અમદાવાદમાં વર્ષો પહેલાં જ્યારે રથયાત્રાનો પ્રારંભ થયો ત્યારથી જ હાથીઓ રથયાત્રામાં જોડાય છે. જગન્નાથપુરીની જેમ આ વર્ષે શહેરના જગન્નાથ મંદિર ખાતે પણ ભગવાન મોસાળ ગયા ત્યારે ગજવેશ પહેરાવવામાં આવ્યા હતા.
એટલું જ નહીં `સરજુપ્રસાદ’ નામના એક હાથીની સમાધિ પાસે અત્યારે ગણપતિ મંદિર બનાવવામાં આવ્યું છે અને ત્યાં નિત્ય પૂજાપાઠ પણ થાય છે. રથયાત્રાનું નિમંત્રણ આ `સરજુપ્રસાદ’ નામના ગજરાજની સમાધિ અને જગન્નાથજી મંદિરની સામે આવેલા હનુમાનજી મંદિરમાં પણ આપવામાં આવે છે.
આપણી ભારતીય સંસ્કૃતિમાં પ્રથમ ગણપતિ પૂજનનું મહત્ત્વ છે. એ દૃષ્ટિએ પણ રથયાત્રામાં પ્રથમ હાથીઓ જ જોડાય છે. આ વર્ષે જગન્નાથપુરીની જેમ ભગવાન મોસાળ ગયા ત્યારે અહીં ગજવેશ પહેરાવવામાં આવ્યા છે. જ્યારે ઇન્દોરના મહારાજાએ જગન્નાથજી મંદિરને `સરજુપ્રસાદ’ નામનો હાથી ભેટ આપ્યો હતો અને તે રથયાત્રામાં પણ જોડાતો હતો. તેના મૃત્યુ પછી તેની સમાધિ અહીં બનાવવામાં આવી હતી. સાથોસાથ રથયાત્રાના દિવસે પણ ગજરાજ જ સૌપ્રથમ ભગવાનના રથનાં દર્શન કરે છે. વર્ષ 1985માં હાથીઓએ જ રથને દાંતથી ખેંચીને મંદિરના દરવાજાની બહાર કાઢી રથયાત્રાની પરંપરા અખંડિત રાખી હતી તે ઘટના તો સર્વવિદિત છે. સામાન્ય રીતે દર વર્ષે લગભગ 16 ગજરાજ રથયાત્રામાં જોડાય છે. જોકે, અત્યારે જગન્નાથજી મંદિરમાં બધી જ હાથણીઓ છે.
આ દિવસે તેમને વિશિષ્ટ રીતે શણગારાય છે. મહાવતો એક દિવસ પહેલાંથી જ તેના માટેની તૈયારીઓ આરંભી દેતા હોય છે. આ દિવસ તેમના માટે વિશિષ્ટ હોય છે. જોકે, અત્યાર સુધી રથયાત્રાના ઇતિહાસમાં કોઈ જાનહાનિ ગજરાજ દ્વારા થઈ હોય તેવું નોંધાયું નથી, તેમ છતાં હાથીઓ માટે વિશેષ પશુ ચિકિત્સકની ટીમ પણ રથયાત્રામાં સાથે રહે છે.
ભગવાન જગન્નાથજીનું લાખેણું મોસાળું
રથયાત્રા જ્યારે સરસપુર (ભગવાનના મોસાળે) આવી પહોંચે છે ત્યારે ત્યાંના અતિ પ્રાચીન રણછોડરાયજીના મહંતશ્રી વાજતે ગાજતે ત્રણેય રથોમાં બિરાજમાન પોતાના ભાણેજો તથા રથયાત્રીઓનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરે છે. ત્રણેય રથોનું વિધિવત્ પૂજન થાય છે. ત્યારબાદ યજમાન દ્વારા ભગવાનનું લાખેણું મોસાળું પૂરવામાં આવે છે. આ સમયે યજમાન અને સરસપુરના રહેવાસીઓના મનમાં આનંદ સમાતો નથી. બહેન સુભદ્રાજી માટે સોનાના ઢોળવાળા ચાંદીના હાર, પાઘ (પાઘડી), હાથના પાટલા, સોનાની બુટ્ટી, સોનાની વીંટી, નથણી, ચાંદીની ઘૂઘરી વડે અલંકારિક સાડી, કપડાં તથા પાર્વતી શણગાર, ચૂડી-ચાંદલો તથા ભગવાન જગન્નાથજી અને ભાઇ બલરામ માટે પાઘ (પાઘડી), ધોતી-ઝભ્ભો, કાંડા ઘડિયાળ, પગરખાં, અલંકાર, પીવાના પાણી માટે માટીના કુંભ, વિવિધ ફળ અને શુદ્ધ દેશી ઘીની મીઠાઇઓ તથા કીમતી ચીજવસ્તુઓની પહેરામણી કરવામાં આવે છે.
