાશમાં એસ્ટ્રોનોટ્સ મોકલવાની તૈયારી
- CE20 ક્રાયોજેનિક એન્જિન ગગનયાન મિશન માટે હ્યુમન રેટેડ હોવાનો ઇસરોનો દાવો
- CE20 ક્રાયોજેનિક એન્જિન LVM3 વ્હિકલના ઉપલા તબક્કાને તાકાત આપશે
ચંદ્રયાન-3 અને આદિત્ય એલ-1 મિશન બાદ ISRO એટલે કે ભારતીય અવકાશ અનુસંધાન સંગઠને નવી સફળતા તરફ ડગ આગળ વધાર્યા છે. ઇસરોએ ગગનયાન મિશનની તૈયારીમાં વધુ એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ભારતીય સ્પેસ એજન્સીએ બુધવારે માહિતી આપી છે કે ગગનયાન માટે ઉપયોગમાં લેવામાં આવનારા ક્રાયોજેનિક એન્જિનનું ટેસ્ટિંગ પૂરું કરી લેવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે ભારતની ગગનયાન મિશન મારફત ભારતીય એસ્ટ્રોનોટ્સને સ્પેસમાં મોકલવાની યોજના છે અને તે દિશામાં ઇસરો તડામાર તૈયારી કરી રહ્યું છે. ઇસરોએ જાણકારી આપતા કહ્યું હતું કે CE20 ક્રાયોજેનિક એન્જિન હવે ગગનયાન મિશન માટે હ્યુમન રેટેડ છે. ઇસરોએ વધુમાં જણાવ્યું હતું કે કડક પરીક્ષણ બાદ એન્જિનની ક્ષમતાની જાણકારી થઈ છે. ખાસ વાત એ છે કે હવે આ એન્જિન LVM3 વ્હિકલના ઉપલા તબક્કાને તાકત આપશે. ઇસરોના જણાવ્યા પ્રમાણે પ્રથમ માનવરહિત ગગનયાન મિશન (G1) વર્ષ 2024ના બીજા ત્રિમાસિકગાળા દરમિયાન સંપન્ન થઈ શકે છે.
પરીક્ષણ કેવી રીતે કરવામાં આવ્યું?
ઇસરોના જણાવ્યા પ્રમાણે માનવ રેટિંગ માપદંડો હેઠળ CE20 ક્રાયોજેનિક એન્જિનને યોગ્ય બનાવવા માટે ચાર એન્જિનને અલગ-અલગ હાલતમાં 39 હોટ ફાયરિંગ ટેસ્ટ્સમાંથી પસાર કરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા આઠ હજાર 810 સેકન્ડ્સ સુધી ચાલી હતી. ખાસ વાત એ છે કે યોગ્યતા પ્રાપ્ત કરવા માટે આ ક્રાયોજેનિક એન્જિનોએ 6 હજાર 350 સેકન્ડ સુધી આ આકરા ટેસ્ટ્સમાંથી પસાર થવું પડયું હતું.
ઇસરોનું ગગનયાન મિશન શું છે?
ગગનયાન મિશન હેઠળ ત્રણ સભ્યોની એક ક્રૂ ટીમને ત્રણ દિવસના મિશન માટે સ્પેસમાં 400 કિલોમીટર ઉપર ઓર્બિટમાં પહોંચાડવાની તૈયારી કરી રહ્યું છે. તેની સાથે જ ઇસરોની ભારતીય સમુદ્રી ક્ષેત્રમાં આ ક્રૂ ટીમનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવાની યોજના પણ સામેલ છે. આ મિશનનું નામ સંસ્કૃત શબ્દ પરથી રખાયું છે જેનો અર્થ આકાશ તરફ લઈ જનાર યાન થાય છે. મીડિયા અહેવાલો અનુસાર ગગનયાન પ્રોજેક્ટ્સમાં 9,000 કરોડ રૂપિયાનો ખર્ચ આવી શકે છે. અને જો ઇસરો પોતાના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં સફળ થઈ જાય તો ભારત સ્પેસમાં માનવીને મોકલનારો વિશ્વનો ચોથો દેશ બની જશે. આ પહેલાં સોવિયેત સંઘ (રશિયા), અમેરિકા અને ચીન આ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા છે.