કોઠારમાં દરોડો પાડનાર કલેક્ટર છોભીલા પડ્યા
મહંત નરસિંહદાસજીના સમયની આ ઘટના એવી છે કે વર્ષ 1940માં બધે જ અનાજનું રેશનિંગ હતું. તે ગાળામાં મંદિરમાં પણ સાધુ-સંતો અને દરિદ્રનારાયણો માટે મંદિરનો ભંડારો સવાર-સાંજ ચાલુ હતો. તે દરમિયાન કોઈની કાન ભંભેરણીથી તત્કાલીન અંગ્રેજ કલેક્ટર પિમ્પુટકરેને કોઈએ કહ્યું કે મહંત નરસિંહદાસજી અન્નક્ષેત્ર-ભંડારો ચલાવે છે ત્યારે આટલું બધું અનાજ લાવે છે ક્યાંથી? તેમની પાસે અનાજ, ખાંડ, ઘી, તેલ, ગોળનો જથ્થો કેટલો છે તેની તપાસ થવી જોઈએ. એટલે આ કલેક્ટરે પોતાના માણસો સાથે મંદિરમાં રેડ પાડી.
પ્રથમ તેઓ તત્કાલીન મહંતને મળ્યા. મહંતે પ્રેમપૂર્વક આવકાર આપી કહ્યું જુઓ, હું અહીંનો સેવક છું, માલિક તો સ્વયં જગન્નાથજી છે. તમે અહીં જે જુઓ છો તે બધું ધર્માદાનું છે. લોકો દાન આપે છે તેના વળતરરૂપે ભંડારારૂપે સાધુ-સંતો અને દરિદ્રનારાયણને જમાડીએ છીએ. તમે મંદિરના કોઠારની ચાવી જાતે લઈ તાળું ખોલી જુઓ. પછી કલેક્ટર અને તેમની સાથેના અધિકારીઓ મંદિરના સેવકો સાથે કોઠાર જોવા ગયા. બધાએ જોયું કે બધા કોથળા ખાલી હતા. ક્યાંય ગોળના રવા, ઘી-તેલના ડબા પણ ન દેખાયા. એટલે બધા ભોંઠા પડી ગયા. ત્યારબાદ મહંતે તેઓને પૂછ્યું કે તમે બરાબર કોઠાર જોઈ આવ્યા કંઈ સંતાડીને કે છુપાવીને રાખ્યું છે? હવે તમે અમારા અતિથિ છો એટલે ભગવાનનો પ્રસાદ આરોગીને આગળની કાર્યવાહી કરજો. પછી તેમણે માલપૂઆનો પ્રસાદ આરોગ્યા પછી મહંતે કહ્યું તમે જીવદયાનો મનમાં ભાવ રાખી ફરીથી કોઠાર ખોલીને જુઓ. કલેક્ટર અને તે અધિકારીઓએ તે મુજબ કર્યું, પરંતુ આશ્ચર્ય થયું કે અત્યારે બધા જ કોથળા અનાજ-ખાંડથી ભરપૂર હતા અને તેલ-ઘીના ડબા અને ગોળના 2વા દેખાયા. એટલે કલેક્ટરે પોતાના માણસને ખાંડનો એક કોથળો ઊંચકી તોલવા કહ્યું. કોથળો ઊંચકવા ઘણું બળ કર્યું, પરંતુ તે ઊંચકાયો જ નહીં. પછી કલેક્ટર ને અધિકારીઓ સંતના ચરણમાં ઝૂકી ગયા અને જગન્નાથજીનાં દર્શન કરીને નીકળી ગયા. જોકે, આ ચમત્કાર કહો કે કંઈ પણ આજે પણ ગમે તેવી કુદરતી આપત્તિ હોય ત્યારે જગન્નાથજી મંદિરના કોઠાર હંમેશાં દુ:ખીજનોની સહાય માટે ખુલ્લા હોય છે અને આજે પણ રોજ સાધુ-સંતો અને દરિદ્રનારાયણ મંદિરના ભંડારામાં ભોજનપ્રસાદ મેળવે છે.